16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની, ખેડૂતોને ચાંદી

ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020
ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. હાલ જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જીજેજી 17 જાત 2344 કિલો આપે છે. દાણા અને તેલના ટકા પણ વધું છે. પાનના ટપકા, ગેરૂના રોગ, થ્રીપ્સ, પાનખાનારી ઈયળ સામે જીક જીલે છે.

ચોમાસામાં ઉગાડવામાં આવતી તમામ જાતો કરતાં આ જાતનું ઉત્પાદન સૌથી વધું છે. હાલ 1798થી 2125 કિલો હેક્ટરે પેદાશ આપતી જાતો ખેડૂતો ઉગાડે છે. જે હિસાબે 597 કિલો અને 1090 કિલો વધારે ઉત્પાદન આપે છે.

જો આ જાત ખેતરમાં ખરી ઉતરે અને રોગ ઓછા આવશે તો તે ખેડૂતો માટે ચાંદી પૂરવાર થઈ શકે તેમ છે.

ગયા વર્ષે 20 લાખ હેક્ટરમાં મગફળી વાવવામાં આવી હતી. જો તમામ વિસ્તારમાં આ નવી જાત ઉગાડવામાં આવે તો 10 લાખ કિલો વધું ઉત્પાદન મગફળીનું આખા ગુજરાતમાં થઈ શકે છે. એક કિલોના રૂ.50 ગણવામાં આવે તો રૂ.5000 કરોડથી રૂ.10 હજાર કરોડની આવક વધી શકે છે.

જોકે, ઉનાળામાં 10 વર્ષથી વાવવામાં આવતી ઉભડી ઉનાળુ જાત કરતાં તેમાં ઉત્પાદન ઓછું છે. ઉભડી હેક્ટરે 3483 કિલો ઉત્પાદન થાય છે. પણ તે ચોમાસામાં થતી નથી પણ ઉનાળામાં થાય છે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. વી. પી. ચોવટીયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

ગુજરાતમાં મગફળીની પહેલી નવી જાત 1964માં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે બહાર પડી હતી. ત્યારથી ગુજરાતના ખેડૂતો આખા દેશમાં મગફળી પકવવામાં આગળ રહ્યા છે. હાલ ચોમાસાની 20 અને ઉનાળાની 4 જાતો ખેડૂતો ઉગાડે છે.