મે 2023 સુધીમાં કુલ 1619.66 મેગાવૉટની ક્ષમતા ધરાવતી 4 લાખ 11 હજાર 637 સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂ. 2607.84 કરોડ સબસિડી ચુકવવામાં આવી હતી. એક સોલાર પાછળ રૂ.63,352 સહાય સરકારે આપી છે.
ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ 2023 સુધીમાં સમગ્ર દેશમાં 1861.99 મેગાવૉટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થયેલી છે. તે પૈકી 1507.71 મેગાવૉટ ક્ષમતાની સોલાર સિસ્ટમ ગુજરાતમાં સ્થાપિત કરાયેલી છે. દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના 81 ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે.
રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘરમાં વપરાશ બાદ ગ્રીડમાં મોકલેલી વધારાની એક યુનિટ વીજળીના રૂ.2.25 દરે વિજળી કંપની દ્વારા ખરીદવામાં આવે છે.
ઓનલાઈન પોર્ટલ સાથે 728 એજન્સીઓ કામ કરે છે. જે વર્ષ માટે ફ્રી મેઇન્ટેનન્સ પૂરું પાડવામાં આવે છે. સોલાર રૂફટોપ સિસ્ટમની કામગીરીની ગુણવત્તા ચકાસવા વીજ વિતરણ કંપનીના ઇજનેર દ્વારા સોલાર પીવી મોડ્યુલોનું ઇન્સ્પેકશન કરવામાં આવે છે.આ યોજના માટે નોડલ એજન્સી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. દ્વારા દૈનિક પ્રગતિનું મોનીટરીંગ કરવામાં આવે છે.
રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમમાં ઊપયોગમાં લેવામાં આવતા સોલાર સેલ અને સોલાર મોડ્યુલ્સ ભારતમાં બનાવવામાં આવે છે. બિનભારતીય બનાવટના મંજૂર કરાતા નથી.આનાથી ભારતમાં સોલાર સેલ અને મોડ્યુલ્સના ઘરેલૂ ઊત્પાદનને વેગ મળ્યો છે.
5 – 8 – 2019માં સૂર્ય-ગુજરાત યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ઘરની છત ઉપર 1 કિલોવૉટ કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરી શકે છે. સબસિડી વધુમાં વધુ 10કિલોવૉટની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે.
3 કિલોવૉટ સુધી 40 ટકા, ૩ કિલોવૉટથી વધુ અને 10 કિલોવૉટ સુધી 20 ટકા સબસિડી આપવામાં આવે છે.
ગ્રુપ હાઉસિંગ સોસાયટી (GHS) કે રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન(RWA)ની સોસાયટીની લાઇટ, સોસાયટીનુ વોટરવર્કસ, લિફ્ટ, જીમ, સ્વીમિંગ પુલ, બગીચો વગેરે જેવી સહિયારી (કોમન) સુવિધાઓના વીજ જોડણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા 20 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ માટે સોલાર રૂફટોપ પ્લાન્ટની ક્ષમતા ઘર દીઠ 10 કિલોવૉટની મર્યાદામાં વધુમાં વધુ કુલ 500 કિલોવૉટ સુધી સબસિડીને પાત્ર છે.
સરકારી કચેરીઓમાં 2337 સોલાર સિસ્ટમ મૂકાઈ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓની છત પર માર્ચ 2023 સુધીમાં 2337 સૌર ઊર્જા પ્રણાલીઓ સ્થાપિત કરી છે. જેમાં 47,596 કિલોવૉટ ઊર્જા પેદા કરવામાં આવી છે.
આ કચેરીઓમાં કલેક્ટર કચેરીઓ, પ્રાંત કચેરીઓ, આઈ.ટી.આઈ, સરકારી કોલેજો અને શાળાઓ, આર.ટી.ઓ., પોલીસ સ્ટેશન, ટ્રેઝરી કચેરીઓ, જિલ્લા અદાલતો, સીએચસી, પીએચસી, સરકારી હોસ્પિટલો વગેરેનો સમાવેશ થાય છે.
સરકારી કચેરીના બિલ્ડીંગની છત પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે જેડા-GEDA અને સંબંધિત કચેરી કામ કરે છે. GEDA દ્વારા વાર્ષિક ટેન્ડર પ્રસિદ્ધ કરી વિક્રેતાઓનું શોર્ટલિસ્ટિંગ કરી વર્ક ઓર્ડર આપવામાં આવે છે.