[:gj]હું સાધુ તરીકે જીવ્યો નથી, પણ સાધુ તરીકે મરવું ગમશે, નગીનદાસ સંઘવી લેખક – અંતિમ સંસ્કાર થયા[:]

[:gj]અમદાવાદ, 13 જૂલાઈ 2020

કટાર લેખક નગીનદાસ સંઘવીનું સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન થયું છે. ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષથી 100 વર્ષની ઉંમરે કટારલેખન કરતાં હતા. 26મી જાન્યુઆરીએ 99 વર્ષની વયે શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા હતા. મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરનાર સંઘવી છેલ્લા મહિનાઓથી સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં દીકરીના ઘરે રહેતા હતાં. રવિવારે સવારે 11-15 વાગ્યે શ્વાસની તકલીફ સાથે મહિધરપુરા પોલીસ સ્ટેશન સામે આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સાંજે 4-00 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓની અંતિમ યાત્રા સોમવારે 13 જુલાઈ 2020 સવારે નિકળી હતી.

હું સાધુ તરીકે જીવ્યો નથી પણ મને સાધુ તરીકે મરવું ગમશે. મને થાય છે કે આ શહેરમાં જન્મયો હોત તો સારું. રાજકોટમાં સન્માન વખતે તેમણે કહ્યું હતું.

તેમની કોલમ ‘તડ ને ફડ’ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ લખતા આવ્યા હતાં. નગીનદાસ સંઘવી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષાઓના જ્ઞાની હતા. સાહિત્યક્ષેત્રે સક્રિય હતાં.

જન્મભૂમિ ભાવનગર 

નગીનદાસ સંઘવીએ 10-3-2020ના રોજ 100 વર્ષ પૂરા કર્યા હતાં. જન્મ 10 માર્ચ 1919માં થયો હતો.  પ્રાથમિક શિક્ષણ ભાવનગર પાસેનાં ભૂંભલી ગામની શાળામાં અને તે પછી એમ.એ. સુધીનું શિક્ષણ ભાવનગરમાં લીધું. ભાવનગર જન્મભૂમિ અને મુંબઈ કર્મભૂમિ રહી હતી.  દીકરાના યુવાન વયે થયેલા મૃત્યુને પગલે આવેલી આપત્તિ હતી.

પ્રાધ્યાપક

1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.

એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.  1950ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા. તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.

મુંબઈની જાણીતી કૉલેજોમાં આશરે ત્રણ દાયકા સુધી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. ત્રણ દાયકા સુધી કૉલેજમાં પ્રોફેસર રહ્યા હતા. 1950થી લઈને 1982 સુધી મુંબઈની અલગ અલગ કોલેજોમાં તેમણે રાજકારણ અને ઈતિહાસના પ્રોફેસર તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી.

કટાર લેખક

1962થી તેમણે કટાર લેખન શરૂ કર્યું અને આ હજી ગયા સપ્તાહ સુધી પણ ચાલુ હતું. નીડર નિષ્પક્ષ અને સત્યનિષ્ઠ પત્રકારત્વ હતું. તેઓ આશરે 55 વર્ષથી વધુ સમયથી સમાજ અને રાજકારણ પર લેખ લખતાં આવ્યાં છે. ગુજરાતને કેન્દ્રમાં રાખીને નગીનદાસ સંઘવીએ રાજકીય વિશ્વલેષણનું લેખન કરવાની શરૂઆત કરી હતી.

નારા નગીનદાસ સંઘવીએ નિવૃતી બાદ વિવિધ સામયિકો અને જર્નલોમાં લખવાની શરૂઆત કરી હતી. 100 વર્ષની ઉંમરમાં પણ તેમણે નિયમિત રીતે અગ્રણ્ય છાપા અને સામાયિકોમાં પોતાની કોલમનો અવિરત પ્રવાહ વહેતો રાખ્યો હતો. રાજકીય સમીક્ષાને મામલે જે સ્પષ્ટતાથી વાત કરી શકતા તેટલી સ્પષ્ટતા આજકાલનાં કટાર લેખકોમાં ભાગ્યે જ જોવા મળે છે.

