અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024
બીબીસી ગુજરાતીના આખાભાર સાથે
ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની સૃષિટીને ખતમ કરીને પૈસા બનાવી રહ્યા છે. આપણે બધા તેમને મત આપીને અને મત બનાવીને ચલાવીએ છીએ.
પહેલાં ચાર કિલોમીટર વિસ્તારમાં ઊંટનો ચારો મળી રહેતો હતો. હવે ચેરનાં જંગલો ઓછાં થઈ ગયાં છે, એથી અમારે ઊંટના ચરિયાણ માટે નવ કિલોમીટર દૂર જવું પડે છે. હવે પરવડતું નથી. ઊંટો વેચીને બીજો ધંધો શરૂ કરવાના છે.
કચ્છના નૂરમહમદના 25 ખારાઈ ઊંટ છે. નલિયા પાસે આવેલા મોહાડી ગામ બાજુના એક દરિયાઈ ટાપુ પરથી નૂરમહમદ ચરાવે છે.
ખારાઈ ઊંટો ત્રણ-ચાર દિવસ આવા ટાપુ પર રહે છે. આ ઊંટો 3-4 દિવસ દરિયાકાંઠા પાસેના ટાપુ પર જ પસાર કરે છે કારણ કે આ ઊંટો આહાર એવાં ચેરનાં વૃક્ષોનાં પાન તેમને અહીં જ મળે છે. ટાપુ પર ગયેલા ઊંટો તરીને દરિયાકાંઠે પાણી પીવા આવે છે અને તરીને ટાપુ પર ચરવા જતા રહે છે. આ સિલસિલો સતત ચાલતો રહે છે.
પાણીમાં તરતી આ ખારાઈ ઊંટની આ પ્રજાતિ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. પરંતુ હવે તેના અસ્તિત્વ સામે જોખમ પેદા થયું છે કારણ કે તેને ખોરાક માટે ઝઝૂમવું પડી રહ્યું છે.
આવી અસર સીધી જ એના માલિકો પર પણ પડી રહી છે. નૂરમહમદની જેમ ભચાઉ તાલુકાના ઓંધ ગામના જત હમીર બચુ પણ ખારાઈ ઊંટને પાળે છે. તેઓ 29 વર્ષના છે અને તેમનો 20 જણાનો પરિવાર છે.
ચારો મળતો નથી અને ઊંટોને ચરાવવા દૂર સુધી જવું પડે છે. એના લીધે ઊંટોની સંખ્યા ઘટી રહી છે. 2010માં 112 ઊંટો હતા, હવે માત્ર 45 જ છે.
આ ખારાઈ ઊંટો તરીને ચેરનાં પાંદ ચરવા ટાપુ પર જાય ત્યારે ચારણહારો કે ઊંટપાલકો પણ તેમની સાથે રહે છે. સામાન્ય રીતે બે માલધારીઓ ભેગા મળીને કાં તો તરીને, કાં તો નાની હોડીમાં બેસીને ટાપુ પર જતા હોય છે. સાથે રોટલાપાણી લઈ જાય. એક ચારણહાર પરત આવે અને એક ટાપુ પર રહે.
ખારાઈ ઊંટોને ચરાવવા માટે ઊંટપાલકોએ પણ તરીને ચેર વૃક્ષથી આચ્છાદિત ટાપુઓ પર જવું પડે છે
ટાપુઓ પર ચેરનાં વૃક્ષો હતાં ત્યાં હવે મીઠાના અગરો સ્થપાઈ ગયા છે.
વનવિભાગ તેમને ચેરનાં જંગલોમાં ચરિયાણ માટે રોકે છે અને બીજી તરફ કેટલીક જગ્યા પર મીઠાના ઉદ્યોગકારોએ અતિક્રમણ કરતા ચેરનાં જંગલો નષ્ટ થઈ રહ્યાં છે.
ગુજરાતમાં ચેરનાં વૃક્ષોના આચ્છાદિત વિસ્તારોમાં વધારો થયો છે પરંતુ હાલમાં નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા એસડીજી (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ) ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24 ગુજરાતના વનવિભાગનો આ દાવાને ‘પોકળ’ સાબિત કરે છે. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24માં જણાવાયું છે કે દેશમાં ગુજરાત એક માત્ર રાજ્ય છે જ્યાં ચેરનાં જંગલોમાં ઘટાયો થયો છે. આ ઘટાડો વર્ષ 2020-21થી લઈને વર્ષ 2023-24 દરમિયાન 0.17 જેટલો નોંધાયો છે.
