[:gj]બુલેટ ટ્રેનના સરવે માટે ડુમરાલ આવેલાં અધિકારીઓને ભગાડ્યા[:]

[:gj]નડિયાદ – નડિયાદ નજીક ડુમરાલ ગામમાં બુલેટ ટ્રેનનો સરવે કરવા આવેલી 10 સભ્યોની એક ટૂકડીનો વિરોધ થતાં સ્થળ પરથી તેમણે ભાગી છૂટવું પડ્યું હતું. જમીન સંપાદન અને સ્થળ માર્કિંગ માટે આવ્યા હતા. ગ્રામજનોએ ગામને પાયાની સુવિધા અને રસ્તાઓ ન આપતાં બુલેટ ટ્રેનની કામગીરી માટે જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ગામની પાસેથી નેશનલ હાઈવે બન્યા બાદ નડિયાદ આવતા ૩ જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે.

ગ્રામજનોના વિરોધનો ભોગ બનેલા અધિકારીઓ વિલા મોંએ પરત ફરવા મજબૂર બન્યા હતા. બુલેટ ટ્રેનના વિરોધ માટે અગાઉ અધિકારીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં સમસ્યાનો હકારાત્મક ઉકેલ ન આવતા ગ્રામજનો વિફર્યા હતા, આજે પ્રોજેક્ટના વિરોધ માટે ગામના વૃધ્ધોથી માંડી બાળકો સુધી તમામ લોકો જાહેરમાં આવીને વિરોધ કર્યો હતો.

જિલ્લાના ડુમરાલ ગ્રામ પંચાયત દ્વારા તેમના ગામની જમીન નહીં આપવા અંગે કલેક્ટરને લેખિતમાં જણાવી દીધું હતું. આ સંદર્ભે ગામ લોકો કલેક્ટરને મળ્યા હતા. ગામનું કહેવું છે કે અહીં અગાઉ રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યો ત્યારે જમીન ગઈ અને રસ્તો પણ ગયો જેવી હાલત થઈ છે. ગામ લોકોએ જમીન આપી ત્યારથી આજ સુધી તકલીફ ભોગવી રહ્યાં છે. ડુમરાલ ગામના સરપંચ હેતલ પટેલે કલેક્ટરને સ્પષ્ટ કહી દીધું હતું  કે, રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યા તે પહેલાં નજીકના શહેર નડિયાદ જવા માટે ત્રણ રસ્તા હતા. હવે તેમાંનો એક પણ રહ્યો નથી. આમારા આવવા અને જવાના હક્કો છીનવી લેવામાં આવ્યા છે. હવે નડિયાદ જવું હોય તો 6 કિલોમીટર ફરીને પીજ થઈને જવું પડે છે અથવા પીપલગ થઈને 3 કિલોમીટર ફરવું પડે છે. અગાઉ જૂનો માર્ગ હતો તે 1.50 કિલોમીટરનો હતો. જે પોદાર શાળા થઈને જતો હતો. જે બંધ કરી દઈને રાષ્ટ્રીય ધોરી માર્ગે અમારા હક્ક છીનવી લીધા છે. વળી ગામના ખેડૂતોને ધોરી માર્ગને ઓળંગતા પણ પારાવાર તકલીફ પડે છે.

નવો રસ્તો આપવા માટે ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરી હોવા છતાં અમે ચૂંટેલી સરકાર અમારું જ સાંભળતી નથી. વિદેશમાં તો પ્રાણીઓને આવવા જવા માટે માર્ગની નીચે કે ઉપર રસ્તા બનાવવામાં આવે છે. અમે તો અમારી જમીન આપી છે છતાં અમને એક માર્ગ આપવામાં આવતો નથી. ત્યારે બુલેટ ટ્રેન માટે અમે જમીન આપી દીધા પછી તો અમારું કોઈ સાંભવાનું નથી. તો પછી શા માટે જમીન આપવી. તેથી બુલેટ ટ્રેન માટે અસહકાર આપવાનું ગામના લોકોએ નક્કી કર્યું છે. મૂળ માર્ગ આપવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની પણ સ્પષ્ટ ચેતવણી કલેક્ટરને આપી દીધી છે.[:]