ગાંધીનગર, 27 નવેમ્બર 2020
એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અને બાળકો શાકભાજી ઉગાડે.
મધ્યાહન ભોજન
મધ્યાહન ભોજન માટે શુદ્ધ અને સાત્વિક ભોજન આપે એવી શાળા છેલ્લા 17 વર્ષથી શાકભાજી ઉગાડે છે. વડોદરાના વાયદપુર પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક નરેન્દ્ર ચૌહાણ 2001માં નિયુક્ત થયાં હતા. નિયુક્તિ બાદ પહેલાં તેમણે જોયું કે આ સ્કૂલમાંથી બાળકો ઓછા થઇ રહ્યાં છે. સ્કૂલ છોડવાનો દર ખૂબ ઉંચો હતો. બાળકો એસ.સી.અને એસ.ટી.સમુદાયના, એકદમ ગરીબ, ખેત મજૂર કે અન્ય પ્રકારની મજૂરી કરનારા પરિવારોના છે.
મધ્યાહન ભોજન જરૂરી છે. સ્વાસ્થ્ય માટે સારૂં ન હોય એવું અપૌષ્ટીક અને સ્વાદરહિત ભોજન બાળકોને મળતું હતું.
ઝાડી ઝાંખરા દૂર કરી જમીન ખેડી
શાળાની આજુબાજુમાં પડી રહેલી અડધો એકર જમીન ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યું. ઝાડી ઝાંખરા દૂર કરી જમીન સમતળ કરી હતી. ગામલોકો ચોમાસાની શરૂઆતમાં પોતાના ટ્રેકટરથી ખેડ કરી આપે છે. બિયારણ પણ આપે છે. દાતા નવીનભાઈની મદદથી શાળાનો બોર પુનર્જીવિત કર્યો છે. શાળાની દીવાલને અડીને ઔષધીય બાગ ઉછેર્યો છે. ઇકો ક્લબ કિચન ગાર્ડન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. બાળકોને પણ ગમવા લાગ્યો. તેમને શુદ્ધ અને સાત્વિક ભોજન મળતું થયું. શાળા છોડીને જવાનો દર ઘટી ગયો. શાળાના શિક્ષકો, ગામના ખેડૂતો અને શાળાના બાળકો મદદરૂપ બને છે.
14 પ્રકારના શાક, ભાજી
ટામેટાં, રિંગણ, ફુલાવર, કોબી, મૂળા, ગાજર, મરચાં, દૂધી, પાલક, મેથી અને ધાણા જેવા 14 પ્રકારના શાકભાજી વાવવામાં આવે છે. ઋતુના શાકભાજી પણ વાવવામાં આવે છે. ફાજલ સમયમાં બાળકો પણ આ ગાર્ડનમાં છોડને પાણી આપે છે. સફાઇ કરે છે. શાકભાજી ઉતારે છે. વધારાનું શાક તેઓ ગામની આંગણવાડીને આપે છે.
8 હજાર કિલો શાક
શાકવાડીમાં 17 વર્ષમાં 8 હજાર કિલો મેળવ્યું છે. દર વર્ષે સરેરાશ 50 જેટલાં તિથિ ભોજન થાય છે. ગામલોકો શાળામાં બાળકો સાથે જન્મ દિવસ, લગ્ન તિથિ, સ્વજનોની પુણ્ય તિથિ ઉજવતા થયા છે.
ઈકોકલબ
ઈકો કલબમાંમાં મીઠો લીમડો, કુંવાર પાઠું, પાન ફૂટી, આમળા, લીંબુ, સેવન, કદમ, ફુદીનો, અજમો, નીલગીરી, જામફળ, જાસૂદ, સિંદુરી અને બદામના વૃક્ષો લહેરાઈ રહ્યા છે.
સ્વાદિષ્ઠ ભોજન
દૂધીને છીણીને ખીચડીમાં નાંખવી, દૂધીના મૂઠિયાં, ઢેબરાં બનાવવામાં આવે છે. ઉંધીયું, દૂધી કે ગાજરનો હલવો, પાલકના પાત્રા, પાલક પનીર બનાવે છે.