જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5.
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા – ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે કાર્યપાલક ઈજનેર, હિંમતવંગર સિંચાઈ વિભાગ દ્વારા એપ્રિલ – ૨૦૦૮માં બોલીઓ મંગાવવામાં આવી હતી. મે. SGS પ્રાઈવેટ લીમીટેડ, અમદાવાદ (પેઢી – S )ની રૂ.૫૮.૨૭ લાખની (અંદાજીત કિંમત કરતા ૩૯૧ ટકા વધારે) એકમાત્ર બોલી આવી હતી. ભાવ ખૂબ જ ઊંચો હોવાના કારણે ખાતાએ તેનો અસ્વીકાર કર્યો હતો.
ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના આધારે અંદાજીત ખર્ચની ફેર ગણતરી કરીને રૂ.૫૪.૫૭ લાખ કર્યા બાદ ફરી નિવિદા મંગાવવામાં આવી હતી. આ સમયે પણ નિવિદામાં ભાગ લેનાર એકમાત્ર પેઢી ‘ S ‘ હતી અને તેને રૂ. ૫૨.૭૦ લાખની નિવિદાની કિંમતે ડિસેમ્બર ૨૦૦૮માં કામ આપવામાં આવ્યું હતું.
ઓડિટના મુખ્યત્વે વાંધાઓ નીચે મુજબ છે. • કરાર આપતા પહેલાં વિભાગે જુલાઈ – ૨૦૦૮થી પેઢી ‘ S ‘ ની સેવાઓ લીધી હતી અને ડિસે . ૦૮ સુધીમાં રૂ ૧૩ . ૯૯ લાખની રકમ ચુકવી હતી . • ફરીથી નિવિદા મંગાવતી વખતે પૂર્વ લાયકાત માપદંડ સુધારવામાં આવ્યો.
- નિવિદા મંગાવવાની જાહેરાત માત્ર અમદાવાદના એક ગુજરાતી સમાચાર પત્રમાં આપવામાં આવી હતી અને બોલી રજૂ કરવા માટેના ઠરાવેલા15 દિવસની સામે ૭ દિવસ આપવામાં આવ્યા હતા. પેઢી ‘ S ‘ ની તરફેણ કરવા માટે નિવિદાની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પેઢીએ નિરીક્ષણ માટેનો કરાર આપવામાં આવ્યો એ પહેલાં જ નિરીક્ષણનું કામ શરૂ કર્યું હતું . ઓડિટના ઉક્ત વાંધા સંબંધમાં વિભાગે સમિતિને જુલાઈ – ૨૦૧૫માં મોકલી આપેલ લેખિત ખુલાસામાં જણાવ્યાનુસાર પ્રથમવાર જાહેર નિવિદાથી ટેન્ડર મંગાવવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ.૧૪.૯૦ લાખની રાખવામાં આવેલ અને ટેન્ડર રૂ.૫૮.૨૭ લાખનું આવતાં સરકાર દ્વારા તે ખૂબ જ ઊંયું ટેન્ડર હોવાથીના મંજૂર કરેલું ત્યારબાદ નવેસરથી રૂ.૫૨.૭૦ લાખનું ટેન્ડર આવતા સરકારએ મંજૂર કરેલું જેમાં પૂર્વ લાયકી લાયકાતમાં આવા પ્રકારની જળસંપત્તિ વિભાગમાં સમાન પ્રકારની કરવામાં આવેલ કામગીરીની શરત મૂકવામાં આવેલ. જળસંપત્તિ વિભાગમાં સમાન કામગીરી કરનાર અનુભવી એજન્સી મળી શકે તે હેતુથી તથા કામગીરી સારી રીતે હાથ ધરી શકાય તે માટે ટી.પી.આઈ.ની શરતમાં મામૂલી ફેરફાર કરી જળસંપત્તિ વિભાગ હેઠળ કામ કરેલ માન્ય ઈજારદારના અનુભવી એજન્સી માટેની શરત મૂકવામાં આવેલ. સમિતિની ૧૪ / ૦૬ / ૨૦૧૬ના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત બાબતની ચર્ચા દરમ્યાન સમિતિએ પૂર્વ લાયકાત શરતો બદલવાના કારણો અંગે પૃચ્છા કરતાં વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે જે લોકોએ જળસંપત્તિના કામો કર્યા હોય એ જો આ પ્રોજેક્ટની અંદર થર્ડ પાર્ટી તરીકે આવે તો એ લોકો સારી રીતે પર્ફોર્મ કરી શકે તે આશયથી પૂર્વ લાયકાત શરતો બદલવામાં આવી હતી. તેમ જણાવતાં સમિતિને સંતોષ થયો ન હતો. વિભાગ દ્વારા થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન માટે રૂ.૧૪.૯૦ લાખનો અંદાજીત ખર્ચ આકારવાની સામે આખરે રૂ.૫૨.૭૦ લાખની રકમ ચુકવાઈ, નિવિદા માત્ર એક જ ગુજરાતી વર્તમાનપત્રમાં આપવામાં આવી હતી. નિવિદા માટે નિયત જોગવાઈ મુજબ ઠરાવેલ ૧૫ દિવસની સામે માત્ર ૭ જ દિવસો આપવામાં આવ્યા તથા ત્યારબાદ એક જ પેઢીનું ટેન્ડર આવ્યું અને તે પણ 3૮૦ ટકા જેટલું ઊંચુ હોવા છતાં સ્વીકારી લેવામાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રક્રિયા અનેક પ્રશ્નાર્થ ઊભા કરે છે તેવું સમિતિને લાગે છે આથી આ સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરાવવા ભલામણ કરી હતી. (ક્રમશઃ 6)