2022માં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, કોંગ્રેસનો જનાધાર તૂટ્યો

BJP
BJP

દિલીપ પટેલ

ગાંધીનગર, 4 માર્ચ 2021

વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ 7 ટકાથી 10 ટકા જ રહ્યું છે. હવે 2022ની ચૂંટણીમાં આ અંતર પણ એટલું જ રહેશે છતાં સ્થાનિક જનાઆધાર ઘટતા કોંગ્રેસની બેઠકો ઘટી જશે.

2017માં કોંગ્રેસ મતમાં 4 ટકા વધારો કરીને વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું ગણિત લગાવી રહી હતી. આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 14થી 15 ટકા મત ફેર આવે છે. જે ઓછો કરવો કોંગ્રેસ માટે ઘણો મુશ્કેલ છે. તેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપની સરકાર બની રહી છે.

જો કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા માંગે છે, ઈ-મતના બદલે બેલેટ પેપરથી મતદાન કરવાની માંગ કરીને દેશભરમાં જન આંદોલન કરવું પડશે. બેલેટ પેપરની ચળવળ કરવાની રહેશે. કોંગ્રેસ અને તેમના ભાગીદારોએ ચૂંટણી મતપત્રકથી જ કરવાનું ચૂંટણી પંચને કહેવું પડશે. જો આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે નહીં લેવામાં આવે તો કોંગ્રેસ કંઈપણ કરી શકશે નહીં. ભાજપ મત વિભાજન કરીને જીતવામાં માહેર છે. જીત્યા પછી ધારાસભ્યોની ખરીદી કરી દેવાનું પ્રમાણ હવે વધવાનું છે.

2012ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષો, કેશુભાઈ પટેલની સહિત ભાજપને મદદ કરવા માટે ફૂટી નિકળેલા ત્રીજા પક્ષોના કારણે ભાજપને 47.85 ટકા મત મળ્યાં હતા. કોંગ્રેસને 38.93 ટકા મતો મળ્યાં હતા. કોંગ્રેસે 2017માં વિધાનસભાની 113 બેઠકો ઉપર લીડ મેળવી હતી. અનામત આંદોલનને પગલે કોંગ્રેસને મતો મળ્યા હતા. પણ હવે કોંગ્રેસ પાસે કોઈ આધાર નથી.

તેથી હવે એવું નહીં થઈ શકે. હવે આમ આદમી પક્ષ, એનસીપી, ઔવૈસી, આદિવાસી મોરચો પક્ષો કોંગ્રેસના મતોમાં ગાબડા પાડશે. ભાજપની રૂપાણી અને મોદી સરકારથી નારાજ હોય એવો મોટો મતદાર વર્ગ છે. તે મતો કોંગ્રેસને મળવા જોઈતા હતા પણ હવે આ પક્ષો તરફ જશે. તેથી કોંગ્રેસ સરકાર બનાવે એ એક સ્વપ્ન છે. વાસ્તવિકતા એ છે કે 77 બેઠકો કોંગ્રેસ જાળવી નહીં રાખી શકે. ફરી એક વખત 50ની અંદર બેઠકો કોંગ્રેસની થઈ જાય એવો જનાધાર સ્તાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જોવા મળી રહ્યો છે. જે બતાવે છે કે ભાજપ ફરી એક વખત ગુજરાતમાં સરકાર બનાવશે.

2015ની સ્થાનિક સ્વરાજ્યની – મહાનગર પાલિકા, પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં જનાધાર 4.59 ટકા વધી ગયો હતો. આથી ભાજપને પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં મોટાભાગની સંસ્થાઓ ગુમાવી હતી. ભાજપના મતમાં 1.25 ટકાનો ઘટાડો થયો હતો. કોંગ્રેસને 31માંથી 23 જિલ્લા પંચાયત, 221માંથી 151 તાલુકા પંચાયત અને 12 પાલિકામાં સત્તા મેળવી હતી. મિજાજ બદલતાં વલણમાં છેવટે કોંગ્રેસનું વજન વધ્યું હતું.

