ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્રની આંતરાષ્ટ્રિય કિંમત રૂ.5 લાખ જેવી છે. આટલું મોટું ખર્ચ કર્યું હોવા છતાં તેનો ફાયદો ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતોને 2020ના ચોમાસામાં થયો નથી. ખેડૂતોને તો ખબર જ નથી તે તેના ખેતરમાં વરસાદ પડશે કે નહીં તેની આગાહી થઈ શકે છે. કેન્દ્ર સરકારના સ્વચાલિત હવામાન કેન્દ્ર લોકોને જિલ્લાની હવામાન માહિતી આપી શકતું નથી, મોટા ભાગે દેશમાં આવા આધુનિક સાધનો બંધ પડેલા છે. બે હજાર ચોરસ મીટરમાં આ સ્ટેશનો બનાવાયા છે.
ખેડૂત સમયસર હવામાનની રીત વિશે સચોટ માહિતી મેળવી શકતા નથી, જેના કારણે તેના પાક અથવા પશુ સંપત્તિને ભારે નુકસાન થાય છે. તેથી આ કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું હતું. રાજ્યની હવામાન કચેરી કે કૃષિ હવામાન વિભાગ દ્વારા માહિતી ખેડૂત સુધી પહોંચે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. ત્યાં સુધીમાં તેનો પાક નાશ પામ્યો છે.
કેટલા ખેડૂતોને ફાયદો થવાનો હતો
ગુજરાતના 7 જિલ્લામાં 14 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ જિલ્લાઓમાં 4 લાખ ખેડૂતો છે. 1 લાખ વેપારીઓ અને ઉદ્યોગો છે. જેમને હવમાનથી થતાં નુકસાન કે ફાયદા જણાવવામા હતા. પંચમહાલમાં 1.62 લાખ હેક્ટર, દાહોદ 2.13 લાખ હેક્ટર, અમરેલી 3.35 લાખ હેક્ટર, ડાંગ 56 હજાર હેક્ટર, નર્મદા 1 લાખ હેક્ટર, જામનગર 3.46 લાખ હેક્ટર અને વડોદરા 1.97 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.
6 દિવસ પહેલા વિગતો કે આગાહી થઈ શકે
રૂરલ એગ્રિકલ્ચરલ વેધર સર્વિસ દ્વારા વિશેષ તકનીક સાથેના સ્વચાલિત હવામાન મથક ખેડૂતોને 6 દિવસ અગાઉ માહિતી મળવાની હતી. તે મળી નથી. પાકને હવામાનથી બચાવ માટે આ કેન્દ્ર બનેલા પણ આ જિલ્લામાં ખેડૂતોનો પાક વધું વરસાદના કારણે બરબાદ થઈ ગયો છે. ક્યારે વરસાદ આવશે તે અંગે ખેડૂતો જાણી ન શક્યા તેના કારણે આફત આવી છે.
કોઈ જાણકારી ન મળી
જો વહેલી જાણકારી મળી હોત તો પોતાનું કૃષિ કાર્ય બદલી શક્યા હોત. પશુધન માટે ઘાસચારો સંગ્રહ કરી શક્યા હોત, ખેતર કે તૈયાર પાકને ભારે વરસાદથી બચાવવા શું કરવું તે હવામાન વિભાગની માહિતીના આધારે સરળતાથી નક્કી કરી શકાયું હોત. કેન્દ્ર સરકારે આ કેન્દ્ર બનાવી દીધા બાદ રાજ્યની રૂપાણી સરકારની ફરજ હતી કે તેની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટે કામ કરવું. તેમાં સરકાર નિષ્ફળ છે. કિસાન પોર્ટલ, છાપા, ટેલિવિઝન ચેનલ, દૂરદર્શન, રેડિયો, ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનમાં એસએમએસ દ્વારા હવામાનની માહિતી મોકલવાની હતી. કોઈ માહિતી ખેડૂતોને રૂપાણી સરકાર આપી શકી નથી.
દર મંગળવાર અને શુક્રવારે આગાહી થવાની હતી.
પાક સંરક્ષણ, જંતુનો ઉપદ્રવ, પશુપાલન માટેની સલાહ, બાગાયતી, ફૂલ પાક અને વાવેતરની સલાહ આપવાની હતી. તે માટે જિલ્લા મોબાઈલ એપ્લીકેશન કરવાની હતી. જિલ્લાના ખેડૂતો અને લોકોને એક અઠવાડિયા પહેલા વરસાદ, તડકો, ઋતુ ફેરથી ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકશે એવો ખ્યાલ હતો. પણ એવું થયું નથી. ખેડૂતોને હવામાનની આફતથી બચાવવા માટે કામ હતું. ધંધા, વેપાર કરતા લોકોને ફાયદો થવાનો હતો.
45 વર્ષથી જાપાન આવી આગાહી કરે છે
1974 થી જાપાનમાં હવામાન નિરીક્ષણ, હવામાન, પવનની દિશા અને ગતિ, વાદળોનો પ્રકાર, વરસાદ, દૃશ્યતા, હવાનું તાપમાન, ભેજ, સૂર્યપ્રકાશનો સમયગાળો, વાતાવરણીય દબાણનું આપમેળે અવલોકન કરવામાં આવે છે. માનવરહિત સ્ટેશનો પર, દર 10 મિનિટમાં સલાહ જિલ્લાના કે ચોક્કસ વિસ્તારના લોકોને આપવામાં આવે છે. ભારતમાં ગુજરાતની સાથે 200 સ્ટેશન દરેક રાજ્યમાં બન્યા પણ તેની વિગતો ખેડૂતો કે લોકો સુધી પહોંચતી નથી. કેટલાંક તો બંધ પડ્યા છે. ગુજરાત કરતાં જાપાન 45 વર્ષ આગળ છે. આ ટેકનોલોજી ગુજરાત સરકાર 2001થી કરી શકે તેમ હતી. પણ કંઈ ન કર્યું, કર્યું તો તેનો કોઈ ફાયદો ન થયો.