અગાઉ કોમ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયાના વર્ષ 2022ના ‘સમુદ્રતટીય પર્યાવરણના સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરી’ના ઑડિટ અહેવાલમાં ગુજરાત સરકારની આ મામલે ટીકા કરવામાં આવી હતી.
પર્યાવરણવાદીઓનો પણ આરોપ છે કે ઔદ્યોગિકરણ તથા મીઠાના અગરિયાઓના અતિક્રમણને કારણે ચેરનાં જગલોનો ખો નીકળી રહ્યો છે.
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી અને વોંઘના સિમાડા નજીક આવેલા હડકિયા ક્રિક તથા મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વવાણિયા, બગસરા અને વર્ષામેડીના સિમાડા નજીક આવેલો કાળો ઢોળો વિસ્તારમાં ચેરનાં જંગલો આવેલાં છે.
લગભગ 850 જેટલા ખારાઈ ઊંટો ખોરાક માટે આ જંગલો પર નભે છે.
વનવિભાગ અમને ચેરનાં જંગલોમાં ઊંટને ચરવા માટે લઈ જતા અટકાવે છે. બીજી તરફ આ જંગલો કપાઈ રહ્યાં છે. ચેરનો નાશ કરીને જમીનોમાં કેટલાક લોકો ગેરકાયદે મીઠાના અગરો બનાવી રહ્યા છે.
ચારો મળતો નથી. પહેલાં એક કિલોમીટરના વિસ્તારોમાં ઊંટને ચરિયાણ મળી જતું હતું પરંતુ હવે ક્યારેક 20 કિલોમીટર દૂર જવું પડે છે. આ ઊંટ પણ વેચી નાખવા છે, કારણ કે હવે એ પોસાતા નથી.
નૂરમહમદ પાસે 25 ઊંટ છે. આઠ વર્ષ પહેલાં તેમની પાસે 100 ઊંટો હતા.
ભેંસો કરતાં ઊંટો પાળવા સસ્તા છે. પણ હવે ચારાની તકલીફ ઊભી થઈ છે. મીઠાના ઉદ્યોગકારોએ અહીં પાળા બાંધ્યા છે જેને કારણે ચેરનાં જંગલો સુધી દરિયાનાં પાણી પહોંચતાં જ નથી અને તે સુકાઈ જાય છે. જમીન સુકાય એટલે એના પર તેઓ કબજો કરી લે છે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પૂર્વ પ્રમુખ ભીખા રબારી કહે છે, “કચ્છના અખાતમાં કંડલાથી પૂર્વ તરફનો વિસ્તાર આડીવેલના નામે ઓળખાય છે. આ વિસ્તાર ચેરનાં જંગલોની જીવાદોરી છે. દરિયાઈ જીવસૃષ્ટિ પણ અહીં નભે છે. પરંતુ અહીં મીઠાના વેપારીઓ ટાપુઓ ઉપર ચેરનાં જંગલોમાં બેરોકટોક દબાણ કરી રહ્યા છે.
ચેરનાં જંગલોના વિનાશની સૌથી મોટી અસર ચેરનાં પાન પર નભનારા ખારાઈ ઊંટના અસ્તિત્વ પર પડી રહી છે.
ચેરનાં જંગલોને અને ખારાઈ ઊંટોને બચાવવા માટે સંગઠને ગુજરાત કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટીને લેખિતમાં રજૂઆત પણ કરી છે.
‘ખારાઈ ઊંટો 70 ટકા ઘટી ગયા’
પશ્ચિમ બંગાળના સુંદરવન બાદ કચ્છમાં ચેરમાં સૌથી વધારે જંગલો આવેલાં છે અને જંગલો પર ખારાઈ ઊંટ નભે છે.
પાણીમાં તરવું – એ ખારાઈ ઊંટની વિશેષતા છે અને કચ્છ, જામનગર, મોરબી, ભરૂચના આલિયા બેટ, ભાવનગર તથા ખંભાતના અખાત નજીકના વિસ્તારોમાં ઊંટની આ પ્રજાતિ અસ્તિત્વ ધરાવે છે.
કચ્છમાં ખારાઈ ઊંટની સંખ્યા સૌથી વધારે છે. અહીં અબડાસા, ભચાઉ, લખપત, કંડલા-સુરજબારી, જખૌ-કોરી અને મુન્દ્રામાં સૌથી વધુ ઊંટો રહે છે.
વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યૂરોના સ્વયંસેવક અને પર્યાવરણ ક્ષેત્રના કર્મશીલ કનૈયાલાલ રાજગોર જણાવે છે, “સૂરજબારીની હકડિયા ક્રિક પાસે રણ અને સમુદ્ર મળે છે. આ વિસ્તારમાં બનાસ, સરસ્વતી, મચ્છુ, લૂણી અને ચંદ્રભાગા નદીનું પાણી પણ છે. નદીઓના કાંપને કારણે વિવિધ વિસ્તારોમાં ટાપુઓ બન્યા છે. આ ટાપુઓ પર અનેક જૈવવિવિધતાઓ છે. આડીવેલ નામે ઓળખાતો વિસ્તાર અનેક ક્રિક અને ટાપુઓથી બનેલો છે. અહીં ચેરનાં વૃક્ષો એ ખારાઈ ઊંટનો ખોરાક છે.
ખારાઈ ઊંટો અને તેને પાળનારાઓ માટે કામ કરતી સંસ્થા ‘સહજીવન’ના કર્મશીલ અને પર્યાવરણવાદી રમેશભાઈ ભાટી કહે છે, “કચ્છમાં અમે 2010માં એક સરવે કર્યો હતો જેમાં અમે નોંધ્યું છે કે ઊંટપાલકો પાસે રહેલા ઊંટોની સંખ્યાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સરવે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ સાથે મળીને કરવામાં આવ્યો હતો.
રમેશભાઈ જણાવે છે, “આજે ગુજરાતમાં ચાર હજાર જેટલાં ખારાઈ ઊંટો છે. કચ્છમાં તેની સંખ્યા 1800ની આસપાસ છે. ઔદ્યોગિકરણ અને મીઠાના અગરિયાઓના દબાણને કારણે ચેરનાં જંગલોનો સોથ વળી રહ્યો છે. જેની અસર ઊંટપાલકો પર પડી છે કારણ કે તેમના ઊંટો માટે ચારો મળવો મુશ્કેલ બની રહ્યો છે.
ઊંટપાલક જત હમીર બુચ જણાવે છે, “વનવિભાગ હાલ એવું કારણ આપે છે કે તે ચેરનાં વૃક્ષો વાવી રહ્યો છે અને એટલે ઊંટોને ચરિયાણ માટે પ્રવેશ આપતો નથી.
ભીખાભાઈ રબારી પાસે 150 ખારાઈ ઊંટો છે. જંગી ગામ પશુપાલકોનું ગામ છે. અહીં ચેરનાં વૃક્ષોનો ખો નીકળી ગયો છે, જેને કારણે ગામના 500 ઊંટોને ચારા માટે સાત-આઠ કિલોમીટર દૂર લઈ જવા પડે છે.
રમેશ ભાટી કહે છે, “2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારબાદ જે ઔદ્યોગિકરણ થયું તેમાં ઘણી જમીનો સરકારે ઉદ્યોગોને ફાળવી દીધી. જેને કારણે પણ ચેરનાં વૃક્ષો ઘટ્યાં છે.
ભીખાભાઈ ઉમેરે છે, “નર ઊંટ ભારવાહન માટે ઉપયોગમાં આવે છે તેથી અમે તેને વેચીએ છીએ અને ઊંટડીનું દૂધ વેચાય છે. હવે ઊંટનો ઉપયોગ ઘટી રહ્યો છે પરંતુ જ્યારથી ખાનગી ડેરીઓ ઊંટડીનું દૂધ ખરીદવા લાગી છે ત્યારથી અમને ઊંટપાલનમાં ટેકો મળ્યો છે. પરંતુ જો ચારો જ નહીં રહે તો ઊંટપાલન મોંઘું બની જશે.
સૅટેલાઇટ તસવીરોનો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામ પાસે આવેલાં ચેરનાં જંગલોનો અભ્યાસ કર્યો. અમે વર્ષ 1994, 2004, 2014 અને 2024ની તસવીરોનો અભ્યાસ કર્યો અને એમાં સ્પષ્ટ જણાઈ આવ્યું કે દરિયાકિનારા પર અતિક્રમણ થયું છે.
આ તસવીરોનું વિશ્લેષણ કરતા પર્યાવરણવિદ્ કનૈયાલાલ રાજગોર જણાવે છે, “જે સફેદ સ્પોટ દેખાય છે તે મીઠાના અગરો છે. જે પૈકી ઘણાખરા ગેરકાયદે છે. અહીં ચેરનાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે.”