ગુજરાતના સૌથી વધુ અનુભવસમૃધ્ધ રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી છેલ્લા 55 વર્ષથી તલવારથી ધાર કાઢી પોતાની કલમ ચલાવતા હતા.  સીધુ, સાચુ અને સોંસરવું ઊતરી જાય તેવું લખાણ એમની ઓળખ રહી છે. આયુષ્યના 97માં વર્ષે પણ તેમની કલમ અવિરત ચાલતી હતી.

તલવારની જેમ તેમની કલમ કોઈની સાડીબારી રાખતી ન હતી. તેઓ નરેન્દ્ર મોદીના વખાણ કરતાં હતા, તેઓ મોદીની અંદરની બાજુ સારી રીતે ઓળખી શક્યા ન હતા. પોતાના શબ્દોથી નગીનભાઈ અચ્છેઅચ્છા ચમરબંધીનેય એનું ખરું મૂલ્ય સમજાવી દેતાં હતા. હસમુખ ગાંધી અને ચંદ્રકાન્ત વક્ષી ભાગ્યે જ કોઇના વખાણ કરે પણ એ બન્ને કહેતા કે, નગીનદાસભાઇ પત્રકારત્વના શિરોમણી છે

શતાયુ નગીનદાસ સંઘવી ભારતના સહુથી મોટી ઉંમરના કૉલમિસ્ટ હતા. 100 વર્ષે પણ દર અઠવાડિયે, કુલ પાંચેક હજાર શબ્દોની ચાર દૃષ્ટિપૂર્ણ કૉલમ લખતા હતા. આટલાં વર્ષોમાં ચોક્કસ સમયે અને ચોક્કસ શબ્દસંખ્યામાં ગમે તે જગ્યાએથી, ગમે તે સંજોગોમાં તંત્રીને ટકોરાબંધ લેખ આપવાનું ક્યારે ય ચૂક્યા ન હતા.

ઇન્ટરનેટ અને કૉમ્પ્યુટરનો જરૂરી ઉપયોગ કરતાં હતા. દેશ અને દુનિયાના સાંપ્રત રાજકીય-સામાજિક જીવનનાં લગભગ દરેક પાસાં વિશે નગીનદાસે લખ્યું છે. વૈચારિક સ્પષ્ટતા, સાફ ભૂમિકા, મૂલગામી અભ્યાસ, ભરોસાપાત્ર ઠસોઠસ હકીકતો અને દરેક સ્તરના વાચકને માફક આવે તેવી સરળ લખાવટ હતી. નગીનદાસ વાસ્તવિક રીતે સેક્યુલર, વંચિતતરફી, પ્રગતિશીલ મૂલ્યોની સાતત્યપૂર્વક રખેવાળી કરતા હતા. દેશના લોકોની દુર્દશાને તે વાચા આપતા રહ્યાં હતા.  સ્થાપિત ધર્મોના દુરુપયોગ અને  દુરાચારના તે કટ્ટર વિરોધી, વૈજ્ઞાનિક અભિગમ તેમ જ લોકશાહીના અભ્યાસપૂત સમર્થક હતા.

પુસ્તકો

તેમના ગીતા, રામાયણ અને મહાભારતના પ્રવચન પણ લોકપ્રિય હતા. રાજકીય વિશ્લેષક હતાં. એમના પુસ્તકો ગુજરાતી સહિત અંગ્રેજીમાં પણ પ્રકાશિત થયાં છે.

મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ વિશેનાં પુસ્તક લખ્યાં છે.  યોગનો ઈતિહાસ, ગીતાવિમર્શ, મહામાનવ શ્રીકૃષ્ણ  સહિતના ગ્રંથ આપણને આપ્યા છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકા નગીનભાઈએ લખી છે.  ગુજરાતના રાજકારણ વિશે અને ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની કારકિર્દી વિશે સંશોધન કરીને એમણે લખેલાં અંગ્રેજી પુસ્તકો જાણીતાં છે. નગીનદાસ સંઘવીના અખબારો અને સામયીકમાં પ્રકાશિત લેખોમાંથી પસંદગી કરી બે મોટા વોલ્યુમ બનાવાયા છે. બંને વોલ્યુમ મળી કુલ પાના 850થી વધુ છે અને એની બજાર કિંમત રૂા.790 છે.

