27 નવેમ્બર 2020
અમેરિકાની ટેક કંપની ગૂગલે ભારતમાં 2020માં કુલ આવક 34.8 ટકા વધીને 5,593.8 કરોડ રૂપિયા થઈ છે. જેમાં ગુજરાતના લોકો પાસેથી રૂ.500 કરોડની કમાણી અને 50 કરોડનો નફો કર્યો હોવાનું બજારનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીની કુલ રેવેન્યૂ 4,147 કરોડ રૂપિયા રહી હતી.
ગૂગલ ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2020માં 586.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 472.8 કરોડ કરતા 23.9% વધારે છે. 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ઓપરેશનથી કંપનીની આવક રૂ. 5384.7 કરોડ રહી છે. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં આ આવક રૂપિયા 3992.8 કરોડ હતી.
ગૂગલ ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2020માં ખર્ચમાં 30.4%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ રૂ. 4,455.5 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીનો કુલ ખર્ચ 3,416.5 કરોડ રૂપિયા રહ્યો છે. ગૂગલ ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 ગુગલનો પ્રી-ટેક્સ પ્રોફીટ 1,138.3 કરોડ રૂપિયા રહ્યો છે. તેમાં 302 કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ પણ શામેલ છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ ભારતીય કામગીરી પર આશરે 400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
ગૂગલ ઈન્ડિયા ઇન્ટરનેટ ઉદ્યોગને આઇટી અને આઇટી આધારિત સેવાઓ પ્રદાન કરે છે. આ સિવાય, ગૂગલ એડ-વર્ડ્સ પ્રોગ્રામ દ્વારા એડવર્ટાઈજિંગ સ્પેસમાં થર્ડ પાર્ટી રી-સેલર તરીકે પણ કામ કરે છે. ફાઇલિંગ મુજબ, ગૂગલ ભારતની કુલ આવકમાં એડવર્ટાઈજિંગની હિસ્સેદારી 27% રહી છે. આઇટી આધારિત સેવાઓનો હિસ્સો 32% અને આઇટી સેવાઓના હિસ્સો 41% રહ્યો છે.