20 Feb, 2020
સિરામિક વિટ્રીફાઈડ સંબંધી કુલ 1150 સિરામિક યુનિટ મોરબીમાં સક્રિય છે. સિરામિક પ્લાન્ટના કિલનમાં ઉપયોગમાં લેવાતા રોલ અને કાચો માલ તેમજ કેટલીક મશીનરી ચીનથી આવે છે. પણ હાલમાં ચીન સરકારે કોરોના વાયરસને કારણે આ તમામ વસ્તુને મોકલવાનું બંધ કરી દીધુ છે. વસ્તુની સપ્લાયના અભાવે માત્ર 15 જ દિવસ ચાલી શકે એટલો કાચો માલ છે. એકબાજુ મંદીનો સામનો કરે છે ત્યારે હવે માલની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીના કેટલાક નાના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, આવો કાચો માલ ભારતમાં તૈયાર કરવામાં આવે તો ચીન સુધી હાથ લંબાવવા ન પડે. આ ઉપરાંત આ મોટા ભાગના ઉદ્યોગને સારો એવો વેગ મળી શકે. એબ્રેસિવ અને નેનો નામનું કેમિકલ ચીનથી આવે છે. ચીનમાં જ તૈયાર થઈને ત્યાં જ મળે છે. જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને તેના પર આધાર રાખવો પડે છે. ભારત સરકાર તરફથી આ સમગ્રી જો દેશમાં ટેકનોલોજીની મદદથી તૈયાર થાય તો સિરામિક ઉદ્યોગને ફાયદો થઈ શકે છે. 800થી પણ વધારે યુનિટમાં લાખો મજૂર કામ કરી રહ્યા છે. પણ અછતને કારણે એમની રોજગારી માથે પણ મોટું જોખમ છે.
પાંચ લાખથી પણ વધારે મજૂરની રોજીરોટી સિરામિક ઉદ્યોગ તેમજ સિરામિકલક્ષી કામ સાથે જોડાયેલી છે. બીજી તરફ સિરામિક ઉદ્યોગમાં વપરાતા કેટલાક મશીન પાર્ટી ચીનમાં બને છે. જ્યારે એમાં વપરાતું લોખંડ ભારતમાંથી જાય છે. જેમાંથી તે પાર્ટ બનાવીને ભારતને નિકાસ કરે છે. જેથી પાર્ટ વસાવવા મોંઘા પડે છે. પણ જો ભારતનું લોખંડ ઘર આંગણે જ પાર્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાય તો સસ્તા પણ પડે અને અહીંથી મોકલવાનો ખર્ચ પણ બચે એમ છે. સિરામિક એસો. પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ચીનમાં વેકેશનને કારણે થોડો સ્ટોક હતો જેથી આ સિરામિક યુનિટ સક્રિય રહ્યા. પણ જો ચીનથી કોઈ કાચો માલ જ નહીં આવે તો યુનિટ બંધ કરવા માટે મજબુર થવું પડશે. સરકાર જો આ કાચોમાલ ભારતમાં જ તૈયાર કરે તો પ્રમાણમાં સસ્તો પડે અને સરળતાથી મળી. આ ઉપરાંત ચીન પર આધાર પણ ન રાખવો પડે.