વિતેલા 55 વર્ષ દરમ્યાન નગીનદાસ સંઘવીએ લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોના આશરે 1,00,000 પાનાઓમાંથી સાંપ્રત ન હોય અને વર્ષો પછી પણ અભ્યાસુઓને ઉપયોગી થઇ પડે તેવું લખાણ કાળજીર્પૂર્વક ચયન કરી આઠ પુસ્તકોનો આ સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે.

નગીનદાસ સંઘવીએ ગાંધીજી વિશે લખેલા પુસ્તકોને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. વર્ષ 1996માં રાજ્ય સરકાર દ્વારા નગીનદાસ સંઘવીને ‘બેસ્ટ કોમેન્ટેટર ઓન પોલિટકલ ઇશ્યુ’ના સન્માનથી નવાજ્યા હતા. પ્રો. સંઘવી મેડિસીનના વિસ્કોન્સીનમાં પ્રતિ વર્ષ યોગ અને તેને સંલગ્ન વિષયો વિશે શિક્ષણ આપવા ભાગ પણ લે છે.

રાજકોટમાં 16 જૂન 2019 તેમની શતાબ્દી વંદનાએ ‘નગીનદાસ સંઘવીનું તડ ને ફડ’ અને ‘નગીનદાસ સંઘવીની સોંસરી વાત’ નામે દળદાર સંગ્રહો પ્રસિદ્ધ થયા. પદ્મશ્રી સન્માનિત નગીનદાસે નરેન્દ્ર મોદી પર તટસ્થતા માટે વખણાયેલાં અંગ્રેજી પુસ્તક ઉપરાંત પણ ચાર અંગ્રેજી પુસ્તકો લખ્યાં છે : ‘ગુજરાત : અ પૉલિટિકલ ઍનાલિસિસ’, ‘ગાંધી : ધ ઍગની ઑફ અરાઈવલ’, ‘ગુજરાત ઍટ ક્રોસ રોડ્સ્’ અને ‘અ બ્રીફ હિસ્ટરિ ઑફ યોગ’. અમેરિકન ઇતિહાસ અને રાજકારણ પરનાં નવ અંગ્રેજી પુસ્તકો ઉપરાંત રાજમોહન ગાંધીએ લખેલાં સરદાર પટેલનાં બૃહત્‌ જીવનચરિત્રને તે ગુજરાતીમાં લાવ્યા છે. દેશ અને દુનિયાની રાજનીતિનાં પાસાં પરની ત્રીસ પરિચય-પુસ્તિકાઓ તેમનું મહત્ત્વનું પ્રદાન છે.

તેમાંથી જણાય છે કે છત્રીસ પાનાંની એક એક પુસ્તિકા માટે તેમણે સેંકડો પાનાં વાંચ્યાં છે. તેમનું એક મોટું કામ એટલે જ્ઞાનગંગોત્રી સંદર્ભ શ્રેણીમાં ‘સ્વરાજદર્શન’ ખંડનાં સવાબસો પાનાં અને તે જ શ્રેણીના ‘વિશ્વદર્શન’ ખંડના પચાસ પાનાં. નગીનદાસનું વિદ્યાકીય પ્રદાન તેમનાં અખબારી લેખન પછવાડે ઢંકાઈ જાય છે.  અખબારી લેખોનાં પુસ્તકો સંદર્ભગ્રંથો જેવાં છે. કોઈ પણ પુસ્તકનો કોઈ પણ લેખ વાચકની નાગરિક સમજમાં ઉમેરો કરનારો હોય છે. પત્રકારો, જાહેર વહીવટના માણસો, અધ્યાપકો, જુદી જુદી શાખાના વિદ્યાર્થીઓ, કર્મશીલો એમ અનેક વર્ગો માટે નગીનદાસના લેખોને અનિવાર્ય વાચન ગણી શકાય.

સ્વરાજદર્શન, આગિયાનો ઉજાસ, અત્તરના દીવા, રામાયણની રામાયણ પુસ્તકો છે.

છાપાની હોળી થઈ

મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.

એવોર્ડ

વજુ કોટક સુવર્ણચંદ્રક અપાયો હતો. પોતાની કલમથી દાયકાઓ સુધી ગુજરાતી વાચકોનો પ્રેમ અને આદર મેળવેલો હતો. ગુજરાતી પત્રકારત્વને ખરા અર્થમાં ન પૂરી શકાય એવી ખોટ પડી છે. કોઈ એક વિષય પર તેઓ બે કલાક સારી રીતે બોલી શકતા હતા.