ઉપરનો વિસ્તાર કચ્છનો જિલ્લો છે. ત્યાં હડકિયા ખાડી છે. અહીં જંગી ગામ છે જ્યાં ઘણા લોકો ઊંટને પાળે રહે છે અને એમાં ઘણા પાસે ખારાઈ ઊંટ પણ છે. વચ્ચેનો ટાપુ ટપાલવાડી ટાપુ તરીકે ઓળખાય છે. એક સમયે તે ચેરનાં વૃક્ષોથી આચ્છાદિત હતો પરંતુ આજે તે સાફ થઈ ગયો છે. નીચે મોરબી જિલ્લાના શા વાળો અને કાળો ઢોરો વિસ્તારમાં પણ આ જ સ્થિતિ છે.
રમેશ ભાટી જણાવે છે, આ વિસ્તારોમાં મીઠાના અગરો એટલા બની ગયા છે કે ઊંટોને ચારા માટે છોડો પરંતુ આવવા-જવા માટે જગ્યા નથી. જંગી ગામમાં આ સમસ્યા વધારે છે.
બીજી તરફ ગુજરાત સરકાર કહે છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકામાં ચેરનાં વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં ચેરનું કવર 1,175 ચોરસ કિલોમીટર વિસ્તાર સુધી વિસ્તર્યું હોવાનું સરકાર કહે છે. સરકારનો એ પણ દાવો છે કે કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર ચેરના કવર સાથે રાજ્યમાં પ્રથમ છે. આ દાવો ખુદ રાજ્યના વન મંત્રી મૂળુ બેરાએ ટ્વીટ કરીને આંતરરાષ્ટ્રીય મેંગ્રોવ ઇકૉસિસ્ટમ સંરક્ષણ દિવસ નિમિત્તે 26મી જુલાઈએ કર્યો હતો.
ખારાઈ ઊંટના અસ્તિત્વ સામે જોખમ : કેગ
કેગના વર્ષ 2022ના અહેવાલમાં કહેવાયું છે, “તરતા ઊંટો તરીકે પ્રખ્યાત ખારાઈ ઊંટ માટે ચેરનાં વૃક્ષો જીવાદોરી છે અને ચેરનો વિનાશ તેના અસ્તિત્વ માટે જોખમરૂપ બની શકે છે.”
રિપોર્ટમાં ગુજરાત સરકારને ભલામણ કરતા કહેવાયું છે, “ગુજરાત કૉસ્ટલ ઝોન મૅનેજમૅન્ટ ઑથોરિટી(જીસીઝેડએમએ)ના વનવિસ્તારોમાં ચેરનો આ વિનાશ માત્ર પર્યાવરણ માટે મોંઘો સાબિત નથી થતો પરંતુ ખોરાક માટે ચેરનાં વૃક્ષો પર આધાર રાખતી ખારાઈ ઊંટની એક માત્ર પ્રજાતિના લુપ્ત થવાનું જોખમ રહેલું છે. રાજ્ય સરકારે ખારાઈ ઊંટને લુપ્ત થતાં બચાવવા ચેરને સાચવવા માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ.”
ખારાઈ ઊંટપાલકોએ હાલમાં જ ફરિયાદ કરી હોય એવું નથી. તેમણે ફેબ્રુઆરી, 2018માં જીસીઝેડએમએને આ મામલે ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં કહેવાયું હતું, ‘મીઠાના અગલના ભાડાપટ્ટાવાળાઓ દ્વારા ભચાઉ તાલુકા, કચ્છની નાની ચિરાઈ અને મોટી ચિરાઈના વિસ્તારોમાં ચેરનો મોટા પાયે વિનાશ કરવામાં આવી રહ્યો છે.’
ઊંટપાલકોએ રાષ્ટ્રીય હરિત પંચ(એનજીટી)માં એક અપીલ દાખલ કરી હતી.
એનજીટીએ ગુજરાત સરકારને છ મહિનામાં ચેરની પુન:સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત વનવિભાગ, મહેસૂલ વિભાગ અને જીસીઝેડએમએને અવરોધો દૂર કરીને તેમની પાસે ખર્ચ વસૂલ કરી ગુનેગારો સામે પગલાં લેવાનો હુકમ પણ કર્યો હતો. ગુજરાત દરિયાઈ વિસ્તાર વ્યવસ્થાપન મંડળે આ મામલે એક સમિતિનું ગઠન કર્યું હતું.