2021માં ભાજપને જિલ્લા પંચાયતમાં 54.19 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસને 39.17 ટકા મતો મલ્યા છે. આમ આદમી પક્ષને 2.66 ટકા મતો મળ્યા છે.

2002નું હિન્દુત્વ

2002ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 35.38 ટકા જ મત મળ્યાં હતા. જે 2015ના અંતે વધીને 43.52 ટકા થયો હતો. આમ હિંદુત્વની અસર મતદારો પર ભારે હતી. જે આજે 2021માં પણ સવાર છે. 2021માં ઘટીને 39 ટકા થઈ ગયો છે. 4 ટકા જનાધાર ઘટી ગયો છે.

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ડિસેમ્બર 2022ની ચૂંટણીને ગુજરાતી પ્રજાના મિજાજના રાજકીય બેરોમીટર તરીકે જોઈ રહ્યાં છે.

અમદાવાદ તૂટ્યું

2015માં શહેરોમાં 12 વર્ષના વનવાસ પછી કોંગ્રેસને જનાધાર મળ્યો હતો. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર વધ્યા હતા. અમદાવાદ મહાનગર પાલિકામાં નવા વોર્ડના સીમાંકનથી 4 કોર્પોરેટરોની પેનલના કારણે 2010ની સરખામણીએ કોંગ્રેસના કોર્પોરેટરોનું સંખ્યાબળ વધ્યું હતું. ભાજપના 11 કોર્પોરેટર ઓછા ચૂંટાયા હતા. 2010ની ચૂંટણીમાં કોંગ્રેસના 37 કોર્પોરેટર હતા. જે વધીને 49 થયા હતા. 2015માં ભાજપના 151 કોર્પોરેટર ઘટી 142 થયા હતા.

હિંદુત્વ હજું પણ ચાલું છે

ગુજરાતના શહેરી વિસ્તારોએ વર્ષ 2002ના ગોધરાકાંડ પછી કોંગ્રેસને હિંદુ મતદારોએ વનવાસ આપ્યો હતો. 12 વર્ષને અંતે 2015માં હિંદુત્વની લહેર ઓછી થઈ હતી. સુરત, રાજકોટ, અમદાવાદ મહાનગરોમાં મજબૂત વિપક્ષ મળ્યો હતો. હવે કોઈ લહેર વગર પણ પ્રજાના પીડા આપતાં પ્રશ્નો હોવા છતાં 2021માં ફરી ભાજપને ફરીથી મતો મળ્યા છે.

શંકરસિંહ વાઘેલાના બળવા પછી પણ ગુજરાતમાં ભાજપ કરતા કોંગ્રેસ પાસે સૌથી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું બળ હતું. સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં 2010માં કુલ 4778માંથી ભાજપ પાસે 2460 જન પ્રતિનિધિઓ હતા. તે વર્ષ 2015માં ઘટીને 1718 થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસના 1428થી વધીને 2102 થયા હતા.

2021માં

2021માં જિલ્લા પંચાયતમાં ભાજપની પાસે 800 બેઠકો થઈ છે. કોંગ્રેસની 169 થઈ છે.

તાલુકા પંચાયતમાં ભાજપને 3351 બેઠકો સાથે 52.27 ટકા અને કોંગ્રેસને 1252 બેઠકો સાથે 38.82 ટકા મત મળેલા છે. આમ આદમી પક્ષને 31 બેઠક મળી છે. કુલ 4771 બેઠકો હતી.

નગરપાલિકાની 2720 બેઠકોમાંથી ભાજપને 52.7 ટકા મત સાથે 2085 બેઠક મળી છે. કોંગ્રેસને 29.09 ટકા મત સાથે 388 બેઠક મળી છે. એનસીપીને 0.5 ટકા મત સાથે 5, સમાજવાદી પક્ષને 0.83 ટકા મત સાથે 14 બેઠક, આમ આદમી પક્ષને 4.16 ટકા મત સાથે 9 બેઠક, ઔવૈસીને 0.7 ટકા મત સાથે 17 બેઠક મળી છે. અપક્ષોને 1.19 ટકા મત સાથે 24 બેઠક લઈ ગયા છે.