ગાંધીનગર, 13 મે 2020
રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા રોગપ્રતિરોધક ઊકાળાના 1.79 કરોડ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. સંશમની વટી 13.30 લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-30 પોટેન્સિનો 1.5 કરોડ લોકોને મળી ગઈ છે. જોકે, મોટાભાગે તો સરકારી તંત્રના અધિકારીઓને દવા આપી દેવામાં આવી છે. પ્રજા સુધી આ દવા પહોંચી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયુર્વેદ ઊકાળા-દવાઓના ઘેર-ઘેર વિતરણ કરવા કહ્યું હતું. પણ ઘરે કોઈને મળ્યા નથી એવી ફરિયાદ તમામ સ્થળેથી મળી છે.
ત્યારે, રોગપ્રતિકારક શકિત વધારવા આયુર્વેદ દવાઓના ઉપયોગ માટે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે 7 ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત લાવવામાં આવ્યો છે.
જેમાં, 2490 કિ.ગ્રા. સંશમની વટી, 1440 કિ.ગ્રામ દશમૂલ કવાથ અને 10 હજાર કિ.ગ્રામ આયુષ-64 કેપ્સ્યુલનો સમાવેશ થાય છે.
આ દવાઓ 7 દિવસ માટે લેવાની હોય છે, 4.50 લાખ લોકોને આપાશે.
કોરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારવાની બાબતને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે, ત્યારે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીમાં પણ આવી આયુર્વેદ દવાઓ અકસીર પૂરવાર થઇ રહી છે તેનું ઉદાહરણ ગુજરાતે પુરૂં પાડયું છે.
રાજ્યમાં કોવિડ કેર સેન્ટરમાં એસિમ્ટોમેટીક 1211 દર્દીઓને આયુર્વેદ સારવાર અપાય છે અને 427 દર્દીઓ તો સાજા પણ થયા છે.
આયુર્વેદના રોગપ્રતિકારક ઊકાળા અમૃત પેયનું 568 સરકારી આયુર્વેદ દવાખાના તથા 38 હોસ્પિટલ દ્વારા રાજ્યમાં વિતરણ કરાય છે.
અમદાવાદમાં 2 લાખ ઘરોમાં આવી રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદ દવા – સંશમની વટી અને હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ-30નું આયોજનબદ્ધ ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવશે.