Congress, BJP have met, we have won in 15 days – AIMIM Asaduddin Owaisi
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદમાં AIMIMએ 7 બેઠક પર જીત મેળવી છે. ત્યારે અમદાવાદમાથી AIMIMની રાજનીતિની ગુજરાતમાં શરૂઆત થઇ ગઈ છે. ત્યારે AIMIMની જીતને લઇને અસાદુદ્દીન ઔવેસીએ નિવેદન આપ્યું હતું.
AIMIMના પ્રમુખ અસાદુદ્દીન ઔવેસીએ જણાવ્યું હતું કે, ત્રીજો પક્ષ એટલા માટે નહીં ચાલતો હતો કે, કોંગ્રેસ અને ભાજપ તેને મેનેજ કરી લેતી હતી અને તેમાં કમીટમેન્ટ ન હતું. અમે ગુજરાતમાં એકલા નથી અમારી પાસે છોટુ વસાવાની BTP પાર્ટી છે અને ઘણા દલિત સંગઠન છે. અમદાવાદની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા છે તેનાથી અમને હિંમત મળી છે. 20 દિવસની મહેનતમાં અમે ચૂંટણી લડી છે અને અમને ઘણું શીખવા મળ્યું છે. ગુજરાતમાં અમે અમારી જે કમીઓ છે તેને દૂર કરીશું. અમે સારા લોકોને ટીકીટ ન આપી શક્યા તે અમારી એક ભૂલ હતી. હવે જ્યારે 28 તારીખે જે ચૂંટણી છે તે માટે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ વધારે ઉત્સાહથી કામ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એક તોફાન છે. 15 દિવસના સમયમાં અહિયાં લોકોએ ખૂબ મહેનત કરી છે. દરેક નેતાએ આટલી જ મહેનત કરવી જોઈએ. ખૂબ મોટી જવાબદારી લોકોનો વિશ્વાસ જીતવોએ છે. આ અમે કર્યું છે અને આગળ પણ કરીશું. ગુજરાતમાં વર્ષોથી ભાજપને પાવર મળે છે, ગુજરાતની જનતાએ પણ ભાજપને સાથ આપ્યો છે. તેનું કારણ એ છે કે, કોંગ્રેસ પાર્ટી ભાજપની સાથે મળેલી છે એટલે જ 16થી 17 ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં ચાલ્યા ગયા. એટલે ગુજરાતની જનતામાં એક ઉત્સાહ છે અને તેઓ ભાજપને હરાવવા માગે છે. અમારા માટે લોકોના વિશ્વાસ અને ઉત્સાહને જીતવો તે એક મોટી ચેલેન્જ છે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે, અમારે અમારું સંગઠન ખૂબ જ મજબૂત કરવું પડશે અને જે લોકો નારાજ છે તેમને મનાવવા પડશે. અમે છોટુ વસાવાની સાથે દરેક ઈશ્યુમાં સાથે રહીશું. વિઝન તો એજ હશે કે, મુસ્લિમ, આદિવાસી અને દલિતોને એક પોલીટીકલ પ્લેટફોર્મની જરૂર છે. આ ચૂંટણીથી અમને કઈ શીખવા મળ્યું છે. કોંગ્રેસ પાર્ટીની મોટી પ્રોબ્લેમ એ છે કે, એ લોકો એટલા અહંકારમાં ડૂબેલા છે કે, તેઓ પોતાની ગરદનને નીચે કરીને જોવા નથી માગતા કે, કઈ ખામીઓ દૂર કરવી જોઈએ. અમારા માટે મોટી સફળતાની વાત એ છે કે, 20 દિવસમાં એક પાર્ટી ઉભી થાય છે અને કોંગ્રેસ જેવી વર્ષો જૂની પાર્ટીને હરાવી દે. હું આનાથી ખૂશ છું. એક સમયે લોકો ખંડેરને જોઈને કહેશે કે, આ બિલ્ડીંગ શાનદાર હતી તે સમય કોંગ્રેસનો આવશે. અમે ભાજપને પણ હરાવીશું, અમે જનતાના મુદ્દા ભાજપની સામે મુકીશું અને ભાજપની નબળાઈને જનતાની સામે મૂકીશું અને અમારું કામ કરીશું.