[:gj]સરકાર નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં 5મી સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરે[:]

[:gj]અમદાવાદ, તા. 25

રાજ્યમાં હાલમાં જ પડેલા વરસાદમાં ભાલ પંથકમાં થયેલા નુકશાનીનો સર્વે કરવા હાઈકોર્ટે સૂચના આપી છે. આ ઉપરાંત સરકાર આ નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં તેનો રીપોર્ટ પણ રજૂ કરે એવો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અરજદારને પણ ગામ, જંગલ અને ખેતીની જમીનમાં થયેલા નુકશાની અંગેનાં પુરાવા રજૂ કરે એવો નિર્દેશ પણ આપ્યો હતો. આ કેસની વધુ સુનાવણી 5મી સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરવામાં આવશે.

આ અંગે મળતી વિગતો અનુસાર રાજ્યમાં તાજેતરમાં આફતનો વરસાદ પડ્યો હતો. જેમાં ભાલ પંથકનાં ધોલેરા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ હતી. ભાલ પંથકના ઘણાં ગામોમાં પાણી ફરી વળ્યા હતા અને સાથે સાથે ખેતરોમાં પણ પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરાઈ હતી. જેની સુનાવણી શુક્રવારે હાથ ધરાઈ હતી.

સુનાવણી દરમિયાન અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, હાલમાં જે વરસાદ પડ્યો તે ભાલ પંથક માટે આફતરૂપ સાબિત થયો હતો. આ વરસાદના કારણે ગામોમાં, જંગલોમાં તેમ જ ખેતીની જમીન પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું હતું. આ સંજોગોમાં રાજ્ય સરકારે અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવું જોઈએ એવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

ભાલ પંથકમાં મીઠું પકવવા માટે મોટા મોટા પાળા બાંધવાના કારણે તેમ જ ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા અને તેના કારણે પારાવાર નુકશાન લોકોને ઉઠાવવું પડ્યું છે. આ અગાઉ ભાવનગરની 20 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીન મીઠાના ઉત્પાદન માટે ફાળવતા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન પાળાને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા નુકશાન થયું હોવાની પણ રજૂઆત કરાઈ હતી.[:]