[:gj]હા, આ એલસી હીરાલાલ પરીખનું જ છે, સ્વાતંત્ર્યના જંગમાં ભાગ લેવા જ તેમણે અભ્યાસ છોડ્યો હતો[:]

[:gj]હેમીંગ્ટન જેમ્સ

અમદાવાદ, તા.21

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર આવેલા પત્રો, પ્રમાણપત્રો કે તસવીરોનો મનોરંજન અને આનંદ માટે ઉપયોગ કર્યા પછી મોબાઈલની ગેલેરીમાંથી તેને ડિલીટ કરી દેવામાં આવે છે. પણ આ વખતે ફોટોના રૂપમાં આવેલો એક કાગળ થોડો અલગ હતો અને તેમાં વાત હતી એક સ્વાતંત્ર સેનાનીની અને એટલે જ અમે તેને ગંભીરતાથી લીધો અને તપાસ ચાલુ કરી. સતત 48 કલાકની સધન તપાસ પછી અમે તસવીરમાં જેમનું નામ છે તે હીરાલાલ પરીખની ભાળ મેળવી. તેઓ મે 2004માં મૃત્યુ પામ્યા હતા પણ અમે ત્યાંથી અટક્યા નહીં અને તેમના સંતાનો સુધી પહોંચ્યા અને વાતના મૂળ સુધી જઈને ખરાઈ તપાસી. આ ફોટો છે તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો જેમાં એવું લખેલું છે કે તેમણે સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લેવા માટે શાળા છોડી હતી. લગભગ મોટાભાગના વ્હોટ્સએપ યુઝરે આ પ્રમાણપત્ર જોયું જ હશે.

શરૂઆત ક્યાંથી થઈ?
ઓગસ્ટની 14મી તારીખથી આ સમગ્ર વાત શરૂ થઈ. હીરાલાલ પરીખના બીજા નંબના પુત્ર નવીન હીરાભાઈ પરીખ કે જેઓ સુરતમાં રહે છે તેમની પાસેથી સુરતના વેદ દરવાજા પાસે અનોખી નામની દુકાન ચલાવતાં અને મૂળ થરાદના અશોક દોશીએ તે પ્રમાણપત્ર લીધું અને તેમના સમાજના જ એક થરાદ સમાજની પરિષદ નામના કોમન વ્હોટ્સએપ ગ્રુપ પર અપલોડ કર્યું. અને ત્યારથી તથા ત્યાંથી ગુજરાતના દરેક ખૂણામાં વ્હોટ્સએપ યુઝર પાસે આ પ્રમાણપત્ર પહોંચી ગયું. જુદા જુદા લોકોએ શાળાની મજાક ઉડાવી. કેટલાકે કઈંક બીજું લખ્યું. જનસત્તાએ પોતાના બહોળા નેટવર્કથી જ્યારે તપાસ આદરી ત્યારે આ વાત સામે આવી.

સારા હેતુથી વીડિયો અપલોડ કર્યો
નવીન કે જે હીરાલાલના બીજા નંબરના પુત્ર છે અને સુરતમાં રહે છે તેમણે અમને જણાવ્યું કે, રમેશ મારી પાસેથી આ પ્રમાણપત્રની નકલ લઈ ગયા હતા. એટલે એમણે કદાચ ફોટો બધાને મોકલાવ્યો હોઈ શકે. મારા બાપુજી પણ એક હસ્તી હતા. તે વખતે કોંગ્રેસમાં, ખાસ કરીને થરાદમાં તેમણે ધણી મહત્વની ભૂમીકા ભજવી હતી. અશોકભાઈને અમે મળ્યા ત્યારે તેમણે કબુલ્યું કે, વાત સાચી છે કે તે પ્રમાણપત્ર મેં અમારા ગ્રુપમાં નાનકડી વાર્તા સાથે અપલોડ કર્યું હતું, કારણ કે મને અમારા સમાજના જે લોકો સમાજ, રાજ્ય કે દેશ માટે સારું કામ કરે છે તેમને પ્રસિદ્ધિ મળે તેવું ગમે અને તેવો જ મારો હેતુ હતો.

પુત્ર શું કહે છે?


હીરાલાલકાકને કુલ પાંચ સંતાન હતા, બે પુત્રો અને ત્રણ પુત્રીઓ. તેમાંના એક પુષ્પાબેન તેમના પતિ પ્રવિણ બલ્લુ અને સંતાનો સાથે અમદાવાદમાં મીઠાખળી વિસ્તારમાં રહે છે. પ્રવિણે કહ્યું કે, મારી પાસે આ પ્રમાણપત્ર ઓછામાં ઓછી તોય પાંચ જગ્યાએથી આવ્યું. મને પણ આશ્ચર્ય તો થયું જ હતું પણ ચીંતા એટલી જ હતી કે લોકો તેને ખોટું ના સમજે અને મજાક ના ઉડાવે.

આ પ્રમાણપત્ર પર જે તારીખ અને વિગતો લખી છે બીલકુલ સાચી છે અને તેમાં કોઈ માહિતી ખોટી નથી. શાળામાંથી આ સર્ટિફિકેટ લેવામાં આવ્યું હતું જ્યારે મારા સસરા હીરાલાલના સ્વાતંત્ર્ય સેનાની માટેના પેન્શન માટે અમે પ્રયાસો કરી રહ્યા હતા. આજે એ વાતને ત્રીસ વર્ષ થયા પેન્શન તો શરૂ ના થયું પણ તેઓ આજની પેઢીમાં પણ પ્રચલિત થઈ ગયા. 1922નો એમનો જન્મ હતો અને જ્યારે તેમણે શાળા છોડી ત્યારે તેઓ 16 વર્ષના હતા એટલે એક વાત સ્પષ્ટ તો થાય છે કે સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લેવા માટે જ તેમણે શાળા છોડી હોઈ શકે અને તે જ વાત એલસીમાં લખેલી છે.

શું કહે છે શાળા?

સી પી પટેલ ફેલોશીપ હાઈસ્કૂલ કે જેનું એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તે પહેલાં ઘી કાંટા ખાતે આવેલી હતી પણ અત્યારે તે નેશનલ હાઈ-વે નંબર 8 પર ઠક્કરબાપા નગર ખાતે છે. જેના આચાર્ય પરષોત્તમ મંડલીએ જણાવ્યું કે, અમારી પાસે આ વાત આવી ત્યારે અમે તેની ખરાઈ કરી કારણ કે વાત અમારી શાળાની પ્રતિષ્ઠાની પણ હતી. અમે બરાબર ચેક કરી લીધું છે. એ સર્ટિફિકેટ સાચું છે અને તેમાં કોઈ વિગતો ખોટી નથી. તેની પર જે આચાર્યની સહી છે તે બી સી પટેલ તે વખતે અમારી શાળામાં આચાર્ય જ હતા.  હીરાલાલ પરીખ આમારી શાળાના વિદ્યાર્થી હતા અને એવું બને કે જ્યારે તેમણે શાળા છોડી ત્યારે 31 ઓગસ્ટ 1939ના સમયમાં સ્વતંત્રતાની લડાઈ ચાલતી હતી એટલે વિગતોમાં એવુ લખેલું હોઈ શકે પણ તે બાબતે વધારે કહીં શકાય નહીં.

કોણ હતા હીરાલાલ પરીખ?


હીરાલાલ મોહનલાલ પરીખ મૂળ થરાદમાં જન્મ્યા અને થરાદને જ તેમણે પોતાની કર્મભૂમિ બનાવી હતી. પોતાના જૈન સમાજ અને સ્થાનિકોના ઉદ્ધાર માટે તેમણે અનેક પ્રયાસો કર્યા હોવાનું તેમના સંતાનોનું કહેવું છે. થરાદ કોંગ્રેસના પ્રમુખ, થરાદ નાગરિક સહકારી મંડળીના વાઈસ ચેરમેન તેમજ જિલ્લા પોલીસ સહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત તેઓ તે વખતે અનેક સરકારી કમિટિઓમાં સલાહકાર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા.

પેન્શન ન મળ્યું
અમારા પિતા જ્યારે જીવતા હતા ત્યારથી અમે તેમના માટે પેન્શન શરૂ કરાવવા માટે અનેક પ્રયાસો કર્યા પણ અમને કોઈ સફળતા મળી નહીં. સરકારમાં વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળતું પણ નથી. આજે તેમના સંતાનો પિતાને યાદ કરે છે બાકી કોઈ સરકારી વિભાગને ચિંતા નથી.[:]