ગુજરાતમાં 3 મહિનામાં સૂર્ય ઉર્જાના નાના 5 હજાર પ્રોજેક્ટ બનાવવા સરકારની મંજૂરી માંગી

ગાંધીનગર, 5 જાન્યુઆરી 2021

500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સૂર્ય ઉર્જાના પ્રોજેકટ માટે રાજ્યમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 સુધીના 3 મહિનામાં 5192 પ્રોજેક્ટ માટે મંજૂરી માંગવામાં આવી છે.

3536 નાના સોલર પ્રોજેકટ માટે ક્ષમતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 1283 મેગાવોટના 1766 પ્રોજેક્ટ, પશ્ચિમ ગુજરાતમાં 1955 મેગાવોટની 2945 પ્રોજેક્ટ, દક્ષિણ ગુજરાતમાં 118 મેગાવોટની 168 પ્રોજેક્ટ અને મધ્ય ગુજરાતમાં 180 મેગાવોટની 313 અરજીઓ મળેલી છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ કોઈપણ વ્યક્તિ, ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલી સંસ્થા, ૦.5 મેગાવોટથી 4 મેગાવોટ સુધીનો સ્મોલ સ્કેલ પાવર પ્રોજેકટ સ્થાપી રાજ્યની વીજ કંપનીઓને આ ઉત્પાદિત ઊર્જાનું વેચાણ કરી શકે છે.

રાજ્યની વીજ કંપનીઓ આ ઉત્પાદિત ઊર્જા ખરીદવા માટે 25 વર્ષના કરાર કરશે. આ ઉત્પાદિત ઊર્જા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા સોલાર પાર્ક સિવાયના પ્રોજેકટ માટે કરવામાં આવેલ બિડીંગ પ્રક્રિયામાં નક્કી થયેલા ભાવથી 20 પૈસા વધુ ભાવે ખરીદવામાં આવે છે.

ખાનગી જમીન ધરાવતા હોય તે જમીન ઉપર અથવા પીપીએના સમયગાળા માટે ખાનગી જમીન લીઝ ઉપર લઈ પ્રોજેકટ સ્થાપી કરાર કરી શકે છે.

પોલિસી હેઠળ કોઈપણ પ્રોજેકટ માટે સરકારી જમીન ઉપયોગ માટે આપવામાં આવશે નહીં. વધુમાં આ યોજના હેઠળ 4 મેગાવોટથી વધુની ક્ષમતાનો પાવર પ્લાન્ટ સ્થાપી શકાશે નહીં.

રાજ્યના ખેડૂતો તેમની બિનઉપજાઉ જમીન ઉપર ખેડૂત પોતે પ્રોજેકટ સ્થાપીને કે જમીનને લીઝ ઉપર આપીને આવક પ્રાપ્ત કરી શકશે. આ પ્રકારના નાના સોલાર પ્રોજેકટ સ્થપાવાના કારણે જે તે વિસ્તારમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.

દેશમાં પ્રથમ વખત રાજ્યમાં સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેકટ નીતિ અમલમાં મુકવાની જાહેરાત કરી હતી. સોલાર પાર્કસમાં ભાગ ન લઈ શકે તેવા નાના વીજ ઉત્પાદકો જેવા કે, ખેડૂતો, નાના સાહસિકો, સહકારી મંડળીઓ કે કંપનીઓને સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે અત્યંત આશીર્વાદરૂપ બનવાની છે.

માટે નાના વીજ ઉત્પાદકો કે જે મોટા સોલાર પ્રોજેકટ સ્થાપવા સક્ષમ ન હોય તેઓ પોતાની ખાનગી જમીન પર કે ખાનગી જમીન લીઝ પર મેળવી આવા નાના સોલાર પ્રોજેકટ સ્થાપી શકે છે.