વડાપ્રધાન મોદીએ કહ્યું પત્રકારોએ સારું કામ કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ના ફેલાવા સંબંધે ઉભરી રહેલા પડકારો વિશે આજે દેશના ઇલેક્ટ્રોનિક મીડિયાના મુખ્ય હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ પહેલા દિવસથી જ આ મહામારીના જોખમની ગંભીરતા સમજવા બદલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં ચેનલોએ નિભાવેલી ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી. દેશમાં સ્થળ પર રહીને રિપોર્ટિંગ કરતા તેમજ ન્યૂઝરૂમમાં અવિરત કામ કરતા સંવાદદાતાઓ, કેમેરાપર્સન અને ટેકનિશિયનોના સમર્પણ અને પ્રતિબદ્ધતાને તેમણે બિરદાવ્યા હતા. તેમનું આ કામ દેશની સેવા હોવાનું તેમણે કહ્યું હતું. કેટલીક ચેનલોએ ઘરેથી જ એન્કરિંગ કરવા જેવા કેટલાક નવીનતમ આઇડિયા અમલમાં મૂક્યા હોવાથી આવી કામગીરીની પણ તેમણે પ્રશંસા કરી હતી.

કોવિડ-19ને જીવન સામેનો પડકાર ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા અને નવીનતમ ઉકેલો સાથે આ પડકારનો સામનો કરી તેને નિયંત્રણમાં લેવાની જરૂર છે. આપણી સમક્ષ હજુ ઘણી લાંબી લડાઇ છે જેમાં ચેનલોએ લોકોને સમજાય તેવી સરળ ભાષામાં સામાજિક અંતર વિશે લોકજાગૃતિ ફેલાવવાની તેમજ કોઇપણ અદ્યતન માહિતી અથવા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે લોકો સુધી ઝડપથી અને સારી રીતે માહિતી પહોંચડાવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, એક તરફ ચેનલોએ સુનિશ્ચિત કરવાનું છે કે લોકો પોતાનું રક્ષણ કરવાનું છોડી ન દે અને બેદરકાર ન થઇ જાય અને સાથે-સાથે સકારાત્મક સંચાર દ્વારા લોકોમાંથી નિરાશા અને ગભરાટ દૂર કરવાનું કામ પણ કરવાનું છે. આ સમયમાં તબીબો અને આરોગ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓને પણ પ્રેરિત રાખવા જરૂરી છે કારણ કે, આ લડતમાં સૌથી મોખરે તેઓ જ મોરચો સંભાળી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમાચાર ચેનલો પ્રતિભાવોના મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે અને સરકાર સતત આ પ્રતિભાવો પર કામ કરી રહી છે. તેમણે ફિલ્ડમાં સંવાદદાતાઓને બૂમ માઇક પૂરા પાડવાનું તેમજ કોઇનો ઇન્ટરવ્યુ લેતી વખતે ઓછામાં ઓછા એક મીટરનું અંતર રાખવા માટે કાળજી લેવાનું ચેનલોને સૂચન કર્યું હતું.

તેમણે ચેનલોને વૈજ્ઞાનિક અહેવાલોનો પ્રસાર કરવાનું પણ કહ્યું હતું જેમાં ચર્ચાઓમાં સુમાહિતગાર લોકો સામેલ હોય અને ખોટી માહિતીનો પ્રસાર રોકવામાં મદદરૂપ થવા કહ્યું હતું. આ વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકોની શિસ્ત અને સામાજિક અંતર જાળવવાના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો.

મીડિયાના પ્રતિનિધીઓએ આ પડકારનો સામનો કરવામાં નેતૃત્વ સંભાળવા બદલ તેમજ સખત પરિશ્રમ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મહામારીનો સામનો કરવામાં તેમણે પ્રધાનમંત્રી સાથે મળીને કામ કરવાની ખાતરી આપી હતી.

લોકો સાથે પ્રધાનમંત્રીના ભાવનાત્મક સંપર્કને ટાંકીને, મીડિયા પ્રતિનિધીઓએ તેમને વિનંતી કરી હતી કે, તેઓ સમયાંતરે પ્રજાજોગ સંદેશો આપે અને તેમના સંબોધનમાં સકારાત્મક વાતો, ખાસ કરીને કોવિડ-19માંથી સાજા થયા હોય તેવા લોકોની વાતો સામેલ કરે. તેમણે કહ્યું હતું કે, સંવાદદાતાઓની તપાસ માટે અને અફવાઓ રોકવા માટે 24X7 ઉપલબ્ધ તબીબો સાથે એક ખાસ વિભાગ તૈયાર થઇ શકે. એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે, દિવસમાં બે વખત પ્રસાર ભારતી પ્રમાણભૂત માહિતી આપી શકે છે જેનો ઉપયોગ અન્ય ટીવી ચેનલો કરી શકે છે.

પ્રધાનમંત્રીએ આ સૂચનો અને મૂલ્યવાન પ્રતિભાવો બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ચેનલોને વિનંતી કરી હતી કે, તેઓ ડિજિટલ પેમેન્ટ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવે જેથી ચલણી નોટોની લેણ-દેણ દ્વારા લોકોમાં વાયરસ ફેલાવાવાની સંભાવના ટાળી શકાય. લોકોમાં ફેલાતી અંધશ્રદ્ધા દૂર કરવા માટે વૈજ્ઞાનિક રિપોર્ટિંગ કરવાનું પણ તેમણે ચેનલોને કહ્યું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવે તમામ માહિતી સક્રીયપણે લોકો સુધી પહોંચાડવા બદલ આરોગ્ય મંત્રાલયની બીટ સંભાળતા સંવાદદાતાઓનો આભાર માન્યો હતો. તેમણે કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સરકારના શ્રેણીબદ્ધ પ્રતિભાવ તંત્ર અંગે માહિતી આપી હતી આ પડકાર ઝીલવા માટે ક્ષમતા નિર્માણના અવિરત પ્રયાસો વિશે જણાવ્યું હતું.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશકે જણાવ્યું હતું કે પરીક્ષણ વ્યૂહરચનામાં શ્રેણીબદ્ધ પ્રતિભાવનું પાલન કરવામાં આવ્યું છે પરીક્ષણ માટેની કીટ્સની મંજૂરીમાં ઝડપ કરવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી; માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અને અગ્રણી ઇલેક્ટ્રોનિક મીડિયા સંગઠનોના પ્રતિનિધીઓ અને તંત્રીઓએ આ વાર્તાલાપમાં ભાગ લીધો હતો.