16 Mar, 2021
ગુજરાતની ભાજપ સરકારના મંત્રી ઈશ્વર પટેલે પણ કોરોનાની વેક્સીન લીધા પછી કોરોના સંક્રમિત થયા છે. ઈશ્વર પટેલે 13 માર્ચના રોજ સિસોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી.ઈશ્વર પટેલને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઈશ્વર પટેલ થોડા દિવસો વિધાનસભામાં પણ હાજર રહ્યા હતા.
કોરોના વેક્સીન લેતા સમયે મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિસોદરા ખાતે મેં કોરોનાની રસી લીધી છે. 60 વર્ષથી ઉપરના લોકોને તબક્કાવાર આ રસી આપવામાં આવે છે. 45થી 60 વર્ષથી વચ્ચેના લોકોને ડાયાબીટીસ, બ્લડપ્રેસરની બીમારી હોય તે લોકોને પણ રસી આપવામાં આવે છે. એટલે મેં પણ સિસોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મુકાવી છે. એટલે હું તમામ લોકોને અપીલ કરું છું કે, તમે બધા પણ કોરોનાની સામે રક્ષણ મળે તે માટે પોતાની રીતે કોરોનાની રસી લઇએ અને કોરોનાને ભગાવીએ.
ગુજરાત રાજ્ય સરકારના મંત્રી મંડળ અને તેમના સ્ટાફમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના કિસ્સાઓ સામે આવે છે. થોડા દિવસો પહેલા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીની ઓફિસના 4 કર્મચારી અને મંત્રી ઈશ્વર પરમારની ઓફિસમાં કામ કરતો એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાના સત્રમાં હાજર રહેનારા દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.