[:gj]આરટીઓ એજન્ટની મદદથી કારમાલિકની જાણ બહાર કાર વેચી દેવાઈ[:]

[:gj]અમદાવાદ,તા:16  આરટીઓ એજન્ટની મદદથી કારને ફાઈનાન્સ કંપનીની જાણ બહાર જ વેચી મારવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે ફાઈનાન્સ કંપનીના મેનેજરે વાડજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

જમાલપુરના રહેવાસી સરફરાઝ શેખે ઈન્કમટેક્સ ખાતેની શ્રીરામ ફાઈનાન્સ પાસેથી રૂ.5.50 લાખની લોન લીધી હતી, અને તે માટે 15 હજારના 40 અને 9400ના 20 હપતા બાંધ્યા હતા. જે પેટે ફાઈનાન્સ કંપની દ્વારા કારની આર.સી. બુકમાં અને અમદાવાદ આરટીઓમાં ફાઈનાન્સ કંપનીની એચપી હોવાની નોંધ કરાવી હતી, જેથી ફાઈનાન્સ કંપનીની જાણ બહાર કારનું વેચાણ ન થઈ શકે.

કારની લોન કરાવ્યા બાદ જો કે સરફરાઝે પ્રથમ મહિનાથી જ હપતા ભર્યા નહોતા. હપતા ન ભરતાં સરફરાઝના જમાલપુર ખાતેના નિવાસસ્થાને તપાસ કરાઈ હતી, જ્યાં સરફરાઝ તે તેની કાર મળ્યાં નહોતાં. ઉપરાંત સરફરાઝે ફોન પર પણ વાજબી જવાબ આપ્યો નહોતો. જો કે સરફરાઝે તરત જ ત્રણ હપતા ભરી આપ્યા હતા. તે સમયે ફાઈનાન્સ કંપનીએ આરટીઓમાં તપાસ કરાવી હતી, જેમાં કંપની દ્વારા મુકાયેલું ચાલુ જ હતું.

આરટીઓમાં તપાસ કરાવ્યાના પંદર દિવસ બાદ ઓડિટ દરમિયાન આરટીઓની આરસીમાં ફાઈનાન્સ કંપનીનું એચપી મળ્યું નહોતું. આ અંગે તપાસ કરાવતાં જાણવા મળ્યું હતું કે આરટીઓ એજન્ટ સંજય દેસાઈએ ફાઈનાન્સ કંપનીનું બોગસ એનઓસી અને અન્ય કાગળ રજૂ કરી એચપી કેન્સલ કરાવી દીધું હતું. ઉપરાંત સુરત આરટીઓનું એનઓસી બનાવી સુરતના ઘનશ્યામ સાવલિયાના નામે કારને ટ્રાન્સફર પણ કરી દેવાઈ હતી. બાદમાં કારને વિજય માંડવિયા નામની વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી તેના પર ફરીથી ફાઈનાન્સ પણ લેવામાં આવ્યું હતું.

આ સમગ્ર કૌભાંડની જાણ થતાં ફાઈનાન્સ કંપનીના મેનેજરે વાડજ પોલીસ સ્ટેશને સરફરાઝ શેખ, જામીનદાર સુલતાન સૈયદ અને આરટીઓ એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.[:]