કોઈ ગુરુ નહીં

રાજકીય પંડિતોનાય ગુરુ કહી શકાય એવા પ્રખર સમીક્ષક-કટારલેખક નગીનદાસ સંઘવી નગીનભાઈ પોતે કોઈને રોલમોડેલ કે ગુરુ માનતા નથી. તેઓ તડ ને ફડ લખતા અને બોલતા હતા.  એમના સ્વતંત્ર વિચાર, સામાન્ય માણસનેય આસાનીથી ગળે ઊતરે એ રીતની રજૂઆત અને એ પાછળના તર્ક સારી રીતે કહી શકતા હતા. ટટ્ટાર ચાલતા હતા.

તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે. ગુજરાતી સમાજ પરાપૂર્વથી વિભાજિત રહ્યો છે. ગુજરાત જેટલી જ્ઞાતિઓ દેશમાં બીજે ક્યાંય નથી. એમ તોએ માનતા હતા. બુદ્ધ, લાઓત્સે, જીસસ અંગે સારું જ્ઞાન હતું.

જીવન

સજ્જ રહેવા નગીનભાઈ ભરપૂર વાંચન હતું. અનેક લોકો સાથે ચર્ચા કરતા હતા.  એમની આંખ અને કાન નબળા પડ્યા હતા. એમની ગ્રહણશક્તિ તથા યાદશક્તિ મૃત્યુ સુધી સારી હતી. જીવનમાં સાદગી હતી. સફેદ વસ્ત્રો પહેરતાં. એમનો લેંઘો સો વરસે પણ ચાર આગળ ઊંચો પહેરી રાખતા હતા. વાણી, વર્તન, વ્યવહાર અને લેખનમાં પણ સાદગી હતી.

તેઓ ખાતરી પૂર્વક આનંદીત અને લાંબું જીવ્યા છે. તેમણે જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા હતા. વેઠ્યું પણ ઘણું હતું. તેની તેમને ફરિયાદ ન હતી. તેમના જીવનમાં લાંબી માંદગી આવી નથી. હૉસ્પિટલમાં લાંબું રોકાવાનું આવ્યું નથી. 99 વર્ષે તેઓ  ચાલી-ફરી-લખી શકતા હતા. પરદેશમાં મુસાફરી કરતા હતા. ઘણાં બધાં કામ 99 વર્ષે કરતાં હતા.

તેમના વિચાર બીજા સુધી પહોંચાડવાની અને સામેવાળાની વાત સ્વીકારવાની વાત તેમની  જિંદગીનું પ્રેરક બળ હતું.

તેઓ માનતા કે માણસ સરખી રીતે જીવે તો શરીર લાંબું જીવવા માટે સર્જાયું છે. સવા સો વર્ષ. જો કે અકુદરતી રીતનું જીવન, આખા દહાડાની હાયવોય, વધારે પડતી અપેક્ષા, એ માટેનો સંઘર્ષ, વગેરે શરીરને નુકસાન પહોંચાડે છે. શરીર અનેક સ્વતંત્ર વિભાગનું બન્યું છે.  શરીર એક ટીમની જેમ કામ કરે છે. મારા શરીરનાં બધાં અંગ એકમેક સાથે સરખો સંવાદ સાધીને રહે છે, એટલે હું લાંબું જીવી શક્યો છું.

વિચારો કેવા હતા

દેશના ભાગલા પહેલાંનું અને એ પછીનું તથા નેહરુથી માંડી વિજય રૂપાણી સુધીનું તેમણે સારું અને ગંદુ રાજકારણ જોયું છે.  આઝાદી મળી ત્યારની રાજકીય નેતાગીરી એ અગાઉના યુગનો પરિપાક હતો. નેહરુ, પટેલ, મૌલાના આઝાદ, આચાર્ય કૃપલાણી, વગેરે બધા આઝાદી પહેલાંના સંઘર્ષમાં ઘડાયેલા હતા. એમણે પોતાની પાસે જે હતું એ દેશને આપવાનું હતું. એવું તેઓ માનતા હતા. આઝાદી પછીના રાજકારણીઓ તો કંઈક લેવાવાળા છે. પછી એ કોઈ હોદ્દો હોય કે બીજા લાભ હોય. એમ તેઓ સ્પષ્ટ માનતાં હતા.

