[:gj]દિપડાએ પાંચ ઘેટાંનું મારણ કર્યુઃ દિપડાને ભગાડવા આવેલા પરિવારને ઘાયલ કર્યા[:]

[:gj]ભાવનગર,તા.12

બગદાણામાં પશુધન સાથે વાડી વિસ્તારમાં પડાવ નાખી દેતા એક માલધારી પરિવાર પર દિપડાએ હુમલો કરી ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે 5 ઘેટાનું પણ મારણ કર્યું હતું. આ બનાવથી વગડે વસવાટ કરતા પશુપાલકોમાં ભય ફેલાઇ ગયો છે. ઘેટા-બકરાની જોકમાં શિકાર માટે દિપડો ઘુસતા બચાવ માટે ધસી ગયેલા માલધારી પરિવારનાં સભ્યોને દિપડાએ નિશાન બનાવ્યાં  હતા અને ઇજાગ્રસ્ત કરી દીધાં હતાં.

 

ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના વાવડી ગામની સીમમાં આવેલ દડ વિડી વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આસપાસના ગામડાઓમાંથી અનેક માલધારી પરિવારો પોતાના પશુઓને લઈને ચોમાસા-શિયાળાની ઋતુના સમાપન સુધી હંગામી ધોરણે પડાવ નાખતાં હોય છે અને જંગલ વિસ્તારમાં પોતાના દુધાળા પશુઓને ચરાવી જીવન નિવાર્હ ચલાવે છે જેમાં માલધારી રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી દર વર્ષે પોતાના ઘેટાં-બકરા સાથે ભંડારીયાની વીડીમાં આવી કામચલાઉ ઝૂંપડી બાંધી પશુપાલન કરે છે જેમાં ગત રાત્રે દીપડો ત્યાં આવી ચડયો હતો અને માલધારી પરિવાર કશું સમજે વિચારે એ પૂર્વે એક બાદ એક ઘેટાંઆેને નિશાન બનાવતાં હાજર માલધારીઓએ દીપડાનો પ્રતિકાર કરતાં દીપડાએ માલધારીઓ પર હુમલો કર્યો હતો. જેમાં રત્નાભાઈ સોલંકી ,મયાભાઇ ટોળીયા તથા મેહુલ સોલંકીને ઈજાઓ થઇ હતી. આસપાસનાં અન્ય ગોવાળોને હુમલાની જાણ થતાં તેઓ મદદે દોડી આવ્યાં હતાં જ્યારે ત્રણેય ઈજાગ્રસ્તોને બાઈક પર પ્રથમ બગદાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્યાં પ્રાથમિક સારવાર બાદ 108 દ્વારા તળાજા અને તળાજાથી વધુ સારવાર અર્થે  ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયાં રત્નાભાઈની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ પાલિતાણા ફોરેસ્ટ વિભાગને થતાં અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.[:]