ગુજરાત કેળા ખાવામાં દેશમાં અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ

શ્રાવણમાં કેળા ખાવામાં ગુજરાત અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ
ગાંધીનગર, 23 ઓગસ્ટ 2021
ભારતના લોકો માથાદીઠ વર્ષે 23 કિલો કેળા ખાય છે. ગુજરાતમાં માથાદીઠ 71 કિલો કેળા પાકે છે. ભારતની સરેરાશ કરતાં 3 ગણાં કેળા ગુજરાતમાં થાય છે. શ્રાવણ માસમાં કેળાહાર વધી જાય છે. આમેય ગુજરાત પહેલાથી શાકાહારી પ્રદેશ છે. હવે રાંધેલા ખોરાકના બદલે કાચો કુદરતી ખોરાક ખાનારાઓ વધી રહ્યાં છે. 3.10 કરોડ ટન કેળા આખા દેશમાં પાકે છે. ગુજરાતમાં 46 લાખ ટન પાકે છે. હવે કાળાનું ઉત્પાદન વધારી આપતી નવી પદ્ધતિ ખેડૂતોએ અપનાવી હોવાથી ઉત્પાદનમાં સારો એવો વધારો થઈ શકે છે.

કેળની ખેતીમાં મૂળ, છોડ, ફળનો વિકાસ કરતી નવી ખાતર પધ્ધતિનો ઉપયોગ શરૂ થયો છે. કેળામાં નવી ખેતી પદ્ધતિ અને ખાતરનો વિકલ્પ ખેડૂતોએ શોધી કાઢ્યો છે. જેનો ઉપયોગ કરવાથી છોડની વૃદ્ધિના વિવિધ તબક્કે પોષણમાં દ્રાવણ આપવાથી લાભ થાય છે. મૂળ, છોડ તથા ફળ-ફૂલનો વિકાસ ખૂબ સારો થાય છે.

નવી ખેતી પદ્ધતિઓ અને ખાતરના વિકલ્પ માટે ગાયનું તાજુ છાણ, ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. સિમેન્ટના ટાંકામાં 200 કિલો ગાયનું તાજુ છાણ તથા 20થી 30 લિટર ગૌમૂત્ર, ભેગું કરવામાં આવે છે. તેમાં ફોસ્ફેટ કલ્ચર એક કિલો નાંખવામાં આવે છે. રાઈઝોબિયમ કલ્ચર એક કિલો ખેડૂતો નાંખે છે. કોઈ પણ રાખ ત્રણ કિલો લેવી, એક હજાર લિટર પાણી મોટી ટાંકીમાં ઉમેરીને 24 કલાક સુધી સેન્ટ્રીફયુગલ પંપથી ઘુમાવવામાં આવે છે.

તૈયાર દ્રાવણને ટપક સિંચાઈમાં ડ્રીપરની નીચે 500 મિલી પ્રમાણે આપવાથી છોડને પોષણ મળે છે. ખેડૂતનો અનુભવ છે કે, છોડની વૃદ્ધિના વિવિધ તબક્કે પોષણની જરૂરિયાણ ઉદ્ભવે છે ત્યારે આ દ્રાવણ આપવાથી લાભ થાય છે. મૂળ, છોડ તથા ફળ-ફૂલનો વિકાસ ખૂબ સારો થાય છે.

ગુજરાતમાં કેળાના 70 હજાર હેક્ટર બગીચામાં 46 લાખ ટન કેળા પાકે છે. હેક્ટર દીઠ 9થી 10 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે છે. હાલ હેક્ટરે 2.50 લાખનો ખર્ચ થાય છે તેમાં આ નવી પદ્ધતિથી ઘટાડો થાય છે. ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે.