મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રી મંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગો ફાળવ્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય મંત્રી મંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી છે.
જેમાં કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે જવાહરભાઈ પેથલજી ચાવડાને  (પ્રવાસન અને મત્સ્યોદ્યોગ  વિભાગ) અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે યોગેશભાઈ એન.પટેલને (નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) ધર્મેન્દ્રસિંહ  જાડેજાને (અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ) ના વિભાગની સોંપણી કરી છે.
તેમજ રાજ્ય મંત્રી વાસણભાઈ આહીરને  પ્રવાસન પ્રભાગનો  રાજ્યકક્ષાનો વધારાનો હવાલો તેમના હાલના વિભાગો ઉપરાંત સોંપવામાં આવ્યો છે.

મંત્રીશ્રીઓનો પરિચય ::

જવાહર પેથલજીભાઈ ચાવડા, કેબિનેટ કક્ષાના મંત્રી કેબિનેટ મંત્રી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા, વિધાનસભામાં ૮પ, માણાવદર મત વિભાગ(જૂનાગઢ)માંથી પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. તેઓ ૮મી ગુજરાત વિધાનસભા વર્ષ ૧૯૯૦- ૧૯૯૫, ૧રમી ગુજરાત વિધાનસભા વર્ષ ૨૦૦૭-૧ર અને ૧૩મી ગુજરાત વિધાનસભા વર્ષ ૨૦૧૨-૧૭માં પણ પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. જવાહરભાઈ ચાવડા જૂનાગઢની સુભાષ એકેડમીના અઘ્યક્ષ છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ. અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના અઘ્યક્ષ તરીકે સેવાઓ આપી રહયા છે.માણાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષ ૧૯૮૮થી તેમનું સક્રિય યોગદાન રહયું છે.

યોગેશ નારાયણભાઈ પટેલ, રાજયકક્ષાના મંત્રી
રાજયમંત્રી યોગેશભાઈ નારાયણભાઈ પટેલ, ૧૪મી ગુજરાત વિધાનસભામાં ૧૪૫, (માંજલપુર, વડોદરા) મત વિભાગમાંથી ચૂંટાઈને આવ્યા છે. તેમણે ડિપ્લોપમા-ઈન- એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. વર્ષ ૧૯૯૦ – ૧૯૯૫ ૮મી ગુજરાત વિધાનસભા, ૧૯૯૫- ૯૭માં ૯મી ગુજરાત વિધાનસભામાં, ૧૯૯૮-ર000માં ૧0મી ગુજરાત વિધાનસભામાં, વર્ષ ર00૭ દરમ્યાન ૧૧મી ગુજરાત વિધાનસભામાં, વર્ષ ર00૭-૧૨માં ૧રમી ગુજરાત વિધાનસભામાં અને વર્ષ ર0૧ર-૧૭માં ૧3મી ગુજરાત વિધાનસભામાં સભ્ય, તરીકે તેઓ પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે.

ધર્મેન્દ્ર મેરૂભા જાડેજા, રાજયકક્ષાના મંત્રી
રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા, વિધાનસભામાં ૭૮, જામનગર (ઉત્તર) મત વિભાગમાંથી ચૂંટાઈને આવ્યા છે. તેઓ વર્ષ ર0૧ર થી ર0૧૭માં તેરમી ગુજરાત વિધાનસભામાં પણ ચૂંટાયા હતા.
માનવસેવા જ જેમનું મુખ્ય ઘ્યેય છે એવા ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા વિવિધ બિનસરકારી સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, ચેરિટેબલ ટ્રસ્ટો્ અને વિદ્યાર્થી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહયા છે. વિદ્યાર્થી જીવન દરમ્યાન પણ વિવિધ સંગઠનો અને સાંસ્કૃતિક તથા રમત-ગમત પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહયું છે.