સમિતિએ ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત મીઠાના અગરોનું સંચાલન અને પ્રસારને શોધી કાઢવાની કામગીરી કરી નહોતી.
નીતિ આયોગના રિપોર્ટમાં પણ જણાવાયું છે કે “દેશના દરિયાકાંઠે આવેલાં રાજ્યોમાંથી ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં ચેરનાં જંગલો ઘટ્યાં છે.”
કેગ અને નીતિ આયોગના આ રિપોર્ટ મામલે જ્યારે બીબીસી ગુજરાતીએ રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો, “અમે અમારી ત્રુટીઓ પર કામ કરી રહ્યા છીએ. પુષ્કળ પ્રમાણમાં ચેરનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.”
“અમે 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ‘મેંગ્રોવ્ઝ ઇનિશિયેટિવ ફૉર શોરલાઇન હેબિટાટ ઍન્ડ ટેન્જબલ ઇન્કમ્સ’ એટલે કે MISHTI સ્કિમ અંતર્ગત ચેરના વાવેતર માટેના એમઓયુ પણ કર્યાં છે.”
જોકે પર્યાવરણવાદીઓનું માનવું છે કે આ મામલે જમીની હકીકત કંઈક અલગ છે.
પર્યાવરણવાદી મહેશ પંડ્યા કહે છે, “કેગના અહેવાલમાં જે ટીકા થઈ છે, નીતિ આયોગના રિપોર્ટમાં જે પ્રકારે ચેરનાં જંગલોમાં ઘટાડો નોંધવામાં આવ્યો, એ દર્શાવે છે કે સરકારી દાવા અને હકીકત વચ્ચે કેટલી વિસંગતતા છે.”
પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ જયપાલસિંહે કહ્યું, “આંકડામાં માત્ર બે ચોરસ કિલોમીટરનો જ ફરક છે. હકીકતમાં ગુજરાતમાં એ સમયમાં બે વાવાઝોડાં આવી ગયાં જેને કારણે ચેરને નુકસાન થયું હતું. હવે અમે જે પ્રયત્નો હાથ ધર્યા તેનું પરિણામ આવનારાં ત્રણ-ચાર વર્ષમાં મળશે.”
તો મંત્રી મુકેશ પટેલનું કહેવું છે કે “સરકાર ખારાઈ ઊંટની પ્રજાતિ અને ચેરને બચાવવા માટે કટિબદ્ધ છે.”
કચ્છ, મોરબી, ચેરનાં વૃક્ષોનાં જંગલો હતાં ત્યાં આજે વૃક્ષોનો સફાયો થઈ ગયો છે
ઊંટપાલકોની ફરિયાદો મામલે અમે ગુજરાત કોસ્ટલ ઝોન મૅનેજમૅન્ટ ઑથોરિટીના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવકુમારને પૂછ્યું. તેમણે વિસ્તૃત જવાબ તો ન આપ્યો પરંતુ એટલું જ કહ્યું કે તેમના વિભાગમાં આવતી તમામ ફરિયાદોની તપાસ માટે ખાસ વ્યવસ્થા હોય છે જે અંતર્ગત તેઓ તેના પર કામ કરે છે.
પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ જયપાલસિંહ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે “અમે કંડલા પોર્ટ ટ્રસ્ટના વિસ્તારમાં લગભગ 400 હેક્ટર વિસ્તારમાં દબાણો દૂર કરાવ્યા છે. આ નોટિફાઇડ ફૉરેસ્ટનો વિસ્તાર હતો જે પૈકી 300 હેક્ટર જમીનમાં ચેરનો નાશ થયો હતો જ્યાં અમે ફરી ચેરનાં વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ સમસ્યામાં ઑનરશિપ ઇશ્યુ છે. ફૉરેસ્ટ અને કૉસ્ટલ ઝોન મૅનેજમૅન્ટ ઑથોરિટી પાસે પૂરતો સ્ટાફ નથી કે આટલા મોટા વિસ્તાર પર નજર રાખી શકે. બધી એજન્સીઓ ભેગી થઈને કામ કરે તો સમસ્યા પૂર્ણ રીતે હલ થઈ શકે.”
હકીકતમાં આ ત્રણ પ્રકારના વિસ્તારો છે. એક છે ફૉરેસ્ટ નોટિફાઇડ એરિયા, બીજો કૉસ્ટલ ઝોન મૅનેજમૅન્ટ ઑથોરિટીનો અને ત્રીજો મહેસૂલવિભાગનો. એ રીતે જોતાં પણ આ મામલે એજન્સીઓની જવાબદારીમાં વિસંગતતા જોવા મળે છે.
કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કે “ફરિયાદ મળી છે પણ આ દબાણ કંડલા પૉર્ટ ટ્રસ્ટમાં થયું હોય તેમ લાગે છે. છતાં અમે કૉસ્ટલ મૅનેજમૅન્ટ ઑથોરિટી અને વનવિભાગ સાથે ટીમ બનાવીને આ મામલે કાર્યવાહી કરીશું. ભૂતકાળમાં પણ કરી હતી અને હવે પણ કરીશું.”
કંડલા પૉર્ટ ટ્રસ્ટના પબ્લિક રિલેશન ઑફિસર ઓમપ્રકાશ દડલાણીને જ્યારે પૂછ્યું કે શું તમારી જમીનમાં આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે? તો તેમણે જણાવ્યું કે “કંડલા પૉર્ટ ટ્રસ્ટ પાસે ગેરકાયદે દબાણો પર નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા છે. અમારી જાણમાં આવું કઈ આવ્યું નથી.”
જ્યારે અમે પૂછ્યું કે ખુદ કલેક્ટરે આમ કહ્યું છે. તો તેમનો જવાબ હતો કે “હાલની સ્થિતિમાં અમારી જમીન પર કોઈ ગેરકાયદે દબાણ થયું નથી.”
ગુજરાત સરકારનો દાવો છે કે તેણે સેંકડો હેક્ટર જમીનમાં ચેરનાં વૃક્ષોનું વાવેતર કર્યું છે
બીજી તરફ, મોરબીમાં પણ ઊંટપાલકોની ફરિયાદ છે. મોરબીના કલેક્ટર કે. બી. ઝવેરી સાથે પણ વાત કરી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે “આ વિષય પર હું વિગતો જોઈ લઉં પછી વાત કરી શકું.”
કચ્છના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ સંદીપકુમારે કહ્યું, “ફૉરેસ્ટ અંતર્ગત આવતા વિસ્તારમાં કોઈ દબાણ થયું નથી. અમે કોઈને પ્રવેશ આપતા નથી. ગત વર્ષે અમે 7 હજાર હેક્ટર વિસ્તારમાં ચેરનું વાવેતર કર્યું હતું. આ વર્ષે 12 હજાર હેક્ટરમાં વનીકરણ થશે અને આવતા વર્ષે અમારો લક્ષ્યાંક 14 હજાર હેક્ટરમાં ચેરનાં વૃક્ષોનું વાવેતર કરવાનો છે.”
અમે આ વિશે ગુજરાતના ઇકૉલૉજી કમિશનના મેમ્બર સેક્રેટરી એ. પી. સિંહ સાથે પણ વાતચીત કરી. જોકે, તેઓ એ માનવા તૈયાર નથી કે ગુજરાતમાં ચેરનાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે.
ચેરનાં જંગલોમાં દબાણ વિશેની ફરિયાદ વિશે જવાબ આપતા તેમણે કહ્યું, “સમુદ્રના વિસ્તારના કે મહેસૂલ વિભાગના કસ્ટોડિયન અમે નથી. ત્યાં દબાણ થયું હોય તો તેની અમને જાણ નથી.”
રમેશ ભાટી કહે છે, “ફૉરેસ્ટ રિઝર્વ વિસ્તારમાં પણ દબાણ થયું છે અને રેવન્યૂ વિસ્તારમાં પણ. કેટલાક વિસ્તારમાં દસ વર્ષ પહેલાં જ્યાં ચેરનાં વૃક્ષો હતાં ત્યાં આજે મીઠાના અગરો જોવા મળે છે. તેમને માટે વિકાસ જ પ્રાથમિકતા છે. ચેરનાં વૃક્ષો કે તેના પર નભતા ખારાઈ ઊંટ નહીં.”
મહેશ પંડ્યા કહે છે, “ચેરનાં જંગલો દરિયાની ખારાશ રોકે છે. કાદવવાળી દરિયાઈ જમીનમાં માછલી-કરચલાં-કાચબાં સહિત અનેક જૈવસૃષ્ટિ નભે છે. દરિયાકીનારાનું ધોવાણ અટકાવવા આ જંગલો મદદરૂપ છે. આ જંગલો વાવાઝોડાં અને સુનામી જેવી આફતો સામે રક્ષણ આપે છે.”