એરંડામાં ખેડૂતોના ભાવ દબાવી રૂ.5 હજાર કરોડની લૂંટ ચલાવતી વેપારી ગેંગ

CASTOR
CASTOR

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021

વેપારીઓની ગેંગે 40 ટકા ભાવ નીચા લઈ જઈને ખેડૂતોને લૂંટવા ષડયંત્ર કર્યું છે. છતાં ગુજરાત સરકારે કંઈ કર્યું નથી. ખેડૂતોનો નફાનો રૂપિયા 1500-1600નો માલ રૂપિયા 800માં ખરીદીને લૂંટવામાં આવી રહ્યો છે. જે ખરેખર સ્વામિનાથન સમિતિની ગણતરી પ્રમાણે ખેડૂતોને નફા માટે ભાવ રૂ.1500-1600  હોવો જોઈએ. જો 90 ટકા એરંડી વેચાઈ જાય તો, ગેંગની આ લૂંટ રૂ.5 હજાર કરોડ હોવાનો અંદાજ આંકડાઓ પરથી જણાય છે.

નીચા ભાવે ખરીદી

ગરીબ ખેડૂતોના એરંડા સસ્સામાં પડાવી લેવા માટે સતત 12 દિવસ કૃત્રિમ રીતે ભાવ નીચે લાવી દેવાયા છે. 12 દિવસ પહેલાં રૂપિયા 1300નો ભાવ હતો કે આ ગેંગે ઘટાડીને રૂપિયા 800થી નીચે લાવીને લાખો ટન એરંડી ખરીદી લીધી છે. આ લૂંટ વાયદા બજારમાં ચાલી છે. જેમાં સતત 12 દિવસ સુધી વધવા તો ન દીધા પણ 35થી 40 ટકા ઘટાડીને લૂંટ ચલાવી છે.

50થી 100 ટકા નફો

આ વર્ષે એરંડાનું વાવેતર લગભગ 40 ટકા ઘટી ગયું છે. જેની પાછળ આવી ગેંગ ઓછા ભાવ આપતી હોવાનું બહાર આવ્યું છે. ખેડૂતોનો 90 ટકા માલ પોતાના કબજામાં આવી ગયા બાદ ગેંગ દ્વારા ભાવ વધારાશે. જેમાં અબજો રૂપિયા આ વેપારી ગેંગ લૂંટી લેશે. ખેડૂતો લાચાર બનીને પોતાના રૂપિયા 100ના માલના રૂપિયા 125 કે 200 સુધી જોતા રહેશે.

તેજી લાવી લૂંટ થશે

ખેડૂતોએ એરંડા વેંચી દીધા બાદ ભાવમાં તેજી લાવવાની ચાલ ચાલવામાં આવી છે. કારણ કે 40 ટકા વાવેતર ઘટવા છતાં ભાવ વધવાના બદલે નીચા ગયા છે. જો નવા કાયદા પસાર થશે તો આવી લૂંટારું ગેંગ ખેડૂતોની વધું લુંટ કરશે.

30-40 ટકાનો ઘટાડો

2019માં 7.40 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. તેની સામે 2020માં 6.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ 1.02 લાખ હેક્ટર વાવેતર ઘટી ગયું છે. જે 13.78 ટકાનો ઘટાડો સૂચવે છે. આ આંકડા સરકારી છે પણ ખેડૂતોના મતે આ ઘટાડો 30થી 40 ટકા સુધી થયો છે.

કચ્છ આગળ

કચ્છમાં 1.26 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જે કોઈ એક જિલ્લામાં સૌથી વધું છે. ઝોન પ્રમાણે બીજા નંબર પર છે.

ઉત્તર ગુજરાતમાં રાજ્યનું 50 ટકા વાવેતર

દિવેલાનું સૌથી વધું વાવેતર 3.39 લાખ હેક્ટર એટલે કે ગુજરાતના 50 ટકા ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં થયું છે. જેમાં બનાવકાંઠા 1 લાખ હેક્ટર, પાટણ 1 લાખ હેક્ટર, મહેસાણા 80 હજાર હેક્ટર જમીનમાં વાવેતર ગયા વર્ષે થયા હતા.

કૃષિ વિભાગના ઘારણા ખોટી પડી

2020-21માં ગુજરાતના કૃષિ વિભાગે ગણતરી મૂકી હતી કે 6.43 લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થશે. ખરેખર તો 6.38 લાખ થયું હતું આમ 5 હજાર હેક્ટર ઘટાડો થયો હોવાનું કૃષિ વિભાગ માને છે. પણ ખેડૂતોના મતે 5 લાખ હેક્ટરથી વધું વાવેતર થયું ન હતું.

હેક્ટરે ઉત્પાદનની ધારણા

હેક્ટરે 2293 કિલોના ઉત્પાદનની સાથે કુલ ઉત્પાદન 14.74 લાખ ટન થવાની ધારણા કૃષિ વિભાગે વાવેતર પહેલાં મૂકી હતી. પણ તેનાથી પણ નીચું ઉત્પાદન ગયું છે.

10 લાખ ટન ઉત્પાદન

ખેડૂતોના મતે વાસ્તવમાં ઉત્પાદન  10 લાખ ટનથી વધું નથી. આમ વાવેતર તો ઓછું છે જ પણ ઉત્પાદન પણ ઓછું છે. જે આ ગેંગ સારી રીતે જાણતી હતી. તેમ છતાં ભાવને તોડી નાંખીને ખેડૂતોને લૂંટી લેવાયા છે.

5 હજાર કરોડની લૂંટ

75થી 100 કરોડ કિલોના ઉત્પાદનમાં એક કિલોના રૂ.40 મળે છે. જે ખરેખર રૂપિયા 80 મળવા જોઈતા હતા. કુલ 100 કરોડ કિલોના ઉત્પાદનથી રૂપિયા 4થી 6 હજાર કરોડ ખેડૂતોને મળી શકે. જે ખરેખર રૂપિયા 8થી 12 હજાર કરોડ મળવા જોઈતા હતા. આમ સરેરાશ રૂપિયા 5 હજાર કરોડની લૂંટ થઈ શકે છે. જો બધો માલ વેચાય અને આ ગેંગ ખરીદે તો આ નુકસાન થઈ શકે છે. આ માત્ર આંકડાકિય ધારણા છે.

ઉત્તર ગુજરાતની સટ્ટા ગેંગ

આમ ભાવ ઘટવાનું કારણ પણ ઉત્તર ગુજરાતની વેપારી ગેંગો છે. ડીસા આસપાસ આ ગેંગ સક્રિય છે. ભાવ તોડતી ગેંગના કારણે સૌથી વધું નુકસાન આ 3 જિલ્લાઓને થયું છે. આ ત્રણ જિલ્લાઓ ભાજપ સરકારને સમર્થન કરતાં હોવા છતાં આવી ખરાબ હાલત કરી મૂકવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાત બચી ગયા

વડોદરા, અમદાવાદ, ખેડા જિલ્લાના ખેડૂતોને પણ સારું એવું નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતની ગેંગના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ગયા ચોમાસામાં સુરેન્દ્ર નગરને બાદ કરતાં ક્યાંય વાવેતર થયા ન હતા. દક્ષિણ ગુજરાતમાં એરંડા પાકતાં નથી. તેથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ખેડૂતો બચી ગયા છે.