નવી દિલ્હી 04-03-2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકે એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડના સંદર્ભમાં ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા 100% સીધા વિદેશી મૂડી રોકાણની પરવાનગી આપવા માટે વર્તમાન એફડીઆઈ નીતિમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% સુધી એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડમાં સીધું વિદેશી મૂડી રોકાણની પરવાનગી આપવાનો છે.
વર્તમાન એફડીઆઈ નીતિ અનુસાર શીડ્યુલ્ડ એર ટ્રાન્સપોર્ટ સર્વિસ/ ડોમેસ્ટિક શીડ્યુલ્ડ પેસેન્જર એરલાઈન (49% સુધી ઓટોમેટીક અને 49% બાદ સરકારી માધ્યમ વડે)ની અંદર 100% એફડીઆઈની પરવાનગી આપવામાં આવી છે. આમ છતાં, એનઆરઆઈ માટે શીડ્યુલ્ડ એર ટ્રાન્સપોર્ટ સેવાઓ/ ડોમેસ્ટિક શીડ્યુલ્ડ પેસેન્જર એર લાઈન્સની અંદર ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% એફડીઆઈની પરવાનગી આપવામાં આવેલ છે. આ ઉપરાંત. એફડીઆઈ એ શરતને અધીન છે કે એરક્રાફ્ટ નિયમો, 1937 અનુસાર જરૂરી માલિકી અને અસરકારક નિયંત્રણ (એસઓઈસી) ભારતીય નાગરિકોના હાથમાં આપવામાં આવશે. આમ છતાં. વર્તમાન નીતિ અનુસાર એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડ માટેનું વિદેશી મૂડી રોકાણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 49%થી વધુ નહી હોય. આ બાબત એ શરતને આધિન છે કે એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડની જરૂરી માલિકી અને અસરકારક નિયંત્રણ ભારતીય નાગરિકોના હાથમાં જ રહેશે. આથી, શીડ્યુલ્ડ એર ટ્રાન્સપોર્ટ સેવાઓ/ ડોમેસ્ટિક શીડ્યુલ્ડ પેસેન્જર એરલાઈન્સની અંદર ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% એફડીઆઈની પરવાનગી આપવામાં આવી છે, તેમ છતાં એમ/એસ એર ઇન્ડિયાના કેસમાં તે માત્ર 49% સુધી જ મર્યાદિત રહેશે.
ફાયદાઓ:
ભારત સરકાર દ્વારા એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડના 100% પ્રસ્તાવિત વ્યુહાત્મક ડીસઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખતા હવે એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડની અંદર સરકારની કોઇપણ પ્રકારની માલિકી બાકી નહી રહે અને હવે તે સંપૂર્ણ રીતે ખાનગી માલિકીની બની જશે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે એમ/એસ એર ઇન્ડિયાની અંદર વિદેશી રોકાણને અન્ય શીડ્યુલ્ડ એર લાઈન ઓપરેટર્સને સમાંતર કક્ષાએ લાવવામાં આવશે. એફડીઆઈ નીતિમાં કરવામાં આવેલ આ સુધારાઓ વડે એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડની અંદર વિદેશી રોકાણ અન્ય શીડ્યુલ્ડ એર લાઈન ઓપરેટર્સની સમાંતરે જ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ રોકાણ એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડની અંદર એવા એનઆરઆઈ દ્વારા કે જેઓ ભારતીય નાગરિકતા ધરાવે છે તેમના દ્વારા 100% સુધી કરી શકાશે. એફડીઆઈ નીતિમાં પ્રસ્તાવિત આ ફેરફારો ઓટોમેટીક રૂટ અંતર્ગત એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડની અંદર એનઆરઆઈ દ્વારા 100% સુધીના વિદેશી મૂડી રોકાણને સક્ષમ બનાવશે.
એફડીઆઈ નીતિમાં ઉપરોક્ત સૂચવેલ આ સુધારાનો ઉદ્દેશ્ય એફડીઆઈ નીતિના ઉદારીકરણ કરવાનો અને તેને વધુ સરળ બનાવવાનો છે જેથી દેશમાં વેપાર કરવાની સરળતા પૂરી પાડી શકાય કે જે આગળ જતા સૌથી મોટા એફડીઆઈને ખેંચી શકે અને આ રીતે રોકાણ, આવક અને રોજગારીમાં વૃદ્ધિ કરવામાં યોગદાન આપી શકે.
