[:gj]મારી દિકરી ઈશરત નિર્દોષ હતી, તેને ન્યાય મળે તે માટે પંદર વર્ષથી લડતા હવે હું થાકી ગઈ છું[:]

[:gj]અમદાવાદ,તા.01

વર્ષ 2004માં  અમદાવાદ પોલીસે કોતરપુર વોટર વર્કસ પાસે કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાન સહિત ચાર વ્યકિતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર બનાવટી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો હતો. આ મામલે પહેલા ગુજરાત પોલીસની એસઆઈટી અને બાદમાં સીબીઆઈએ કેસ સંભાળ્યો હતો હતો, પરંતુ આ ઘટનાના 15-15 વર્ષ બાદ ન્યાય મળતો નથી તેવી હતાશા સાથે ઈશરતની માતા શમીમા કૌસર દ્વારા અમદાવાદની સીબીઆઈ કોર્ટને આજે એક લેખિત પત્ર આપતા જણાવ્યુ હતુ કે મારી દિકરી ઈશરત નિદોર્ષ હતી, પણ તેને ન્યાય મળે તે માટે પંદર પંદર વર્ષથી લડતા હવે હું થાકી ગઈ છુ. ન્યાય મળશે તેવી આશા ગુમાવી ચુકી છુ, તેથી મે આ કેસમાંથી હવે હટી જવાનો નિર્ણય કર્યો છે અને કોર્ટમાં મારા કેસની પેરવી કરતા મારા વકિલોને પણ કેસમાંથી હટી જવાનું કહી દીધુ છે. હવે  આ મામલે સીબીઆઈ અને આરોપીઓ જે ઈચ્છતા હશે તે થશે.

2004માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે ડી જી વણઝારા હતા ત્યારે કોતરપુર વોટર વર્કસ પાસે પોલીસ ઈશરત સહિત જાવેદ પીલ્લઈ, અમઝદ અને જીશાનને ઠાર માર્યા હતા પોલીસનો દાવો હતો કે ચારે આંતકી હતા અને નરેન્દ્ર મોદીની હત્યા માટે ગાંધીનગર પહોંચે તે પહેલા તેઓ ઠાર થયા હતા, આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન થતાં આ મામલે એક એસઆઈટી બનાવવામાં આવી હતી જેમાં એસઆઈટી દ્વારા પોલીસની કહેવાથી અથડામણ ઉપર શંકા ઉપજાવતો એક રીપોર્ટ કરવામાં આવતા આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો, જેમાં સીબીઆઈએ પોતાની તપાસમાં સાબીત કર્યુ હતું કે પોલીસની અથડામણની વાત ખોટી છે ખરેખર આ ચારે વ્યકિતઓ અગાઉથી પોલીસ કસ્ટડીમાં હતી જેમને પોલીસે આતંકી કહી મારી નાખ્યા હતા.

પંદર વર્ષ પહેલા થયેલી હત્યાનો કેસ હાલમાં પણ સીબીઆઈ કોર્ટ સામે પડતર છે ત્યારે ઈશરતની માતાએ શમીમાએ કોર્ટને આપેલા પત્રમાં જણાવ્યુ કે મારી કોલેજ જતી દિકરી ઈશરત નિદોર્ષ હતી તેની હત્યા કરનારને સજા મળે અને દિકરીને ન્યાય મળે તે માટે લડી રહી હતી, પણ સાત સંતાની માતા એકલા હાથે કેટલુ લડે, હું અત્યંત સામાન્ય પરિવારમાંથી આવુ છુ મારી ઉપર પરિવારની જવાબદારી છે, ગુજરાત હાઈકોર્ટ સહિત અનેક કોર્ટનો ચક્કર મે  કાપ્યા છે, પણ જે રીતે કેસ ચાલી રહ્યો છે તેનાથી હું ત્રસ્ત છુ અને ન્યાય મળશે તેવી આશા ગુમાવી ચુકી છુ હવે લડવાની પણ હિમંત રહી નથી.

ઈશરતના કેસમાં જે રીતે થઈ રહ્યુ છે તેના કારણે મારી હિમંત તુટી ગઈ છે.  એક તરફ તમામ આરોપીઓ જામીન ઉપર છુટીને પોતાની નોકરીના સ્થળે હાજર થઈ ગયા છે જયારે આ કેસના મુખ્ય આરોપી એવા પી પી પાંડેય, ડીજી વણઝારા અને એન એક અમીનને કોર્ટ ડીસચાર્જ કરી ચુકી છે જયારે બાકીના આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી માટે રાજય સરકારને મંજુરીની આવશ્યકતા હોય છે તે મંજુરી આપવાનો રાજય સરકાર ઈન્કાર કરી રહી છે.  આ સ્થિતિમાં ન્યાય મળવાની સંભાવના રહી નથી. હું એકલી છુ અને કયાં સુધી લડવુ પડશે તેની ખબર નથી આથી આખરે હારી થાકી મેં મારા વકિલોને કહ્યુ છે કે હવે આ કેસમાં તેઓ મારી વતી લડશે નહીં કારણ મને ન્યાય  મળવાની કોઈ આશા દેખાઈ રહી નથી. હવે આ મામલે આરોપી-સીબીઆઈ અને કોર્ટ પોતાને યોગ્ય લાગે તે કાર્યવાહી કરી શકે છે

 [:]