ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે

ગાંધીનગર, 5 એપ્રિલ 2020

રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે.

લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2020 રોજ દાખલ કરવામાં આવ્યા છે . જેમાં 2724 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે . 8172 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ડ્રોનથી પકડાયા હોય એવા ઓછા છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે , રાજ્યમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે હવે પોલીસ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે .

વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા દેખાતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવશે .

વાહનોનું એનાલિસીસ કરીને એક જ નંબર ધરાવતા વાહનની રૂટ હિસ્ટ્રી તપાસી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરાશે. તેમની સામે ગુનો દાખલ કરવાનું નક્કી કરાયું છે.

આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલી પાસ – પરમીટનો દુરુપયોગ કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે . લોકડાઉનની સ્થિતિમાં કેટલીક વ્યક્તિઓ આ વાહનમાં લોકોને બેસાડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યાં છે.

દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાંથી 103 નાગરિકો પકડાયા જેમાં એકનું મૃત્યુ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે . આજે અન્ય સાત વ્યક્તિઓને ઓળખી લેવામાં આવ્યા છે, જે તમામ સાત વ્યક્તિઓ નવસારીના છે . કુલ 110 વ્યક્તિઓને પોલીસે શોધી કાઢ્યા છે જે તમામને કવોરંટાઈન કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે .

અમદાવાદમાં સંપૂર્ણ પ્રતિબંધ

અમદાવાદ પોલીસ કમિશનર હેઠળના શહેરી વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ દ્વારા જાહેર માર્ગ ઉપર પસાર થવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.