સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસીનું આગમન કારણ ?

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી દીધું છે. હવે લોસભાના સ્પીકરને તેઓ રાજીનામું આપવાના છે.

પક્ષને નુકસાન ન પહોંચે એટલે રાજીનામું આપ્યું છે. મોદી સામે થવાની સજા માનવામાં આવી રહી છે. CM રૂપાણી અને PM મોદીને આદિવાસી પ્રજાના હિતમાં સાચું કહેવાનું નહોતા ચુકતા.

તેમના રાજીવનામાં પાછળ ઓવૈસી અને આદિવાસી પક્ષની ગુજરાતમાં થઈ રહેલો પ્રવેશ પણ માનવામાં આવે છે.

ઓવૈસીનું આગમન અને વસાવાની વિદાય

જે દિવસે ઓવૈસીના ગુજરાત આગમન થવાની જાહેરાત થઈ તેના આગલા દિવસે જ મોદીને પત્ર લખ્યો હતો. 24 ડિસેમ્બર 2020માં પત્ર લખીને મનસુખ વસાવાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેથી ઇકોસેન્સેટિવ ઝોન દૂર કરવા માટે મોદી સમક્ષ માંગણી કરી હતી. જેના અનુસંધાનમાં રાજીનામું લેવામાં આવી રહ્યું હોવાનું સીધું કારણ દેખાય છે. પણ અંદરની વાત એવી છે કે તે નક્કી થયેલી વ્યૂહરચનાના ભાગરૂપે હોઈ શકે છે.

શું છે પત્રમાં

મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું હતું કે, ભારતીય જનતા પક્ષે મારી કામના કરતા પણ ઘણું બધું મને આપ્યું છે. જે માટે પક્ષનો અને પક્ષના નેતાગણનો હું ઘણો જ આભાર માનું છું. શક્ય તેટલી પક્ષમાં વફાદારી નિભાવી છે. આખર તો હું એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે પણ ભૂલ થતી હોય છે. મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું.  જે બદલ મને પક્ષ ક્ષમા કરે. આ મારા નિર્ણયની કેન્દ્રીય નેતાગણને પણ જાણ કરશોજી.

PMને પત્ર

સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઇકોસેન્સેટિવ ઝોન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ઇકોસેન્સેટિવ ઝોનમાં નર્મદા જિલ્લાના નર્મદા જિલ્લા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તાર, નાંદોદ, ગરૂડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારાના 121 ગામ આવી જાય છે.  સમાવેશ થયા છે. તેથી આ ઇકોસેન્સેટિવ હટાવી લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસીઓને પહેલા સમજે અને પછી આ પ્રકારના કાયદા લાદવામાં આવે.

સરકારની આ દખલ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેઓ સરકારથી નારાજ છે અને કેટલાક લોકો આંદોલન કરવાની પણ તૈયારી કરી રહ્યા છે. લોકોમાં રહેલા અસંતોષને શાંત કરીને વિકાસની પ્રક્રિયાને આગળ વધારી શકાય છે.

સાંસદ મોદીને મળેલા

ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો.

ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા. રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી છે.

આ બાબતે ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અમે પીએમ મોદીને રબારી,ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા રજુઆત કરી છે. સાથે સાથે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ બાબતે પણ એમને વાકેફ કર્યા છે.

અગાઉ ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી આંદોલનને સમર્થન આપ્યું હતું. આ વાત મોદીને ખટકી હતી. તેઓ મોકાની રાહ જોઈ રહ્યાં હતા.

આંદોલન

ગાંધીનગર ખાતે આદિવાસી સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, આદિવાસી આંદોલનકારીઓને સમર્થન આપવા ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ.

પૈસા આપીને ખોટા પ્રમાણપત્રો લઇન આદિવાસીઓનો અધિકાર ભોગવે છે.  હું બીજા આદિવાસીઓ નેતાઓને પણ કહુ છુ કે, તમારામાં તાકાત હોય તો આદિવાસીઓને સમર્થન કરો નહીં તો આદિવાસી નેતા બનાવાનું બંધ કરી દો. તમે આદિવાસીઓને કારણે જ કંઇક છો. સત્તાની પરવા કર્યાં વિના આદિવાસીઓના હિત કામ કરો. આદિવાસીઓ ચૂપ નહીં રહેવુ જોઇએ.

