[:gj]કોર્ટમાં પાસપોર્ટ હોવા છતાં અન્ય રિન્યૂ પાસપોર્ટ ઉપર વિદેશ પ્રવાસ કર્યો હતો[:]

[:gj]અમદાવાદ, તા. 19

વિવાદાસ્પદ વિપુલ ચૌધરીનો પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં પણ રિન્યૂ કરાવેલા અન્ય પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કરવા સામે રાજ્ય સરકારે વિપુલ ચૌધરીનાં જામીન રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કોર્ટે જે તે સમયે તેમને દાણ કૌભાંડમાં શરતી જામીન આપ્યા હતા તેનો સરેઆમ ભંગ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અરજી સંદર્ભે હવે સાગર દાણ કૌભાંડનાં કેસ ઉપરાંત પાસપોર્ટ કૌભાંડમાં પણ તેમની સામે કેસ થાય એવી શક્યતાઓ નકારી શકાય નહિ.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સાગર દાણ કૌભાંડ કેસમાં સંડોવાયેલા ભાજપનાં ભૂતપૂર્વ નેતા અને ડેરી ઉદ્યોગનાં જાણીતા નેતા વિવાદાસ્પદ વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીનાં જામીન રદ્દ કરવા માટે એક અરજી કરી છે અને તાત્કાલિક અસરથી ચૌધરીનાં જામીન રદ્દ કરવાની માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાગર દાણ કૌભાંડમાં સંડોવાયેલા વિપુલ ચૌધરીને આ કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે જામીન આપવામાં આવ્યા ત્યારે કોર્ટે તેમનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો. અને તે સંદર્ભે તેમણે પાસપોર્ટ પણ જમા કરાવ્યો હતો. પરંતુ, તેમનાં અન્ય એક પાસપોર્ટને તેમણે રિન્યૂ કરાવીને જામીન મળ્યાં પછી વિદેશ પ્રવાસ કર્યો હતો. આ સંદર્ભે કોર્ટમાં પણ અગાઉ એક અરજી કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે વિપુલ ચૌધરીનાં જામીન રદ્દ કરવાની અરજી કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે અને સાથે સાથે રાજકીય ગરમાવો પણ આવી ગયો છે.[:]