11 જૂન 2026, ગાંધીનગર: વડાપ્રધાન Narendra Modiના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી Bhupendra Patelએ ચાર પાનાનો અભિનંદન પત્ર જાહેર કરીને મોદી સરકારની સિદ્ધિઓ અને ગુજરાતને મળેલી વિકાસની ભેટોનું વર્ણન કર્યું છે. જોકે, આ પત્ર જાહેર થયા બાદ વિરોધી વર્ગો અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેમાં કરવામાં આવેલા દાવાઓ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
મુખ્યમંત્રીએ પોતાના પત્રમાં મોદી સરકારના 12 વર્ષને વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના વર્ષો ગણાવતાં ગરીબ કલ્યાણ, નર્મદા યોજના, વાઇબ્રન્ટ ગુજરાત, ગિફ્ટ સિટી, ધોલેરા, રિન્યુએબલ એનર્જી, બુલેટ ટ્રેન અને અન્ય મોટા પ્રોજેક્ટોને ગુજરાતના વિકાસના માઈલસ્ટોન તરીકે રજૂ કર્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાંથી 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનું પણ જણાવ્યું છે.
પરંતુ પત્રમાં કરાયેલા અનેક દાવાઓ સામે વિરોધીઓએ વાંધા ઉઠાવ્યા છે. તેમના મતે નર્મદા નહેર નેટવર્ક હજુ સુધી સંપૂર્ણ થયું નથી અને રાજ્યમાં વાસ્તવિક સિંચાઈના આંકડાઓ અંગે પારદર્શિતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂતો હજુ પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનું તેઓ કહે છે.
ખેડૂતોના પ્રશ્ને પણ સરકાર ઘેરાઈ રહી છે. વિરોધીઓનો આક્ષેપ છે કે કચ્છ અને અન્ય વિસ્તારોમાં સોલાર, વિન્ડ અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટો માટે મોટી માત્રામાં જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. ખાવડા સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા જમીન અને વીજલાઈન વિરોધ આંદોલનોનો પણ તેઓ ઉલ્લેખ કરે છે.
ગિફ્ટ સિટી અને ધોલેરાને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વિરોધી પક્ષોનું કહેવું છે કે આ બંને પ્રોજેક્ટોને વૈશ્વિક સફળતા તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ રોજગારી, વસ્તી અને રોકાણના મામલે હજુ અપેક્ષિત પરિણામો મળ્યા નથી.
મુખ્યમંત્રીએ ગુજરાતને મળેલી વિકાસની ભેટોનો ઉલ્લેખ કર્યો હોવા છતાં વિરોધીઓએ યાદ અપાવ્યું છે કે વર્ષ 2014 પહેલાં ભાજપે ગુજરાતના 130 જેટલા પડતર પ્રશ્નોની યાદી જાહેર કરી હતી. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં આમાંથી અનેક પ્રશ્નો હજુ ઉકેલાયા નથી.
વિરોધીઓના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલ્વેનું મુખ્ય મથક ગુજરાતને મળ્યું નથી, અમદાવાદ અને સુરતને મેટ્રો સિટીનો દરજ્જો મળ્યો નથી, પાકિસ્તાન દ્વારા પકડાતા માછીમારોની સમસ્યા યથાવત છે, કચ્છ સરહદ પર સંપૂર્ણ ફેન્સિંગ થઈ નથી અને હજીરા કોસ્ટ ગાર્ડ સ્ટેશન જેવી માંગણીઓ પણ અધૂરી છે.
આ ઉપરાંત કૃષિ સહાય, મનરેગા ફાળવણી, શિક્ષણ માટેની ગ્રાન્ટ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની સહાય, લઘુમતી વિકાસ યોજનાઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ માટેની કેન્દ્ર સહાય અને કુદરતી આફતોમાં માંગવામાં આવેલા વળતર જેવા મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
વિરોધીઓએ એવો પણ દાવો કર્યો છે કે ગુજરાતમાં ગરીબી, બેરોજગારી અને આવાસના પ્રશ્નો હજુ ગંભીર છે. ઝૂંપડપટ્ટી તોડફોડ, રોજગારીની અછત અને વધતી અસમાનતા વચ્ચે “વિકસિત ગુજરાત”ના દાવાની વાસ્તવિકતા પર ચર્ચા થવી જોઈએ.
રાજકીય નિરીક્ષકોના મતે મુખ્યમંત્રીના અભિનંદન પત્રે એક તરફ મોદી સરકારની સિદ્ધિઓને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે તો બીજી તરફ ગુજરાતના વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અને વિકાસના મોડલ અંગે નવી ચર્ચા પણ શરૂ કરી છે.
જોકે, આક્ષેપો અંગે રાજ્ય સરકાર અથવા ભાજપ તરફથી સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી.
ગુજરાતી
English