ભરૂચના સાસંદ અને મુળ નર્મદા રાજપીપળાના રહેવાસી મનસુખ વસાવા છેલ્લા એક વર્ષથી આદિવાસીઓને તેમને હક અપવવા માટે ચળવળ ચલાવી રહ્યાં છે. તે વાત કેટલાક બની બેઠેલા આદિવાસી આગેવાનોને પસંદ પડી નથી. જેથી  મનસુખ વસાવાના લેન્ડ લાઇન નંબર ઉપર ફોન કરી તમારા મૃત્યુના દિવસો નજીક આવી ગયા છે, તેવા ધમકી ભર્યા ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી મળતા આખરે તેમને ભરૂચ જીલ્લાના પોલીસ વડાને લેખિતમાં ફરીયાદ કરી છે.

છ વખત લોકસભાની ચૂંટણી જીતીને ભાજપને અજય બનાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લોકોની વાત કરવા માટે ગુજરાત ભરમાં જાણીતા થઈ ગયા છે. તેઓ પક્ષની પણ શરમ રાખ્યા વગર જે કંઈ પ્રજા હીતમાં લાગે તે ચોખ્ખું કહી દે છે. આ કારણે તેમણે કેન્દ્ર સરકારમાં મંત્રી પદેથી હઠાવવામાં આવ્યા હતા અને હવે તેમને ભરૂચની ટિકિટ ભાજપ ન આપે એવી ગણતરી મૂકવામાં આવતાં કોંગ્રેસ ગેલમાં છે. કોંગ્રેસના ખજાનચી અને દેશના નેતા અહેમદ પટેલ ભરૂચના છે અને ભરૂચમાં તેઓ લોકસભાની બેઠક જીતાડી શકતાં નથી. પાંચ ટર્મથી તેઓ અહીં પોતાના પક્ષ કોંગ્રેસને જીતાડી શક્યા નથી અને તેઓ દેશના પ્રથમ હરોળના નેતા કહેવાય છે. તેથી હવે તેઓ ઉંટની જેમ હોઠ લબડાવી રહ્યાં છે કે મનસુખ વસાવાને ભાજપ ટિકિટ ન આપે તો કોંગ્રેસ લોકસભાની 2019ની લોસભાની ભરૂચની બેઠક જીતે.

ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

ભાજપના સાંસદ વસાવાએ ભરૂચના કલેક્ટરને 23 ઓગસ્ટ 2018ના રોજ પત્ર લખ્યો છે તેમાં તેમણે રાવ કરી છે કે, આરોગ્ય વિભાગ દ્વારા બાંધવામાં આવતાં દવાખાના અને હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ચોમાસાના પાણીથી ધાબાઓ ગળે છે. વળી અંકલેશ્વરથી રાજપીપળાના ફોર ટ્રેક બની રહેલાં રસ્તા અને રાજપીપળાથી દેવલિયા સુધી બનતાં નવા રસ્તાના કામમાં વપરાતી માટી અને રેતીની રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે. પોઈચા બ્રિજથી બેટ સુધી રેતીની મંજૂરી વગર ઉઠાવી લેવામાં આવી છે. ક્વોરીઓ મંજૂરી વગર પથ્થર કાઢી રહ્યાં છે. આ કામ અટકાવવા માટે રજૂઆત કરી હતી. તેમાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. નાના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે પણ મોટા કોન્ટ્રાક્ટરોને કંઈ કરવામાં આવતું નથી. ખેડૂતોને પકડીને કેસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ રેતી માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.

આનંદીબેન જવાબ નહીં આપે તો રાજીનામું આપીશ

આદિજાતિ બાબતોના કેન્દ્રીય પ્રધાન મનસુખ વસાવાએ આદિવાસીઓના ઝડપી વિકાસ માટેની જરૂરી રજૂઆતો બાદ યોગ્ય જવાબ ન મળતાં રાજીનામું આપી દેવાની ચમકી ઉચ્ચરી હતી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી જેવા આદિવાસી જિલ્લાઓમાં અનેક સમસ્યા છે. ખેડૂતોનો વિકાસ થયો નથી. રાજ્ય સરકારે તે માટે કામ કરવું જોઈએ. ગુણવત્તા સાથેનું શિક્ષણ મળવું જોઈએ. તેમ થતું ન હોવાથી સ્પર્ધાત્મ પરિક્ષામાં આદિવાસી બાળકો સારો દેખાવ કરી શકતા નથી. જો આ પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો કેન્દ્રીય પ્રધાન તરીકે હું રાજીનામું આપી દઈશ. એવું વડોદરાના 3 જુલાઈ 2016ના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું અને તેમને કેન્દ્રીય મંત્રી મંડળમાંથી પછી પડતાં મૂકવામાં આવ્યા હતા.

