[:gj]એસટી વોલ્વોની સવારી અસલામત સવારી[:]

[:gj]એસટીની વોલ્વોનો ડ્રાઈવર લાયસન્સ વિના બસ ચલાવે છે

રાજુલા પાસે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન રૂ. 3000નો દંડ વસૂલવામાં આવ્યો

ગાંધીનગર

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)માં ખાનગી ઓપરેટર્સ દ્વારા ચાલતી વોલ્વોના ચાલક ડ્રાઈવિંગ લાઈસન્સ વગર બસ ચલાવતા હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે. એસટીની વોલ્વો જે અમરેલીથી આવી રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન બસનો ચાલક લાયસન્સ સાથે રાખ્યા વગર બસ ચલાવતો પકડાયો હતો. અને ટ્રાફિક પોલીસે વગર લાઈસન્સે બસ ચલાવવા બદલ તેની પાસેથી સ્થળ પર સમાધાન શુલ્ક પેટે નવા નિયમો અનુસાર રૂ. 3000નો દંડ પણ વસૂલ્યો હતો. આ વાતની જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ખબર પડી ત્યારે તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે એસટીની સવારી સલામત સવારીનો નારો આપનાર ગુજરાત સરકારના એસટી નિગમના અધિકારીઓ દ્વારા વગર લાઈસન્સે બસ ચલાવતા ડ્રાઈવર સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી જેના કારણે આવા ડ્રાઈવરો બસ હંકારીને મુસાફરોના જીવ સાથે મોટી રમત રમી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં જો બસને અકસ્માત થાય તો જવાબદાર કોણ એવો સવાલ પણ મુસાફરો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

શું છે ઘટના?

આ ઘટનાની વિગતો એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે વોલ્વોની બસ સેવા શરૂ કરવામાં આવી છે. એસટીની વોલ્વો બસ સેવા ખાનગી સંચાલક દ્વારા ચલાવવામાં આવે છે. આ વોલ્વોની સવારી હાલમાં આદિનાથ બલ્ક પ્રા. લિ. દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ બસ સંચાલકની બસ નંબર જીજે07-વાયઝેડ-6385 નંબરની બસ અમરેલીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. બસમાં અંદાજે 20 જેટલા મુસાફરો હતા. આ મુસાફરોએ સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આ બસમાં પોતાની સફરની શરૂઆત કરી હતી. પરંતુ તેમને ખ્યાલ નહોતો કે બસના ચાલક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે બસ લગભગ 11.40 વાગે રાજુલા પહોંચી ત્યારે વાહન વ્યવહારના નવા નિયમોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ડ્રાઈવ ચાલી રહી હતી તે સમયે બસના ચાલકનું લાઈસન્સ ફરજ પરના અધિકારીએ માંગતા તેની પાસે લાઈસન્સ નહોતું. ત્યારે અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે એસટીની વોલ્વોના ચાલક પાસે લાઈસન્સ નહોતું અને તે બસ હંકારીને અમદાવાદ જઈ રહ્યો હતો. આ સંજોગોમાં તેમણે સ્થળ પર જ વગર લાઈસન્સે વાહન હંકારવા બદલ રૂ. 3000નો મેમો આપીને દંડ વસૂલ્યો હતો. આ વાતની મુસાફરોને ખબર પડતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને પોતની આગળની સફર સરળતાથી પાર પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા. કેમ કે, ચાલક પાસે લાઈસન્સ નહોતું અને જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ એવો સવાલ પણ તેમના મનમાં ઉઠ્યો હતો. આ અંગે બસમાં મુસાફરી કરી રહેલા સુરેશ પટેલે જણાવ્યું કે, સરકારના એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આટલી મોટી બેદરકારી કઈ રીતે દાખવવામાં આવી. ડ્રાઈવર પાસે લાઈસન્સ ન હોવા છતાં પણ બસ ચલાવવા કેવી રીતે આપી. આ માટે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની તેમણે માગણી કરી હતી.

અધિકારીઓનો બચાવ કરતા સોનલ મિશ્રા

સામાન્ય રીતે એસટી વિભાગમાં બસ ચલાવનાર ડ્રાઈવર જ્યારે પણ બસ લઈને નીકળે છે ત્યારે જે તે અધિકારીની જવાબદારી હોય છે કે તે ડ્રાઈવર પાસે લાઈસન્સ છે કે નહિ, પરંતુ મોટી મોટી વાતો કરનારી રાજ્ય સરકારના એસટી વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે આવા કિસ્સા બને છે. આ અંગે જ્યારે એસટી વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર સોનલ મિશ્રાનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે અધિકારીઓનો લૂલો બચાવ કરતાં કહ્યું કે, અધિકારીઓ નિયમિત લાયસન્સ ચેક કરતાં જ હોય છે. સાથે બસના ચાલકની પણ એટલી જ જવાબદારી છે કે તેણે પોતાનું લાઈસન્સ સાથે રાખવું જોઈએ. આ લાઈસન્સ સાથે ન રાખીને બસ ચાલકે ભૂલ કરી છે અને તેના ભાગરૂપે જ તેને દંડ ફટકારીને ટ્રાફિક પોલીસે એક પાઠ ભણાવ્યો છે. જોકે તેઓ અધિકારીની ભૂલ હોવાનો સ્વીકાર કરવા તૈયાર નહોતા. તેઓ એક જ વાતનું રટણ કરતાં હતાં કે, ડ્રાઈવરની બેદરકારી છે તેમાં અધિકારી જવાબદાર નથી.

ખાનગી ઓપરેટર્સની 180 બસો એસટીમાં ચાલે છે

લોકોને સવલત આપવાના નામે અને ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટેના રૂપાળા ઓથા હેઠળ એસટી નિગમ દ્વારા ખાનગી વોલ્વો ઓપરેટર્સને લાખો રૂપિયાની લ્હાણી કરી રહ્યું છે. પણ સાથે સાથે ખાનગી ઓપરેટર્સના બસ ચાલકો દ્વારા વગર લાઈસન્સે વાહન હંકારવામાં આવી રહ્યા છે તેને પણ નજર અંદાજ કરી રહ્યું છે. ખાનગી ઓપરેટર્સની એસી અને વોલ્વો એમ કુલ મળીને 180 બસો એસટીમાં ચાલી રહી છે. જે તમામ નિગમને અને સરકારને મોટા ખર્ચના ખાડામાં ઉતારવા સિવાય અન્ય કોઈ કાર્ય નહિ કરતી હોવાનું પણ હાલમાં જ પુરવાર થયું છે. એક અંદાજ મુજબ એસટી નિગમ દ્વારા ખાનગી ઓપરેટર્સને આ બસો ચલાવવા માટે કિલોમીટર દીઠ રૂ. 48 ચૂકવવામાં આવે છે. ટૂંકમાં વર્ષે દહાડે અંદાજે કરોડો રૂપિયા આ બસ સંચાલકોને ચૂકવવામાં આવે છે. એક બાજુ એસટીની રાજ્યમાં શરૂઆત થઈ ત્યારથી આજદિન સુધી તે ખોટમાં જ ચાલી રહી છે ત્યારે આ રીતે ખાનગી ઓપરેટર્સને કરોડો રૂપિયા આપવા પાછળનું કારણ આપવા કોઈ સક્ષમ અધિકારી તૈયાર નથી.

 [:]