જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વર્ષથી પડી રહી

રાજકોટ, 9 એપ્રિલ 2021
ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે.

રાજકોટ રેલવે ડિવિઝનમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવે કોચ દર્દીઓના કામે આવતા નથી. ઉપયોગ કર્યા વગરના ખાલી પડ્યા છે. ધૂળ ખાઈ રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર રેલવે કોચને આઈસોલેશન વૉર્ડમાં ફેરવવામાં આવ્યા છે. આ માટે રૂ.1 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે.

એક કોચમાં નવ કેબિન છે. આઠમાં દર્દી અને એકમાં તબીબી સ્ટાફ રહી શકે છે. કુલ એક કોચમાં 16 દર્દીઓની સારવાર થઈ શકે છે. કુલ 20 કોચમાં સારવાર આપવામાં આવે તો કુલ 320 કોરોના દર્દીને સારવાર મળી રહે.

રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં કુલ 100 કોચ આ પ્રકારના તૈયાર છે. અહીં એક પણ કોરોના દર્દીની સારવાર થતી નથી. રેલવે હોસ્પિટલનો ઉપયોગ થતો નથી.

વેન્ટિલેટરથી તૈયાર આ કોચ દર્દીને કામ આવી શકતા નથી.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 590 દર્દીની ક્ષમતા છે.