[:gj]તબીબોએ ૮૦ ટકા વળી ગયેલી કરોડરજ્જુની જટિલ સર્જરી કરી યુવતીને નવજીવન આપ્યું[:]

[:gj]અમદાવાદ, તા. 23

શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એંસી ટકા વળી ગયેલી કરોડરજ્જુની અત્યંત જટિલ કહી શકાય એવી સર્જરી કરી સુરતની ૨૮ વર્ષીય યુવતી નવજીવન બક્ષ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી અગાઉ માંડ પાંચ ફૂટ સુધીનું જોઈ શકતી યુવતીની વાંકી કરોડરજ્જુ સીધી થઈ જતાં હવે પગભર થઈ સામાન્ય જીવન જીવી શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતની ૨૮ વર્ષની ઝરીના શેખ નામની યુવતીને એક દાયકા અગાઉ કરોડરજ્જુની તકલીફ થઈ હતી. જેથી ધીમે ધીમે તેની કરોડરજ્જુ વાંકી વળતી જતી હતી. ઝરીનાની આ તકલીફ એ હદે વધી ગઈ કે એક સમય એવો તેની કરોડરજ્જુ લગભગ ૮૦ ટકા જેટલી વળી ગઈ હતી.

આ તકલીફને કારણે માતાપિતાનો સહારો ગુમાવી ચૂકેલી ઝરીનાને તેનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ મોટો પ્રશ્ન હતો. આ સંજોગોમાં કરોડરજ્જુની  મોંઘીદાટ સારવાર ઝરીનાને પરવડે એમ નહોતી. સાડી વાળવાથી માંડીને નાના મોટા કામ કરી ઝરીના તેનું ગુજરાન ચલાવતી હતી. આ બિમારીનું નિદાન કરવા તેણે સુરતના વિવિધ તબીબોની સલાહ લીધી હતી. જો કે, સુરતમાં આ ઓપરેશન ન થતું હોવાથી તબીબોએ તેને મુંબઇ અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવા સલાહ આપી હતી.

જેથી બે અઠવાડિયા પહેલાં તે પોતાના સગા સાથે સિવિલ હોસ્પિટલમાં આવી હતી. ડો એમ એમ પ્રભાકરના માર્ગદર્શન હેઠળ ઝરીનાની વિવિધ તપાસ સિવિલ હોસ્પિટલના પ્રો. ડો. જે. પી. મોદી, ડો. મિતુલ મિસ્ત્રીએ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં આ પ્રકારની છઠ્ઠી સર્જરી થઈ હોવાનું ડો. પ્રભાકર જણાવે છે. રિપોર્ટ આવી ગયા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. છ કલાકની ભારે જહેમત બાદ તબીબોએ સફળ સર્જરી કરી હતી. હવે તે એકદમ સ્વસ્થ છે અને સીધી ચાલી શકે છે અને પોતાના રોજિંદા કાર્યો પણ ધીરે ધીરે કરી શકશે અને તે કામ કરી પગભર પણ થઈ શકશે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, આ બહુ જટિલ સર્જરી હોય છે. જેમાં કરોડરજ્જૂ અથવા ચેતાતંત્રને નુકશાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો કે, અમારી ટીમે છ કલાકની ભારે જહેમત બાદ યુવતીનું સફળ ઓપરેશન કર્યું છે.

આ અંગે ડો. જે. પી. મોદી અને ડો. મિતુલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, યુવતીના કરોડરજ્જૂમાં 20 સ્ક્રૂ નાખી સીધુ કરી દેવામાં આવ્યું છે. યુવતી હવે સીધી ચાલી શકે છે. આ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો તબીબો 3થી 5 લાખ સુધીનો ખર્ચ લેતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન નિઃશૂલ્ક કરવામાં આવ્યું છે. જેટલું જલદી આ રોગનું નિદાન થાય તેટલું સારુ પરિણામ આવી શકે છે. આ બિમારી યુવા અવસ્થા એટલે કે 15થી 25 વર્ષની વય સુધી શરૂ થઈ જાય છે. જો જલદી ખબર પડી જાય તો બિમારી ફિઝિયોથેરાપી કરાવી અટકાવી શકાય છે. આ ઉપરાંત ઓપરેશન દ્વારા પણ બિમારી રોકી શકાય છે. પરંતુ તે માટે યોગ્ય તબીબનો સંપર્ક કરવો મહત્વનું હોય છે.[:]