[:gj]ભલે હાઈકોર્ટમાં હાર થઈ હોય પણ લડાઈ બાકી છે…[:]

[:gj]અમદાવાદ, તા. 19 

મોદી સરકારના અતિ મહત્વાકાંક્ષી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. ગુજરાતના હાઈકોર્ટના જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ખેડૂતોની વળતરની માગણીનો વિકલ્પ ખુલ્લો રાખીને અન્ય માગણીઓ ફગાવી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી છે. હાઈકોર્ટે આપેલા આ ચુકાદાને આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવાનો નિર્ણય અસરગ્રસ્ત લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

જમીન અધિગ્રહણ સંદર્ભે રાજયના 1200થી વધુ ખેડુતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

આ અંગે અરજદારોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે દક્ષિણ ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાંથી જમીન સંપાદન મામલાનાં 59 જેટલી જુદી જુદી પિટિશન પર ચુકાદો આપ્યો છે. આ સાથે 1000 જેટલા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામા આપ્યા છે. જેમાં જણાવ્યું છે કે તેમણે જમીન સંપાદનની પ્રક્રિયા અંગે સહમતી દર્શાવી નથી. તેમની સહમતી વગર જ ગુજરાત સરકાર જમીન સંપાદીત કરી રહી છે. આ મામલે તેમણે એવું ઉમેર્યું કે, આ જમીન સંપાદનના કારણે ગુજરાતના લગભગ 15 હજાર જેટલા અસરગ્રસ્તો છે. જેમને સરકાર દ્વારા જંત્રી કરતા 4 ગણું વળતર આપવાની વાતને ખેડૂતો નકારી રહ્યા છે. સુનાવણી દરમિયાન ખેડૂતોની રજૂઆત હતી કે જમીન અમારી જીવાદોરી છે, તમે અમારા જીવનનું સંપાદન કરી રહ્યાં છો તો વર્તમાન બજારના ભાવ મુજબ અમને 4 ગણું વળતર આપો. યાજ્ઞિકે કહ્યું કે, ભલે હાઈકોર્ટમાં હાર થઈ હોય પણ લડાઈ બાકી છે.

યાજ્ઞિકે જણાવ્યું કે, અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ સંદર્ભે રાજ્યના 1200થી વધુ ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, તેમને જમીન અધિગ્રહણ કાયદો-2013 હેઠળ જણાવવામાં આવેલાં પુનઃસ્થાપન તથા પુનઃવસવાટ માટે પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. એનએચએઆઈ દ્વારા હાઈવે માટે, રેલવે દ્વારા ફ્રૅઇટ કૉરિડોર અને હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે તેમના વિસ્તારમાં ફળદ્રૂપ જમીનનું નિકંદન નીકળી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોએ શું માગણી કરી હતી?

ખેડૂતોની જમીન સંપાદન અંગે માગણી હતી કે, વળતરની રકમ  હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની રકમ ગુજરાત રાજ્ય સરકારનાં જમીન સંપાદન કાયદા પ્રમાણે નહીં પરંતુ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે.

158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી

નોંધનીય છે કે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (એનએચએસઆરએલ)ના ડાયરેકટરના કહેવા મુજબ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ(સીએસટી)થી અમદાવાદના સાબરમતી જંક્શન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ થશે. જેમાં જમીન સંપાદીત કરવા માટે રૂ. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં 158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે, જેમાં માત્ર 15 ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ તકલીફ પડી છે.

ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાશે

આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ના કે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ થવું જોઈએ. જો કે, હાઇકોર્ટના ચુકાદા બાદ ખેડૂતોને બજાર કિંમત કરતા પણ ઓછી રકમનું વળતર ચૂકવશે. પાછલી અસરથી કેન્દ્ર સરકારે કાયદામાં કરેલા ફેરફારને પણ હાઇકોર્ટે માન્ય ગણાવ્યા છે. આંતરરાજ્ય પ્રોજેક્ટ હોવા છતાં પણ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી રાજ્ય સરકારને જમીન સંપાદન માટેની બહાલી આપી છે. જેને લઇને ખેડૂતો દ્વારા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.

 [:]