[:gj]નરેન્દ્ર મોદી દિવસના ચાર કલાક ટ્રાફિકનું નિયમન કરે છે[:]

[:gj]અકસ્માતમાં પોતાના સ્વજન ગુમાવનારની ખ્વાહિશ

અમદાવાદ

શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે થતાં અકસ્માતના કારણે ટ્રાફિક પોલીસ પણ પરેશાન છે. ત્યારે આવી સમસ્યાઓમાં મદદરૂપ થવા માટે એક વરિષ્ઠ નાગરિક સ્વૈચ્છિક સેવાઓ આપીને ટ્રાફિકનું નિયમન કરી ઉત્તમ સમાજસેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ જીવરાજ પાર્ક ચાર રસ્તા પર દિવસના ચાર કલાક ટ્રાફિકનું નિયમન કરતાં નરેન્દ્ર મોદીની. જેઓ દિવસના ચાર કલાક ટ્રાફિકથી ધમધમતા જીવરાજ પાર્ક ચાર રસ્તા પર ત્રણ વર્ષથી ટ્રાફિકનું નિયમન કરવા પહોંચી જાય છે.

કેવી રીતે મળી પ્રેરણા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ માનતા આ નરેન્દ્ર મોદી પોતે અનાજના વેપારી છે. તેઓ નિયમિત સવારે બે કલાક અને સાંજે બે કલાક પોતાનો વેપાર બાજુ પર મુકીને ટ્રાફિકનું નિયમન કરવામાં મદદરૂપ થવા પહોંચી જાય છે. તેમની આ સેવા આપવા પાછળનું કારણ કહેતાં તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. કેમ કે, વર્ષ 2012માં જીવરાજ પાર્ક બ્રીજ પર થયેલા અકસ્માતમાં તેમણે તેમના ભાઈને ગુમાવ્યા હતા. આ અકસ્માત બાદ તેમના ભાઈને લગભગ એક વર્ષ જેટલું પીડાવું પડ્યું હતું અને અંતે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બસ ત્યારથી જ નરેન્દ્રભાઈએ મનોમન નક્કી કરી લીધું કે મારા સ્વજનને તો ગુમાવ્યા છે. પણ બીજા કોઈ પોતાના સ્વજન ન ગુમાવે માટે તેમણે જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસને મદદ કરવાનું શરૂ કરી દીધું.

ટ્રાફિક પોલીસની મદદ મળી

ભાઈને ગુમાવ્યા બાદ તેમણે નક્કી કર્યું કે ટ્રાફિકની સમસ્યાથી પરેશાન ટ્રાફિક પોલીસને મદદ કરવી અને તે માટે આજથી ત્રણ વર્ષ પહેલાં આ વિસ્તારમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર ઝાલાને મળ્યાં અને તેમણે પોતાનો વિચાર રજૂ કર્યો. આ વિચારને અમલમાં મૂકવા માટે પીઆઈ ઝાલાએ તેમને પૂરતી મદદ કરી અને આજે તેઓ ત્રણ વર્ષથી સવારે 10થી 12 અને સાંજે 7થી 9 દરમિયાન જીવરાજ પાર્ક ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિકના નિયમન માટે માનદ સેવા આપી રહ્યા છે.

મેણાં ટોણાં બહુ સાંભળ્યા

ટ્રાફિકનું નિયમન કરતી વખતે નરેન્દ્ર મોદીને વાહનચાલકો દ્વારા અનેકવાર કડવા અનુભવ પણ થયાં છે. આ અંગે તેઓ કહે છે કે ઘણી વખત વાહનચાલકો તેમને એવા મેણાં ટોણાં મારે છે કે તેમને મારવાનું મન થઈ જાય. મોટાભાગે વાહનચાલકો તેમને માટે એવું કહેતા હોય છે કે ઘરમાંથી કાઢી મૂક્યા લાગે છે, પત્ની સાથે નહિ બનતું હોય એટલે અહીં છે, પરિવાર સાથે ઝઘડો થયો હશે એટલે વાહનચાલકોને પરેશાન કરે છે. આ પ્રકારના મેણાં ટોણાં સાંભળીને હવે ટેવાઈ ગયો હોવાનું નરેન્દ્ર મોદી કહે છે. તેઓ આગળ કહે છે કે ઘણાં વાહનચાલકો એટલા વ્યવસ્થિત હોય છે કે તેઓ હંમેશા ટ્રાફિક પોલીસ અને મને સહયોગ કરે છે.

માનદ સેવાનો પુરસ્કાર શું?

ત્રણ ત્રણ વર્ષથી સતત દિવસના પોતાના વેપારધંધાને છોડીને ટ્રાફિકના નિયમન માટે માનદ સેવા આપતા નરેન્દ્ર મોદીને જ્યારે પૂછ્યું કે તમને ટ્રાફિક પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા આ માટે કોઈ પુરસ્કાર આપવામાં આવ્યો છે, ત્યારે તેઓ કહે છે પુરસ્કાર મેળવવાના આશયથી આ સેવા નથી કરી રહ્યો. મને મારા સ્વજન ગુમાવ્યાનું દુઃખ છે એટલે બીજાના સ્વજન તેમના પરિવારને છોડીને ન જાય તે માટે હું આ કાર્ય કરી રહ્યો છું. મને ટ્રાફિક પોલીસ દ્વારા શબ્દોનો પુરસ્કાર મળતો રહે છે એ મારે માટે કોઈ મોટા પુરસ્કાર કરતાં વધુ અમૂલ્ય છે.

 [:]