વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા

16 Mar, 2021

ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગાંધીના ગુજરાતમાં જ્યાંથી વહીવટ કરવામાં આવે છે એટલે કે જે વિધાનસભામાંથી નિયમો ઘડવામાં આવે છે તે વિધાનસભાની આસપાસ દારૂબંધીના નિયમો લાગુ થતા નથી, તો પછી ગુજરાતમાં ક્યાંથી થાય. વારંવાર ગુજરાતમાંથી લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પકડાયો હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો કેટલીક જગ્યાઓ પર દારૂની ભઠ્ઠીઓ પકડાઈ હોવાનું પણ સામે આવે છે.

ગાંધીનગર ચમકવું છે તે ગ્રુપના સભ્યો સાથે પૂર્વ રેન્જ IG હસમુખ પટેલ દ્વારા ગાંધીનગરમાં વિધાનસભાની પાછળના વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ દરમિયાન વિધાનસભાની પાછળની જગ્યાઓની સફાઈ કરતા સમયે વિદેશી દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂની બોટલોના જથ્થા સાથેના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ કિસ્સા પરથી રાજ્યમાં દારૂબંધીના કાયદાઓનું ચીરહરણ થયું હોય એવું ચિત્ર ઉપસી આવે છે. વિધાનસભાની પાછળના વિસ્તારમાં આવેલી ઝાડીઓમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂ મળી આવતા પોલીસ અને સરકારની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

મહત્ત્વની વાત છે કે, ગાંધીનગર ચમકવું છે તે ગ્રુપ ગાંધીનગર સચિવાલય પાછળ આવેલા છ રોડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી રહ્યું છે અને તે વિધાનસભાની પાછળ આવેલી ઝાડીઓ સ્વચ્છ કરવાની કામગીરી કરી રહ્યું છે. આ કામગીરી હાથ ધરતાં દારૂની બોટલ વિધાનસભામાં પાછળથી મળી આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના સત્ર દરમિયાન સરકાર દ્વારા જ જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં બે વર્ષમાં 198.30 કરોડ રૂપિયાનો વિદેશી દારુ જપ્ત કરવામાં આવ્યો છે. 3.65 કરોડ રૂપિયાનો દેશી દારુ અને 13.18 કરોડના બીયરના ટીન કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 68.60 કરોડ રૂપિયાનો ગાંજો અને ડ્રગ્સનું મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પરથી સ્પષ્ટ થયું છે કે, 2019 કરતા 2020માં દારૂનો વધારે જથ્થો ઝડપાયો છે.