ગાંધીનગર, 6 એપ્રિલ 2023
કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે.
જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની સર્વેની કામગીરી ચાલુ છે.
15 જિલ્લાના કુલ 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખેતી પાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121 હેક્ટર છે. બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર છે.
જેમાં કૂલ 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. જેમાં 30,895 હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને 11,315 હેક્ટર બાગાયતી ફળપાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.
4-3-2023 થી 24-3-2023 સુધીમાં રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મીલીમીટરથી 47 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાંના 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીમીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો.