[:gj]દુર્ઘટના બાદ બંધ પડેલી રાઈડ ચાલુ કરવા બે પ્રધાનોએ દખલગીરી કરવી પડી[:]

[:gj]હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ, તા. 25
અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના તદ્દન વાહિયાત અને આળસુ તંત્રનો ઉત્તમ દાખલો કાંકરીયામાં છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી રાઈડો છે. ઘટનાને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંધ પડેલી બાળકોની રાઈડને શરૂ કરવા માટે કોઈના પેટનું પાણી પણ હાલતું નથી. છેવટે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા રાઈડના ઓપરેટરોએ ચાલુ સપ્તાહે ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજા અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને જઈને રજૂઆત કરતાં શુક્રવારે રોડ એન્ડ બિલ્ડીંગના કેટલાક ટેકનિકલ સ્ટાફને રાડઈના ઈન્સ્પેકશન માટે ગાંધીનગરથી દબાણ કરી મોકલવામાં આવ્યા હતા.

અત્યંત આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, કાંકરીયા ખાતે બોટીંગ તેમજ અન્ય રાઈડ ચલાવતાં ઓપરેટરો સોમ, મંગળ અને બુધવારે ગાંધીનગર જઈને પ્રદીપ જાડેજા અને નીતિન પટેલને મળ્યા હતા અને રાઈડ બંધ હોવા અંગે રજૂઆત કરી હતી. બન્ને પ્રધાનોએ તેમની રજૂઆત સાંભળીને ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતા સિંઘને ફોન કરીને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે જણાવ્યું હતું.

સવારથી ઈસ્પેકશન

ગાંધીનગરથી દબાણ આવતાં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અઘિકારીઓએ શુક્રવાર સવારથી જ કાંકરીયામાં ધામા નાખીને જે રાઈડ ચાલુ કરવાથી નુકશાન થાય તેમ છે કે નહિ તે ચકાસવાનું શરૂ કરી દીધું હતું. લગભગ બપોરના 1 વાગ્યાથી શરૂ થયેલી ચકાસણી મોડી સાંજ સુધી ચાલુ રહી હોવાનું સુત્રોએ જનસત્તાને જણાવ્યું હતું.

અમદાવાદ સિવાય તમામ શહેરોમાં રાઈડ ચાલુ

14મી જુલાઈએ કાંકરીયાની ઘનશ્યાન પટેલની પેન્ડ્યુલમ રાઈડ તૂટી પડ્યા બાદ બોટીંગ, બલૂન અને ટોય ટ્રેન સહિતની તમામ રાઈડ બંધ કરાવી દેવામાં આવી હતી. મેયર અને કમિશનરને પણ ઓપરેટરો દ્વારા અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહોતું. ઘટના બાદ સમગ્ર ગુજરાતની તમામ રાઈડ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, અમદાવાદને બાદ કરતાં બાકીના તમામ શહેરોમાં નાની મોટી રાઈડ ચાલુ કરી દેવામાં આવી હતી.

કોણે કર્યું ઈન્સ્પેકશન?

સૂત્રોના જણાવ્યા અનુસાર, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના ટેકનિકલ વિભાગના કે એમ પટેલ, ચંદ્રકાંત મુનિયા, ટ્રાફિક એસીપી મુનિયા, કાંકરિયા લેકના ડાયરેક્ટર ડો. આર કે સાહુ અને ફાયરના અધિકારીઓ ઈન્સ્પેકશન વખતે હાજર હતાં.

બલૂનમાં શું જોવાનું?

અધિકારીઓ જ્યારે બલૂન ચેક કરવાં ગયાં ત્યારે પ્રથમ તો તેમને એ જ ખબર ના પડી કે તેમાં ચેક શું કરવાનું. એટલે બલૂનના ઓપરેટરો તેમને તમામ વિગતો સમજાવવી પડી. જ્યારે અધિકારીઓને ખબર પડી કે બલૂન વિદેશની બનાવટનું છે તો તેમણે ઓપરેટરોને પુછ્યું કે તમે અત્યાર સુધી અમારી પરમિશન નહોતી લીધી તો હવે શું કરવા લેવી છે.

જનસત્તાએ સંપર્ક કર્યો

આ અંગે પૃછા કરવા જનસત્તાએ નીતિન પટેલ અને પ્રદીપ જાડેજાનો વારંવાર સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના ફોન પર સતત રીંગ વાગતી હતી. કાંકરીયા ખાતે રાઈડ ચલાવતાં ઓપરટરોને પણ આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઈન્સ્પેક્શન ચાલુ છે તે સિવાય વધારે માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. એસીએસ હોમ સંગીતા સિંઘનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ પણ ઉપલબ્ધ નહોતા.

શનિવારે પરમિશન મળી શકે

ખોડલ કોર્પોરેશનના હિતેન્દ્રભાઈ શાહે જનસત્તાને જણાવ્યું કે, ઈન્સ્પેકશન પુરૂં થઈ ગયું છે અને રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ તેમના સુપ્રિન્ટેન્ડન્ટને જઈને રીપોર્ટ કરશે અને ત્યારબાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. શનિવાર સુધીમાં પરમિશન મળી જવાની શક્યતાઓ છે.

શું હતી ઘટના?

જુલાઈ 14, 2019ને રવિવારના રોજ કાંકરીયા ખાતે આવેલા એડવેન્ચર પાર્કની પેન્ડ્યુલમ રાઈડ શાફ્ટના સળીયાના તૂટી જવાના કારણે ધરાશાયી થઈ હતી. સાંજના સમયે બનેલી ઘટના વખતે તે રાઈડમાં અંદાજે 30 પ્રવાસીઓ બેઠા હતા. તે પૈકીના 3ના મોત નીપજ્યાં હતાં અને અન્ય 27ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની પોલીસ ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંઘવામાં આવી હતી અને રાઈડના ઓપરેટર ઘનશ્યામ ભાઈ પટેલ સહિત અન્ય ચાર લોકોની ઘરપકડ પણ કરવામાં આવી હતી.[:]