ગુજરાતમાં એપીએમસીનો વેપારી ગમે તે સ્થળે વેપાર કરી શકશે, ખાનગી બજાર, ખાસ બજાર, ઈ-માર્કેટ, સીધી ખરીદી બજાર, ખેડૂત-ગ્રાહક બજારો મંજૂર

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર 2020

ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (સુધારા) વિધેયક-2020 ગુજરાત વિધાનસભાએ 28 સપ્ટેમ્બર 2020એ પસાર કર્યું છે. રાજયમાં 224 ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યરત છે. ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડ નાણાંના સિધ્ધાંત પર કાર્ય કરે છે.

ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ-1963માં 2007માં સુધારા કરવામાં આવ્યા, જેમાં ખાનગી બજાર, ખાસ બજાર, ઈ-માર્કેટ, સીધી ખરીદી બજાર, ખેડૂત-ગ્રાહક બજારોનો સમાવેશ કરવામાં આવ્યો.2015માં ખેડૂત જ બજાર સમિતિના અધ્યક્ષ બની શકે છે. 2017માં બજાર સમિતિઓ ક્લીનીંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ, બ્રાન્ડિંગ કરી શકે, કોન્ટ્રાકટ ફાર્મિંગ કરી શકે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી.

ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મની વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે તથા આ પ્લેટફોર્મ સાથે કોઈ પણ ખાનગી વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, સાઈલોના માલિક તેને માર્કેટ સબયાર્ડ તરીકે જાહેર કરી જોડાઈ શકશે. નવા ખરીદ-વેચાણ કેન્દ્રોની વ્યવસ્થા ઊભી થશે.

ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (સુધારા) વિધેયક-2020માં આદિજાતી વિસ્તારોમાં કાર્યરત એવા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા સંચાલિત એવા હાટ બજારોને તેઓની સામે પરામર્શ કરી બજાર સમિતિના નિયંત્રણ હેઠળ લાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

સમગ્ર રાજયને એક બજાર જાહેર કરી, વેપારીઓને સિંગલ યુનિફાઈડ લાઈસન્સ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂત સમગ્ર ગુજરાતમાં કોઈપણ એક બજાર સમિતિમાં ખેત ઉત્પાદન વેચી શકતો હતો. હવે સિંગલ યુનિફાઈડ લાઈસન્સની જોગવાઈથી ગુજરાતનો વેપારી એક જ લાઈસન્સથી સમગ્ર ગુજરાતની કોઈપણ બજાર સમિતિ, મુખ્યયાર્ડ, સબયાર્ડ, પ્રાઈવેટ માર્કેટ્યાર્ડમાં વેપાર કરી શકશે.

ગુજરાતનો ખેડુત સમગ્ર રાજ્યમાં ગમે ત્યાં ખેત ઉત્પાદનનું વેચાણ કરી શકે છે તેવી જ રીતે ગુજરાતનો વેપારી સમગ્ર રાજ્યમાં ગમે ત્યાં વેપાર કરી શકશે.

હાલની પરિસ્થિતિમાં બજાર સમિતિએ લાયસન્સ આપેલા વેપારીઓ જ હરાજીમાં હાલ ભાગ લેતા હતા, પરંતુ હવે યુનિફાઈડ લાયસન્સધારક વેપારી તમામ બજારોમાં વેપારની છુટ મળતા મોટાભાગના વેપારીઓ, વેપારી પેઢીઓ હરાજીમાં ભાગ લેવાનું ચાલુ કરશે.

માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં બજાર સમિતિમાં વેચાણ અર્થે આવતા કુલ ખેત ઉત્પાદન પૈકી 30 ટકા ખેત ઉત્પાદન ગુજરાત સિવાયના ઓછામાં ઓછા બે રાજ્યોમાંથી આવતું હોય તો તે બજાર સમિતિને “એમ.એન.આઈ” એટલે કે માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કરી શકાશે. જેનાથી બજાર સમિતિ રાષ્ટ્રીયક્ષેત્રે પોતાની હાજરી નોંધાવી શકશે. અન્ય રાજ્યો સાથેની તેની વ્યાપારિક સહભાગીદારીતામાં પણ વધારો થશે.