મારો શું વાક ગુનો કે મને કાઢી મૂક્યો

લોકસભાના 26 સાંસદો પૈકી એકમાત્ર સાંસદ મનસુખ વસાવાને રાજ્યકક્ષાના પ્રધાન 24 મે 2014ના રોજ બનાવવામાં આવ્યા હતા. પછી તેમને આનંદીબેન સામે ઉચ્ચારો કરવા બદલ મોદી સરકારમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ અગાઉ તેઓએ કહ્યું હતું કે મારો શું વાંક હતો કે કેન્દ્ર સરકારમાં આદિજાતિ બાબતોના રાજ્ય પ્રધાન તરીકે રાજીનામું લઇ લેવાયું ? હું હવે સ્વતંત્ર હોવાથી સરકાર સમક્ષ ઊંચા અવાજે વાત કરીશ. લોકોને કહ્યું હતું કે તમે ચિંતા ન કરતા. હું આવનાર સમયમાં ખુમારીથી કામ કરવાનો છું. મને પદ કે સત્તાની હવે કોઇ ચિંતા નથી. આદિવાસીઓના પ્રશ્નોની સરકારમાં રજૂઆતો કરતો રહીશ. સત્યને વળગી રહીશ. નર્મદા ડેમનું પાણી નર્મદા અને ભરૃચ જિલ્લાના લોકોને પણ મળવું જોઇએ. કોંગ્રેસ પક્ષ, જેડીયુમાં કે બી.પી.એસ.માં હું જોડાવાનો નથી. હવે પછી હું કોઈ હોદ્દા ધારણ નહી કરું, માત્ર સાંસદ તરીકે કાર્ય કરીશ. સાચી રજૂઆતો કરી, સાચુ બોલતો રહીશ.

પ્રધાન તરીકે મારું કોઈ સાંભળતું ન હતું

6 જુલાઈ 2016ના રોજ પ્રધાનમંડળમાંથી પડતા મુકાતા વ્યક્ત કર્યો હતો કે, આદિવાસી સમાજના લાભ માટે તેઓ અથાક પ્રયાસો કરી રહ્યા હતા છતાં તેમને સતત એવું લાગતું હતું કે, તેમના પોતાના જ મંત્રાલયમાં તેમને કોઈ ગણતું નહોતું. તેમની સામે વિરોધનું જાણે વાતાવરણ હતું. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને રાજ્યના પૂર્વપટ્ટીના આદિવાસીઓના લાભ માટે વારંવાર વિનંતીઓ કરી, યોજનાઓના યોગ્ય અમલ માટે રજૂઆતો કરી. પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઈ જ સહકાર મળતો નહોતો. કેન્દ્રની એકલવ્ય સ્કૂલ યોજના હેઠળની ગુજરાતની શાળાઓની હાલત અત્યંત દયનીય છે. સરકાર આ વિષે કોઈ જ પગલાં નહીં ભરે તો તેઓ પ્રધાનપદેથી રાજીનામુ આપી દેશે. આમ છતાં રાજ્ય સરકારે કોઈ જ પગલાં ન ભર્યા, તેમ તેમણે કહ્યું. રાજીનામું આપી દેશે એવો પત્ર લખ્યો તે પત્રને આગળ ધરીને ભાજપ મોવડીમંડળે રાજીનામું આપવાની સુચના આપી હતી. ગુજરાત સરકારમાં નારાજ લોકોએ મારી ફરિયાદ કરી હશે. જેના કારણે મંત્રીપદેથી મારૂ રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી અગાઉ 26 એપ્રિલ 2014ના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનસુખ વસાવાને પ્રમાણિક અને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નેતા ગણાવ્યાં હતાં અને મનસુખ વસાવા જાહેરમંચ ઉપર આંસુને રોકી શકયાં ન હતાં.

