દારૂ બંધી ફારસ, હવે તો દારૂની હોમ ડિલિવરી…!
દારૂની રેલમછેલ
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રૂ.34 કરોડનો
દેશી-વિદેશી દારૂ-બિયરનો જથ્થો પકડાયો
8,49,93૦ વિદેશી દારૂની બોટલ, 74,55૦ બિયરની બોટલ અને
2,84,912 લિટર દેશી દારૂ પકડાયો તો પછી વેચાયો કેટલો હશે……?
ગાંધીનગર, 4 માર્ચ 2022
છેલ્લા 3૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરતા ભાજપ સત્તાધીશો વિકાસની દુહાઇ આપે છે, પણ હકીકતમાં ગુજરાત આજે અધોગતિ તરફ ધકેલાઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે ભાજપના રાજમાં રોજગારીથી વંચિત યુવાધન નશાખોરીના રવાડે ચડયું છે. તેવો આક્ષેપ કરતા અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો હતો.
શેખે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે બુટલેગરોને જાણે પોલીસનો ડર રહ્યો નથી. ગામડાથી માંડીને પાટનગર ગાંધીનગરમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂ વેચાઇ રહ્યો છે. પોલીસની હપ્તાખોરીને લીધે દારૂનું દુષણ દિન-પ્રતિદિન ગુજરાતમાં વધી રહ્યું છે. બુટલેગરોનું નેટવર્ક એટલું મજબૂત બન્યું છે કે મોબાઇલ ફોન પર દારૂની ડિલિવરી થઈ રહી છે. ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર નામ પૂરતી રહી છે. ભાજપ સરકારે જ નશાબંધીને માળીયે ચડાવી દીધી છે. પોલીસ દારૂનો જથ્થો પકડી જાણે સિદ્ધિ મેળવી હોય તેવો ડોળ કરે છે પણ પાછલા બારણે કરોડો રૂપિયાનો દારૂ વેચાઇ રહ્યો છે તેનું શું…?
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ જ નહીં હવે તો ડ્રગ્સ પણ ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે. શાળા-કોલેજો અને રહેણાંક વિસ્તારોમાં ડ્રગ માફિયાઓએ યુવા ધનને શિકાર બનાવ્યું છે. આ અગાઉ ઘણીવાર વિધાનસભામાં મેં એમ.ડી. ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી છે, ગૃહ મંત્રી અને ગૃહ વિભાગનું ધ્યાન દોર્યું છે છતાં પણ સરકાર ડ્રગ્સ માફિયાઓને કાબુમાં લેવામાં સરેઆમ નિષ્ફળ રહી છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક પ્રશ્નમાં ગૃહ વિભાગે એકરાર કર્યો છે કે, વર્ષ 2019-20 અને વર્ષ 2020-21માં અમદાવાદ અને ગાંધીનગરમાંથી રૂ. 34 કરોડનો દેશી દારૂ-વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો છે. 8,49,93૦ વિદેશી દારૂની બોટલ, 74,55૦ બિયરની બોટલ અને 2,84,912 લિટર દેશી દારૂ પકડાયો છે. પોલીસે 37,99૦ આરોપીઓને ઝડપી પાડ્યા છે પણ હજુ પણ 274 આરોપીઓને પોલીસ પકડી શકી નથી.
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, પ.પૂ. મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના ગુજરાતમાં ભાજપની ગુજરાત સરકારની રહેમનજર હેઠળ દારુની રેલમછેલ છે અને નશાના કાળા કારોબારનો વેપલો વધ્યો છે. ગાંધીના ગુજરાતમાં બુટલેગર બેફામ બન્યા છે જ્યારે નશાનો વેપાર કરનારા માફિયાઓ ફુલ્યાફાલ્યાં છે. ગુજરાતની ભાજપની રાજ્ય સરકારના આશીર્વાદથી પોલીસ અને બુટલેગરોની જુગલબંધીથી ખુલ્લેઆમ નશાનો કારોબાર ફુલી ફાલી રહ્યો છે. ગુજરાતમાં દેખાડા પુરતો દારુ અને નશીલા પદાર્થ પકડાય છે, જેટલો જથ્થો પકડાય છે તેના કરતાં 100 ગણો વધુ જથ્થો તો સુવ્યવસ્થિત ભ્રષ્ટાચારના માર્ગે દારુના અડ્ડાઓ સુધી પહોંચી રહ્યો છે. સવાલ એ છે કે માત્ર અમદાવાદ અને ગુજરાતની રાજધાનીમાં જો કરોડોનો દારૂ પકડાયો હતો કલ્પના કરવી રહી કે ગુજરાતમાં દારૂનું કેટલું વેચાણ થતું હશે….??
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણ દારુબંધીનો કડક અમલ થવો અનિવાર્ય છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની આ પાવનભુમિ ઉપર બુટલેટરો બેફામ બન્યા છે. દારુ અને અન્ય નશીલા પદાર્થનો વેપાર ફુલ્યો-ફાલ્યો છે. રાજ્ય સરકારે કડક દારુબંધીનો અમલ થાય તે પ્રકારે પ્રયત્ન કરવા જોઇએ. દારુ અને અન્ય નશીલા પદાર્થ યુવાપેઢીનું ભાવિ ખરાબ કરે છે, કેટલાય પરિવારોને ઉજાડે છે. કેટલીય બહેનોને વિધવા કરે છે, ઘરેલું હિંસાને પ્રોત્સાહન આપે છે તેવા સંજોગોમાં દારુ અને અન્ય નશીલા પદાર્થના મુદ્દે જીરો ટોલરેન્સની નીતિ દેખાતી નથી. માત્ર નામ પુરતું દારુ પકડવાનું નાટક બંધ કરીને ખરેખર ગુજરાતમાં દારુબંધીનો કડક અમલ થાય તે પ્રકારે પ્રયત્ન કરવા જોઇએ. જો સરકાર દારૂ ડ્રગ્સ ની બધી કાબૂ નહીં કરે તો આગામી દિવસોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળશે તે નક્કી છે.