તેઓ માનતા હતા કે, ગાંધીજીના વિચારોને કારણે આઝાદીની લડત દરમિયાન રાજકારણને આદર્શવાદી ઓપ મળ્યો હતો. એ આજની પ્રજા માટે નુકસાનકારક છે. આપણે એ હકીકત સ્વીકારી લેવાની જરૂર છે કે રાજકારણ કંઈ ધર્મક્ષેત્ર નથી. હવે રાજકારણમાં જોડાનારો માણસ કંઈક લેવા, સત્તા ભોગવવા, એનો ઉપયોગ કરવા જ આવે છે. મતલબ કે રાજકારણમાં સત્તા માટે ખટપટ કરવી, ખોટું બોલવું, સમાજના જુદા જુદા વર્ગ વચ્ચે અંટસ ઊભી કરવી, વગેરે બધું સ્વીકાર્ય બનવા લાગ્યું છે. રાજકારણની વ્યાખ્યા બદલાઈ છે. ગાંધીજીના આદર્શવાદી વિચારોના પ્રભાવને લીધે અત્યારે પણ આપણે રાજકારણને ખોટી રીતે સમજીએ છીએ. આપણે વાસ્તવિકતા જોતા નથી. આપણા સમાજમાં પણ આટલાં વર્ષોમાં ભારે ફેરફાર થયા છે. જેને રાજકારણથી છૂટા ન પાડી શકાય. સમાજમાં બધું બદલાય છે એમ રાજકારણમાં પણ પરિવર્તન આવવાનું જ છે.

તેઓ માનતા હતા કે, દુનિયાના ઈતિહાસ સાથે સરખામણી કરીએ તો 70 વર્ષમાં જેટલી ઝડપથી ભારતીય સમાજ બદલાયો છે એ રીતે બીજો કોઈ સમાજ બદલાયો નથી. 1947ના સમાજની તો અત્યારે કલ્પના પણ થઈ શકે એમ નથી. સ્ત્રીઓ જાહેરસભામાં જાય, ચપ્પલ પહેરે, નાટક કે નૃત્યમાં ભાગ લે એવું ભાગ્યે જ જોવા મળતું. એવી જ હાલત દલિતો-આદિવાસીઓની હતી. આપણો સમાજ એ વખતે બહુ પછાત હતો, પણ દુનિયાની સાથે થઈ જવાની બધાની હોંશ હતી, આકાંક્ષા હતી. બીજા દેશોને આંબવા આપણે દોટ મૂકવી પડે એમ હતી અને એ દોટ આપણે મૂકી. ઝડપથી આગળ વધવું હોય તો અમુક બદલાવ લાવવા-સ્વીકારવા જ પડે. બસ, આપણે ત્યાં એ જ થયું છે.

તેઓ મહત્વી ઘટનાઓ અંગે માનતા હતા કે, 1946ના અંત સુધી તો દેશને આઝાદી મળશે એવું જ કોઈ માનવા તૈયાર નહોતું. બીજી એવી ઘટના એટલે 1956માં પંડિત નેહરુએ હિંદુ સમાજમાં ક્રાંતિકારી કહી શકાય એવા ફેરફાર લાવનારા ચાર કાયદા ઘડ્યા એ. 1975ની કટોકટી. ઈન્દિરા ગાંધીએ અંગત લાભ ખાતર દેશની લોકશાહી પ્રણાલી પર જબરદસ્ત પ્રહાર કર્યો હતો. આપણી લોકશાહીમાં લોકો બહુ સક્રિય નથી. જવાબ આપી દીધો કે પ્રજા બીજા કોઈ પ્રકારનું રાજ્યતંત્ર સ્વીકારવા તૈયાર નથી. 1981-82માં શીખ સમાજે હિંદુસ્તાનથી વિખૂટો થયો.  1971માં પૂર્વ પાકિસ્તાન મોરચે થયેલા યુદ્ધમાં ભારતે મેળવેલી જીત. બાંગ્લાદેશ નામના એક અલગ રાષ્ટ્રની પ્રસૂતિ આપણે સુયાણી તરીકે કરાવી. આપણને ગમે કે ન ગમે, પણ એટલું કબૂલ કરવું રહ્યું કે કોમવાદ એ હિંદુસ્તાનમાં એક જીવંત પ્રવાહ રહ્યો છે. કોંગ્રેસના પ્રભાવને લીધે એ પ્રવાહ લાંબો સમય દબાયેલો રહ્યો, પરંતુ દરેક ચૂંટણીમાં કોમ અને જ્ઞાતિ ભાગ ભજવતાં રહ્યાં છે અને કોમવાદી વાતાવરણ પણ દેશમાં હંમેશાં રહ્યું છે. એ કોમવાદને નબળા પડેલા રાજકારણને લીધે પ્રોત્સાહન મળ્યું, જેનું પરિણામ હતું બાબરીધ્વંસ. હિંદુસ્તાની સમાજના બે ટુકડા કરે એવો એ બનાવ હતો. હિંદુ ધર્મસ્થાનકોને તોડવા માટે આપણે જૂના જમાનાના મુસ્લિમ શાસકોને દોષ દઈએ છીએ તો એક ઈસ્લામી ધર્મસ્થાન તોડવા માટે હિંદુઓને દોષ કેમ ન દઈ શકાય? પણ હું જ્યારે બાબરી મસ્જિદના ધ્વંસ વિશે લખું છું ત્યારે ત્યારે મારે ગાળ સાંભળવી પડે છે.

