પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું
ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિને લઈને અતિ ગંભીર છે અને દેશ દુનિયાની અગ્રણી ‘બ્લૂ ઇકોનોમી’ તરીકે વિકસી રહ્યો છેઃ પ્રધાનમંત્રી
ભારતનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 23 જળમાર્ગોને કાર્યરત કરવાનો છેઃ પ્રધાનમંત્રી
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે રૂ. 2.25 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે રોકાણ કરી શકાય એવા 400 પ્રોજેક્ટની યાદી તૈયાર કરી છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દુનિયાભરના રોકાણકારોને ભારતમાં આવવા અને દેશની વિકાસગાથામાં સામેલ થવા માટે લાલ જાજમ પાથરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિને લઈને અતિ ગંભીર છે અને દેશ દુનિયાની અગ્રણી ‘બ્લૂ ઇકોનોમી’ તરીકે વિકસી રહ્યો છે. માળખાગત સુવિધાઓમાં સુધારો કરીને, સુધારાની સફરને વેગ આપીને ભારતનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂત કરવાનો છે.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અમારી સરકારે બિનઆયોજિત અભિગમ અપનાવવાને બદલે સંપૂર્ણ ક્ષેત્ર પર આયોજિત અભિગમ અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે જાણકારી આપી હતી કે, દેશના મોટા બંદરોની ક્ષમતા વર્ષ 2014માં 870 મિલિયન ટનથી વધીને અત્યારે 1550 મિલિયન થઈ છે. અત્યારે ભારતીય બંદરોએ વિવિધ પગલાં લીધા છે, જેમ કેઃ ડાયરેક્ટ પોર્ટ ડિલિવરી (બંદર પર સીધી ડિલિવરી), ડાયરેક્ટ પોર્ટ એન્ટ્રી (બંદર પર સીધો પ્રવેશ) અને ડેટાના સરળ પ્રવાહ માટે અપગ્રેડ કરેલી પોર્ટ કમ્યુનિટી સિસ્ટમ (પીસીએસ). આપણા બંદરો પર કાર્ગોના આગમન અને ગમન માટેના વેઇટિંગ ટાઇમમાં ઘટાડો થયો છે. તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, વાધવાન, પારાદીપ અને કંડલામાં દીનદયાળ બંદરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધાઓ ધરાવતા મેગા પોર્ટ વિકસાવવાની કામગીરી ચાલુ છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમારી સરકારે અભૂતપૂર્વ રીતે જળમાર્ગોમાં રોકાણ કર્યું છે. સ્થાનિક જળમાર્ગો ફ્રેઇટ કે નૂર પરિવહનની વાજબી, અસરકારક અને પર્યાવરણને અનુકૂળ માધ્યમ છે. અમારો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 23 જળમાર્ગો કાર્યરત કરવાનો છે.” તેમણે આ બાબત પર પણ ધ્યાન દોર્યું હતું કે, ભારત એના લાંબા દરિયાકિનારા પર 189 દીવાદાંડી ધરાવે છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, “અમે 78 દિવાદાંડી સાથે જોડાયેલા જમીન વિસ્તારોમાં પ્રવાસનને વિકસાવવા માટેનો એક કાર્યક્રમ તૈયાર કર્યો છે. આ પહેલનો મુખ્ય આશય હાલની દીવાદાંડીઓ અને એની આસપાસના વિસ્તારોનો વધુ વિકાસ કરીને તેમને વિશિષ્ટ દરિયાઈ પ્રવાસન સ્થળો બનાવવાનો છે.” તેમણે જાહેરાત કરી હતી કે, ગુજરાત અને ગોવા જેવા મુખ્ય રાજ્યો અને કોચી અને મુંબઈ જેવા શહેરોમાં શહેરી જળ પરિવહન વ્યવસ્થાઓ પણ શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં સરકારે જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય કરીને દરિયાઈ ક્ષેત્રની કામગીરીનો વ્યાપ વધાર્યો છે, જેથી સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કામગીરી થાય. ભારત સરકારે સ્થાનિક જહાજ નિર્માણ અને જહાજ સમારકામ બજાર પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્થાનિક જહાજનિર્માણ કામગીરીને વેગ આપવા સરકારે વિવિધ ભારતીય શિપયાર્ડ (ગોદીઓ) માટે જહાજનિર્માણને નાણાકીય સહાય પૂરી પાડવાની નીતિને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે રોકાણ કરી શકાય એવા 400 પ્રોજેક્ટની યાદી તૈયાર કરી છે. આ તમામ પ્રોજેક્ટ 31 અબજ ડોલર કે રૂ. 2.25 લાખ કરોડનું રોકાણ ધરાવે છે. મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030 વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વિઝન સરકારની પ્રાથમિકતાઓની રૂપરેખા રજૂ કરે છે.