ભિલિસ્તાન ટાઇગર સેનામાં જોડાઇશ નહી

રાજપીપળાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં શિક્ષકો, શિક્ષણ અને શિક્ષણ પ્રધાન ભૂપેનદ્રસિંહ ચૂડાસમા પર આક્ષેપ કર્યા હતા. ખરાબ પરિણામના કારણે શિક્ષકો જવાબદાર છે. મારા વિસ્તારમાં 60થી 70 ટકા શિક્ષકો જુગાર રમે છે અને શિક્ષકો દારૂ પણ પીવે છે. દારૂ અને જુગાર રમનાર શિક્ષકો બાળકોને કેવી રીતે ભણાવી શકે છે. શિક્ષણ પ્રધાન નિષ્ફળ ગયા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેમને ખોટા કહ્યા ત્યારે વસાવાએ ફરી એજ આક્રમકતાથી આરોપો દોહરાવ્યા હતા. આંકડાઓ દર્શાવે છે કે ખાનગી શાળા કરતા સરકારી શિક્ષકો વધુ ઊંચો પગાર મેળવી રહ્યા છે. હાલમાં સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. તેના માટે શિક્ષણ પ્રથા જવાબદાર છે.

રિવોલ્વરથી મારી નાંખવાની ધમકી

16 જાન્યુઆરી 2018ના રોજ ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપી નોકરી આપવામાં આવી રહી છે તે અંગે આદિવાસીઓના નામે અપાયેલા પ્રમાણપત્રો રદ્દ કરવા માંગ કર્યા બાદ તેમને મારી ત્રણ દિવસમાં 50થી વધારે ફોન ધમકી આપતાં આવ્યા હતા. તેમણે એસપીને અરજી આપી તપાસની માંગ કરી છે. સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યાં બાદ હવે તેઓ ભરવાડ અને રબારી સમાજના નિશાના પર આવી ગયાં છે. તેમનો મૃત્યુઘંટ વાગી ચુકયો છે, રિવોલ્વર કાફી છે. એવી ધમકી આપવામાં આવી હતી. મને ડરાવી ધમકાવીને લડત બંધ થાય તેવું પૂર્વ આયોજીત કાવતરૂ છે. સૌરાષ્ટ્ર તરફના ભરવાડો અને રબારી તરફથી આ કૃત્ય કરાઇ રહયું હોવાની તેમણે શંકા વ્યક્ત કરી હતી. જેના સંદર્ભે મનસુખ વસાવાને બે હથિયાર ધારી પોલીસ કોન્સ્ટેબલનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

ગાળા ગાળી, મારા મારી

14 જુન 2018ના દિવસે રાજપાપળા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી વખતે ભાજપનાં અસંતુષ્ટ સભ્યોને ઘુસવા નહીં દેવા મામલે કોંગ્રેસનાં ડભોઇ નગરપાલીકાનાં પૂર્વ પ્રમુખ અધિકારીઓ જોડે દલીલ કરી રહ્યા હતા તે સમય દરમ્યાન સાંસદ મનસુખ વસાવા અને જીલ્લા ભાજપનાં પ્રભારી સતીષ પટેલ આ જોઇ જતા અંદર આવી વાંધો લેતા મામલો બીચક્યો હતો, અને સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસનાં કોર્પોરેટર સુરેશ વસાવા અને કમલ ચૌહાણ વચ્ચે જીભાજોડી અને ગાળાગાળી થઇ હતી. તે સમય દરમ્યાન વાત મારા મારી સુધી પહોચી હતી અને ખેચાખેચી પણ થઇ હતી. જો કે હાજર પોલીસ અને અન્યોએ બન્ને ને છુટા પાડયા હતા. સાંસદે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ વાળા એ અમને ગાળો આપી જ્યારે કોંગ્રેસી સભ્ય કમલ ચૌહાણે જણાવ્યુ કે, એક સાંસદે ન શોભે તેવુ કૃત્ય કર્યુ છે અમે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીશુ.

પોતાને પ્રશ્નો પૂછતાં વ્યક્તિને તેમણે જાહેરમાં ખખડાવી નાંખ્યા હોવાનો એક વિડિયો જાહેર થયો હતો.