એકતા નથી તેથી ભારત હારતું આવ્યું

જાતજાતના વાડામાં વહેંચાયેલી છે એ. આપણો ઈતિહાસ રાજવંશી ઈતિહાસ છે. મતલબ કે એ પ્રજાની નજરે, સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને લખાયેલો નથી. ભારત પહેલાં વિશ્ર્વ વેપારનું મોટું મથક હતું એ કબૂલ, પણ ભારતની બહુમતી પ્રજા એ વખતેય સુખી કે સમૃદ્ધ હતી ખરી? એનો જવાબ છે: ના, કારણ કે આપણી પ્રજા વર્ષો સુધી દબાયેલી-કચડાયેલી રહી છે. કોઈ સમૃદ્ધ પ્રજા શા માટે એ અવસ્થામાં રહે? દેશની પ્રજા સમૃદ્ધ હોય, સંતુષ્ટ હોય તો એ પ્રજામાં એકતા હોય. એવી એકતા આપણી પ્રજામાં હોત તો આપણે દરેક આક્રમણ વખતે હાર્યા કેમ? ગ્રીકથી માંડી શક, હુણ, મુસલમાન, ખ્રિસ્તી એમ દરેક પ્રજા આપણને હરાવી ગઈ છે. કેમ એમ? એનું કારણ એ છે કે આપણે એક થઈને રહી શક્યા નથી. ઊંચ-નીચના ભેદ બધા સમાજમાં હશે, પણ આપણા જેવી જ્ઞાતિપ્રથા બીજે ક્યાંય નથી. મુઠ્ઠીભર માણસો પોતાના જ્ઞાનથી, પોતાના બાહુબળથી, પૈસાથી બધાને દબાવેલા રાખે છે. દરેક વાતને લાગણી સાથે જોડીએ છીએ, બુદ્ધિ સાથે નહીં. પરિણામે આપણે લાગણીના પ્રવાહમાં ખેંચાઈએ છીએ અને બૌદ્ધિક રીતે સાચું-ખોટું ઠેરવવાની તકલીફ લેતા નથી. એ તાલીમ લેવાની આપણે જરૂર છે.

નગીનદાસ સંઘવીના પુસ્તકોની યાદી જોવા અને ઘરે બેઠા મેળવવા અહીં ક્લિક કરો અથવા 7405479678 પર વોટ્સએપ કરો…

https://www.dhoomkharidi.com/authors/nagindas-sanghavi

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે

મુખ્ય મંત્રીશ્રી પાઠવેલા શોક સંદેશમાં  સદ્દગત નગીનદાસ સંઘવીને  એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવતા કહ્યું છે કે, સમાજ જીવન અને દેશ દુનિયાની   સાંપ્રત સમસ્યાઓ અને સ્થિતિનું નીર ક્ષિર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખનીએ લાખો વાચકો ના દિલમાં અમિટ છબિ ઊભી કરી છે

તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતનેના પુરાય એવી ખોટ પડી છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી છે.[:]