આજે કેન્દ્ર સરકારે સાગરમંથનઃ મર્કન્ટાઇલ મેરિન ડોમેન અવેરનેસ સિસ્ટમ પણ શરૂ કરી છે. આ દરિયાઈ સલામતી, સંશોધન અને બચાવ કામગીરીની ક્ષમતા, સુરક્ષા અને દરિયાઈ પર્યાવરણ સુરક્ષા વધારવા માટેની માહિતી આપતી વ્યવસ્થા છે.
સરકારે વર્ષ 2016માં પોર્ટ સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે સાગરમાલા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટના ભાગરૂપે વર્ષ 2015થી વર્ષ 2035 દરમિયાન અમલીકરણ માટે 82 અબજ ડોલર કે રૂ. 6 લાખ કરોડના ખર્ચે 574થી વધારે પ્રોજેક્ટની ઓળખ થઈ છે. વર્ષ 2022 સુધી પૂર્વ અને પશ્ચિમ એમ બંને દરિયાકિનારાઓને સમાંતર જહાજનું સમારકામ કરવા માટે ક્લસ્ટર્સ વિકસાવવામાં આવશે. સ્થાનિક જહાજ રિસાઇકલિંગ ઉદ્યોગને ‘વેલ્થ ફ્રોમ વેસ્ટ’ ઊભી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ભારતે જહાજનો રિસાઇકલિંગ ધારો, 2019 બનાવ્યો છે અને હોંગકોંગ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં થયેલી સમજૂતીઓ પર સંમતિ આપી છે.
પ્રધાનમંત્રીએ દુનિયા સાથે આપણી શ્રેષ્ઠ રીતો વહેંચવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ રીતોમાંથી શીખવા તૈયાર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બિમ્સ્ટેક અને આઇઓઆર દેશો સાથે વેપાર અને આર્થિક સંબંધો પર ભારતનું ધ્યાન સતત જાળવીને સરકારે વર્ષ 2026 સુધીમાં માળખાગત અને પારસ્પરિક સુવિધાજનક સમજૂતીઓમાં રોકાણ કરવાની યોજના બનાવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ટાપુ સંબંધિત માળખાગત સુવિધા અને ઇકોસિસ્ટમના સર્વાંગી વિકાસની પહેલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દરિયાઈ ક્ષેત્રમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા આતુર છે. તેમણે કહ્યું હતું કે, સરકારે દેશના તમામ મોટા પોર્ટ પર સૌર અને પવન-આધારિત ઊર્જા વ્યવસ્થા સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે તથા સરકારનો ઉદ્દેશ તમામ ભારતીય પોર્ટ પર વર્ષ 2030 સુધીમાં ત્રણ તબક્કાઓમાં કુલ ઊર્જાના વપરાશમાં 60 ટકાથી વધારે હિસ્સો પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી મેળવવાનો છે.
પ્રધાનમંત્રીએ સંબોધનના અંતે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને કહ્યું હતું કે, “ભારતનો લાંબો દરિયાકિનારો તમારી રાહ જુએ છે. અમારા વિવિધ પોર્ટમાં રોકાણ કરો. અમારા દેશવાસીઓની ક્ષમતામાં રોકાણ કરો. ભારતને વેપારી સુવિધાઓ માટે તમારી પસંદગીનું સ્થાન બનાવો. ભારતીય પોર્ટને તમારા વેપાર અને વાણિજ્ય માટેનું કેન્દ્ર બનાવો.”