અમદાવાદના જુહાપુરામાં કાલુ અને સુલતાન વચ્ચે ગેંગવોર

અમદાવાદના જુહાપુરામાં છેલ્લા કેટલાંક સમયથી મોહમ્મદ શરીફ ઉર્ફે કાલુ ગરદન અને સુલતાન વચ્ચે લડાઈ ચાલી રહી છે. ફતેહવાડી વિસ્તારમાં આતંક ફેલાવતા સ્થાનિક લુખ્ખાઓ કાલુ ગરદન તથા સુલતાન વચ્ચે ફરી એકવાર ગેગવોર ફાટી નીકળી છે. જેમાં કાલુની ગેંગથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે.

માથાભારે કાલુ ગરદનના માણસો જુહાપુરામાં સાગર ફ્રાય સેન્ટર રેસ્ટોરન્ટમાં પણ તલવારો સાથે ઘુસી જઈને તોડફોડ કરી હોવાનું બહાર આવ્યુ છે. પોતાના સાગરીતો સરફરાઝ ઉર્ફેે પલપલ, ઈરફાન ઉર્ફેે મોગલી અને ઝભ્ભા સાથે ટેબલો તથા ખુરશીઓમાં તલવારો મારીને ગાળો બોલી દુકાન બંધ કર દો વરના તુમકો કાટ દુંગા જેવી બુમો પાડીને ડરનો માહોલ ઉભો કર્યો હતો.  હુમલાખોર કાલુની ગેંગથી બચવા સુલતાનના માણસો ભાગી છુટ્યા છે.

જુહાપુરામાં  તથા બંન્ને વચ્ચે અવારનવાર હિંસક અથડામણો પણ થતી રહે છે. જેને પગલે જુહાપુરા ફતેહવાડી વિસ્તારના નાગરીકો પણ ડરના માહોલમાં જીવી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે પણ ફતેહવાડી વિસ્તારમાં બંન્ને વચ્ચે ગેગવોર થઈ હતી.

આ ઘટના બાદ કાલુ ગરદન તેના સાગરીતો સાથે ફતેહવાડના નસીમ પાર્લર ખાતે પહોંચ્યો હતો. જ્યાં જતાંવેંત જ સુલતાનના સાગરીત સમીર પેંદીનું નામ લઈને ગાળો બોલવા લાગ્યો હતો. તથા પોતાના સાગરીતો સાથે તલવારો અને છરીઓ લઈ સમીર પેંદીને મારવા જતાં સમીર અને તેના સાગરીતો ત્યાંથી નાસી છુટ્યા હતા.

કાલુએ ત્યાં ઉભા રહેલા અનિસ રહેમાન શેખ ( ઉ.વ.૧૯ રહે. જુહાપુરા) ને પકડી લીધો હતો અને પેટમાં છરીઓ મારી દીધી હતી. ઉપરાંત, તેના માથા તથા શરીરના અન્ય ભાગો પર પણ તલવારોના ઘા મારતા અનિશ ગંભીર રીતે ઘવાઈને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બાદમાં કાલુ તેના સાગરીતો સાથે ત્યાંથી ફરાર થઈ જતાં અનિસનો મિત્ર સમીર તેને રીક્ષામાં નાંખીને સરદાર હોસ્પીટલ ખાતે લઈ ગયો હતો.

વેજલપુર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત અનિશ ના પિતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી- જાનથી મારી નાંખવાની ધમકીઓ તથા હત્યાના પ્રયાસની કલમો લગાવીને બે ફરિયાદ નોંધીને કાલુને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ પણ કાલુનું નામ વારંવાર સામ આવ્યુ છે તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હોવાથી તે બેફામ બની ગયો છે.