ખેત ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખેડુત પ્રતિનિધિઓની સંખ્યા જે 8ની છે તેના બદલે 10 કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

બજાર સમિતિઓ પોતાના યાર્ડ, સબયાર્ડમાં જ થતાં વેપાર પર સેસ લઇ શકશે તેવી જોગવાઈ કરી છે.

ખાનગી વ્યક્તિ સંચાલિત વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, સાયલોને માર્કેટ સબયાર્ડ તરીકે જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

બજાર સમિતિ દ્વારા અધિકૃત થયેલ અધિકારીને બજાર સમિતિના મુખ્ય યાર્ડ કે સબ યાર્ડમાં થયેલ દબાણોને દુર કરવાની સત્તા મળશે.

બજાર સમિતિઓએ લોન લેતા પહેલા તથા મિલકત ખરીદી અને વેચાણ માટે નિયામકશ્રીની પૂર્વ મંજુરી લેવી આવશ્યક રહેશે.

કોઈ પણ વ્યક્તિ, બજાર સમિતિમાં સતત બે થી વધુ મુદ્દત માટે ચેરમેન કે વાઈસ ચેરમેન તરીકે રહી શકશે નહી.

રાજય સરકારની એજન્સી ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મની રચના કરી તે પ્લેટફોર્મ ચલાવશે. જે હેઠળના લાયસન્સ આપવાની કામગીરી પણ કરવામાં આવશે. આ જોગવાઈથી ખાનગી માર્કેટયાર્ડ, વેર હાઉસ, સાઈલો, કોલ્ડ સ્ટોરેજને પણ ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.

ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડને વધું સત્તા. રાજયની બજાર સમિતિઓની સાથે સાથે ખાનગી માર્કેટ યાર્ડ પણ માર્કેટિંગ બોર્ડ કે રાજય સરકાર ઠરાવે તે રીતે 2 ટકાની મર્યાદામાં બોર્ડના “વિકાસ ફંડ”માં ફાળો આપવાનો રહેશે. ખાનગી માર્કેટ યાર્ડ પોતાની આવકનો ઠરાવવામાં આવે તે રીતે 2 ટકાથી વધુ નહીં તેટલો ફાળો આપશે. ખાનગી માર્કેટ યાર્ડ આપેલ ફાળાની રકમમાંથી સંબંધિત સ્થાનિક બજાર સમિતિને 80 ટકા રકમ આપવામાં આવશે. 20 ટકા રકમ બોર્ડને મળશે.

આ સુધારા વિધેયકથી 28 જેટલી વ્યાખ્યામાં ફેરફાર અથવા ઉમેરો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતની વ્યાખ્યાને વધુ વ્યાપક અને વિસ્તૃત બનાવવામાં આવી છે, ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીની વ્યાખ્યા ઉમેરવામાં આવી છે, આ ઉપરાંત ઈલેક્ટ્રોનીક ટ્રેડિંગ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવી નવી વ્યાખ્યા ઉમેરવામાં આવી છે. જેથી કાયદાને વધુ સ્પષ્ટ બનાવી શકાય. આ વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયું હતુ.
રાજ્ય સહકાર મંત્રી ઈશ્વર પટેલે વિધેયક રજૂ કર્યું હતું.

બજાર સમિતિની સંગ્રહક્ષમતામાં વધારો થાય તે માટે રાજય સરકારે આ વર્ષે બજાર સમિતિઓમાં 5 હજાર મેટ્રીક ટનના ગોડાઉન સ્થાપવાની રૂ।.100 કરોડની નવી યોજના પણ શરૂ કરી છે.