જૂનાગઢ, 17 જૂન, 2021
રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મામલો પૈસા અને પ્રોપર્ટીનો હોય ત્યારે ગુંચવાય ગયેલો વ્યક્તિ આવું પગલું અચાનક ભરી બેસે છે. જેના કારણે પરિવારજનોને વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણીના દીકરાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકીય લોબીમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના ભેસાણના ભાજપ અગ્રણી કરશન ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયા એ અચાનક આ પગલું ભરતાં પરિવારમાં માતમ છવાયો છે. ધવલે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને એના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કુલ 6 લોકોનાં નામ સ્પષ્ટ કર્યા છે.
ધવલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બીજા ભાગીદાર સાથે કામ કરતા હતા. તેણે પોતાના ભાગીદાર ને રૂ.5 કરોડ આપેલા હતા.જેના હિસાબમાં મોટા ગોટાળા સામે આવ્યા હતા. પોતે ભાગીદારોને વધુ પૈસા આપવા માટે સક્ષમ ન હોવાથી ધવલે આ પગલું ભરી લીધું હતું. આ સ્યુસાઈડ નોટમાં કુલ છ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે તમામ લોકો રાજકોટના રહેવાસી છે. આ મામલે ભેંસાણ પોલીસે આ છો લોકો સામે કાયદેસરના પગલાં લીધા છે. ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી દીધી છે. ધવલ ડોબરિયાના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઈટ નોટમાં લખ્યું છે કે, હું દવા પીને આત્મહત્યા કરૂ છું. તેની પાછળ રાજકોટ શહેરના રૂડામાં આવાસનું કામ ચાલતું હતું જેમાં મારા ભાગીદારો પૈસા ખાઈ ગયા હતા. જેની પાછળ હું આત્મહત્યા કરૂ છું. ધવલ ડોબરિયાએ આ સ્યુસાઈટ નોટમાં જે છ લોકોના નામ લખ્યા છે એમાં પીયુષ વલ્લભભાઈ પાનસુરિયા, સંદીપ તરસીભાઈ ગમઢા, કુમનભાઈ વરસાણી, કલ્પેશ કમલેશ ગોંડલિયા, સંજય સાકરિયા અને મયુર દર્શન સ્ટોન રાજકોટનો સમાવેશ થાય છે.
ભાજપ અગ્રણીના પુત્રના આત્મહત્યા કેસમાં પોલીસે આ છ લોકો સામે કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. સ્યુસાઈટ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે યોગ્ય કાયદાકીય તપાસ પછી વધારે વિગત સામે આવશે. જોકે, ધવલે એકાએક એવું પગલું ભરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જૂનાગઢ રાજકીય લોબીમાં પણ શોકનું વાતાવરણ જોવા મળ્યું છે.