[:gj]મૂળ માર્ગ નહીં મળે તો બુલેટ ટ્રેનને પણ માર્ગ નહીં આપીએ[:]

[:gj]અમદાવાદ મુંબઈ વચ્ચે શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન સામે અમદાવાદથી લઈને મુંબઈ સુધી ભોગ બનનારા લોકો વિરોધ કરી રહ્યાં છે. ખેડા જિલ્લાના ઘણાં ખેડૂતોએ પોતાની જમીન જતી હોવાથી વિરોધ કર્યો છે. જિલ્લાના ડુમરાલ ગ્રામ પંચાયત દ્વારા તેમના ગામની જમીન નહીં આપવા અંગે કલેક્ટરને લેખિતમાં જણાવી દીધું છે. આ સંદર્ભે ગામ લોકો કલેક્ટરને મળ્યા હતા. ગામનું કહેવું છે કે અહીં અગાઉ રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યો ત્યારે જમીન ગઈ અને માર્ગ પણ ગયો જેવી હાલત થઈ છે. ગામ લોકોએ જમીન આપી ત્યારથી આજ સુધી તકલીફ ભોગવી રહ્યાં છે. ડુમરાલ ગામના સરપંચ હેતલ પટેલે કલેક્ટરને સ્પષ્ટ કહી દીધું છે કે, રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યા તે પહેલાં નજીકના શહેર નડિયાદ જવા માટે ત્રણ રસ્તા હતા. હવે તેમાંનો એક પણ રહ્યો નથી. આમારા આવવા અને જવાના હક્કો છીનવી લેવામાં આવ્યા છે. હવે નડિયાદ જવું હોય તો છ કિલો મીટર ફરીને પીજ થઈ ને જવું પડે છે. અથવા પીપલગ થઈને ત્રણ કિ.મી. ફરવું પડે છે. અગાઉ જુનો માર્ગ હતો તે 1.50 કિ.મી.નો હતો. જે પોદાર શાળાથઈને જતો હતો. જે બંધ કરી દઈને રાષ્ટ્રીય ધોરી માર્ગે અમારા હક્ક છીનવી લીધા છે. વળી ગામના ખેડૂતોને ધોરી માર્ગને ઓળંગતા પણ પારાવાર તકલીફ પડે છે. નવો રસ્તો આપવા માટે ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરી હોવા છતાં અમે ચૂંટેલી સરકારો અમારું જ સાંભળતી નથી. વિદેશમાં તો પ્રાણીઓને આવવા જવા માટે માર્ગની નીચે કે ઉપર રસ્તા બનાવવામાં આવે છે. અમે તો અમારી જમીન આપી છે છતાં અમને એક માર્ગ આપવામાં આવતો નથી. ત્યારે બુલેટ ટ્રેન માટે અમે જમીન આપી દીધા પછી તો અમારું કોઈ સાંભવાનું નથી. તો પછી શા માટે જમીન આપવી. તેથી બુલેટ ટ્રેન માટે અસહકાર આપવાનું ગામના લોકોએ નક્કી કર્યું છે. મૂળ માર્ગ આપવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની પણ સ્પષ્ટ ચેતવણી કલેક્ટરને આપી દીધી છે.[:]