પાર્શ્વભૂમિકા:
એફડીઆઈ એ દેશના આર્થિક વૃદ્ધિનું મોટું સંચાલક ઘટક અને આર્થિક વિકાસ માટે બિન ધિરાણયુક્ત નાણાનો સ્ત્રોત છે. એફડીઆઈ નીતિની સતત ચાલતી પ્રક્રિયા અંતર્ગત સમીક્ષા કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય દેશમાં મોટા પ્રમાણમાં વિદેશી રોકાણને આકર્ષિત કરવાનો હોય છે. સરકારે એફડીઆઈ ઉપર રોકાણકાર માટે અનુકુળ નીતિ રજૂ કરી છે જે અંતર્ગત મોટા ભાગના ક્ષેત્રો અને પ્રવૃત્તિઓમાં ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% એફડીઆઈની પરવાનગી આપવામાં આવી છે.
ભારતને એક આકર્ષક રોકાણ માટેનું ગંતવ્યસ્થાન બનાવવા માટે છેલ્લા કેટલાક સમયમાં એફડીઆઈ નીતિની જોગવાઈઓને અનેક જુદા જુદા ક્ષેત્રોમાં સતત ઉદાર બનાવવામાં આવી છે. તેમાંના કેટલાક ક્ષેત્રોમાં ડીફેન્સ બાંધકામ વિકાસ, ટ્રેડીંગ, ફાર્માસ્યુટિકલ, પાવર એક્સચેન્જ, વીમા ક્ષેત્ર, પેન્શન, અન્ય નાણાકીય સેવાઓ, એસેટ રીકન્સ્ટ્રકશન કંપનીઓ, બ્રોડકાસ્ટિંગ, સિંગલ બ્રાંડ રીટેલ ટ્રેડીંગ, કોલસા ખાણ, ડીજીટલ મીડિયા વગેરેનો સમાવેશ થાય છે.
આ સુધારાઓ વડે છેલ્લા કેટલાક સમયમાં રેકોર્ડ એફડીઆઈના પ્રવાહને આકર્ષિત કરી ભારતમાં મોટું યોગદાન આપવામાં આવ્યું છે. ભારતમાં 2014-15માં એફડીઆઈનો પ્રવાહ 45.15 બિલીયન અમેરિકી ડોલર રહ્યો હતો અને હવે તે ત્યારથી સતત વધી રહ્યો છે. એફડીઆઈનો પ્રવાહ 2015-16માં 55.56 બિલીયન અમેરિકી ડોલર, 2016-17માં 60.22 બિલીયન અમેરિકી ડોલર, 2017-18માં 60.97 બિલીયન અમેરિકી ડોલર થયો છે અને છેલ્લા નાણાકીય વર્ષ 2018-19માં આ એફડીઆઈ પ્રવાહ દેશમાં અત્યાર સુધીનો સૌથી વધુ એટલે કે 62.૦૦ બિલીયન અમેરિકી ડોલર (પ્રોવિઝનલ ફિગર) નોંધાયો છે. છેલ્લા સાડા 9 વર્ષ દરમિયાન (એપ્રિલ 2000- સપ્ટેમ્બર 2019) કુલ એફડીઆઈ પ્રવાહ 642 બિલીયન અમેરિકી ડોલર રહ્યો છે જ્યારે છેલ્લા સાડા 5 વર્ષ દરમિયાન (એપ્રિલ 2014-સપ્ટેમ્બર 2019) દરમિયાન મેળવવામાં આવેલ કુલ એફડીઆઈ પ્રવાહ 319 અમેરિકી ડોલર રહ્યો છે કે જે છેલ્લા સાડા 9 વર્ષના કુલ એફડીઆઈ પ્રવાહના 50% જેટલો છે.
વૈશ્વિક એફડીઆઈ પ્રવાહને છેલ્લા કેટલાક વર્ષોથી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુએનસીટીએડીના વિશ્વ રોકાણ અહેવાલ 2019માં જણાવ્યા અનુસાર વર્ષ 2018માં વૈશ્વિક સીધા વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ)માં 13%નો ઘટાડો જોવા મળ્યો છે અને પાછલા વર્ષે તે 1.૩ ટ્રીલીયન અમેરિકી ડોલર સુધી નીચે ઉતરી ગયો છે કે જે સતત ત્રીજા વર્ષે જોવા મળેલ ઘટાડો છે. વૈશ્વિક પરિદ્રશ્ય નબળું હોવા છતાં ભારત વૈશ્વિક એફડીઆઈ પ્રવાહને આકર્ષવા માટે ભારત પ્રથમ પસંદગીનું અને આકર્ષક સ્થળ યથાવત જળવાયેલું રહ્યું છે. આમ છતાં, એવું અનુભવવામાં આવે છે કે દેશમાં એફડીઆઈ નીતિના ક્ષેત્રને વધુ ઉદાર અને સરળ બનાવીને હજુ અનેકગણા વધારે વિદેશી રોકાણને આકર્ષવાની ક્ષમતા રહેલી છે.