GPCB ભ્રષ્ટાચારી છે

17 મે 2018ના દિવસે ભ્રષ્ટાચારને ઉચ્ચકક્ષાએ રાજુઆત બિલકુલ ખચકાટ વગર કરી હતી. ભરૂચ અને આસપાસના વિસ્તારો નાના કે મધ્યમ ઉદ્યોગકારોને GPCB ના અધિકારીઓ ખોટી રીતે હેરાન કરતા હોવા બાબતની લેખિતમાં ફરિયાદ સીધી જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભરૂચ જિલ્લાના પાનોલી અને અંકલેશ્વર GIDC સાથે જોડાયેલ નાના અને મધ્યમ ઉદ્યોગકારોને પ્રદૂષણ અને ભૂતિયા કનેક્શનના બહાના હેઠળ વારંવાર GPCB ના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જે ખરેખર યોગ્ય ન કહેવાય. મનસુખ વસાવાના મનમાં હકિકતમાં કોના પર ગુસ્સો છે તે ખુલીને બહાર નથી આવી રહ્યો. અંકલેશ્વર GIDCમાં ભૂતિયા કનેક્શનને શોધવા નિકળેલા અઘિકારીઓને વિકૃત માનસિકતા ધરાવતા નકામાં અધિકારીઓ ગણાવ્યા હતા. તે અધિકારીઓના કારણે ઉદ્યોગકારોને સહન કરવાનો વારો આવે છે. ખોદકામ કરવાથી, ક્લોઝર કાર્યવાહી કરવાથી GIDCમાં ભૂતિયા કનેક્શન ના મળે.

સડેલી બાદામ કેમ આપી

17 માર્ચ 2018ના દિવસે દિલ્હીથી વડોદરા આવી રહેલી નિઝામુદ્દીન મુંબઇ વચ્ચે ચાલતી ઓગસ્ટ ક્રાન્તિ ટ્રેનમાં મનસુખ વસાવા સહિતના સાંસદોને પીરસાયેલા નાસ્તામાં સળેલી બદામ સાથેના ડ્રાયફ્રુટ જણાતાં સંસદસભ્યોએ તાત્કાલીક રેલ મંત્રીને વોટસ્અપ કરીને ફરીયાદ કરી હતી. વડોદરાના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ તથા છોટાઉદેપુરના સંસદ સભ્ય રામસિગ રાઠવા અને ભરૂચના સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા દિલ્હીથી વડોદરા આવી રહ્યા હતા. દોડતી અગસ્ત ક્રાન્તિ ટ્રેનમાં આ સાંસદો મુસાફરી કરી રહ્યા હતા. તેઓને આજે નાસ્તો પીરસાવવામાં આવ્યો હતો. જેમાં ડ્રાયફ્રુટ આપવામાં આવ્યા હતા. પેકેટમાંથી નીકળેલી બદામ સડેળી જણાઇ આવતાં તાત્કાલીક ટ્રેનના પેન્ટ્રી ઇન્ચાર્જને બોલાવીને ફરિયાદ કરી હતી. નાસ્તાની તસવીરો લઇને તાત્કાલીક રેલ મંત્રીને મોકલી આપીને આ અંગેની ફરીયાદ કરી હતી.

9000 કરોડના જિંગા કૌભાંડમાં મનસુખ વસાવા મૌન

સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટતાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ બહાર આવતાં 98 તળાવો હતા, જેમમાંથી રૂ.17 કરોડના ખર્ચે બનેલાં 23 ખાનગી તળાવો તોડી પાડવામાં આવ્યાં હતા. ત્રણ વર્ષ પહેલાં આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલાં 1,200થી વધારે તળાવો તોડી પડાયા હતાં. રૂ.200ના કિલોના ભાવે જિંગા વેચાય છે. રૂ.900 કરોડ ઉપરાંતના જીંગા તળાવ કૌભાંડે રાજયભરમાં ચકચાર જગાવી હતી. હાંસોટમાં જીંગા તળાવ કૌભાંડમાં સરકારની નિષ્ક્રીયતાને કારણે અસામાજીક તત્વોને છુટો દોર મળી ગયો હતો. જીંગા તળાવ કૌભાંડ બાદ કોમી રમખાણો થયાં હતાં જેમાં ત્રણ યુવાનોના મોત થયાં હતાં. હિંદુ સમાજના લોકોના નામ ખોટી રીતે ફરિયાદમાં દાખલ કરી દેવામાં આવ્યાં છે. બે હિંદુ યુવાનોની હત્યાના ગુનામાં આજે પણ પરિવારોને ન્યાય મળ્યો નથી. 200થી વધારે લોકો જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયાં હતાં. ભાજપ તરફથી કોઇ મદદ કરવામાં આવી નથી. જીંગા તળાવમાં થયેલો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર હાંસોટના કોમી રમખાણો માટે જવાબદાર હતો. તેથી ભાજપમાંથી ઘણાં લોકોએ રાજીનામાં આપી દીધા હતા. રૂ.9000 કરોડોનું કૌભાંડ થયું અને કોમી તોફાનોમા લોકો પરેશાન થયા છતાં ભાજપના સાંસદ

વસાવા એક શબ્દ બોલ્યા ન હતા.