વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભાંડ

કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020
નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે.

સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. તેની તપાસમાં બીજા કૌભાંડો નિકળે તેમ છે.

ઝૂ, ‘ ફલાવર વેલિ’ બોટિંગ- રાફટીંગ ‘ સી-પ્લેન’ સહિતના કેટલાંક પ્રોજેક્ટો લોકભાગીદારીના બહાને ભાજપની માનીતી એજન્સીવાળાને આપી દેવામાં આવ્યા છે. ભાજપની એક નીતિ રહી છે કે જ્યાં સુધી ભાજપના કાર્યકર કે ભાજપ સાથે જોડાયેલા લોકોને સરકારનું કામ ન મળે ત્યાં સુધી તે ટેન્ડર રદ કરતાં રહે છે. ભાજપના લોકોને મળે પછી જ કામ આપવામાં આવે છે. આવા અનેક કામો આખા રાજ્યમાં અપાયા છે. જેનું ઉત્તમ ઉદાહરણ સરદાર પટેલની પ્રતિમા પાસેના પ્રોજેક્ટસ છે.

કેવડિયામાં પ્રવાસીઓના વાહનોનું પાર્કિંગ ત્રણેક કિ.મી. દૂર કરાવવામાં આવે છે. તેનો પાર્કિંગ ચાર્જ વસૂલાય છે. ત્યાંથી સરદાર સરોવર નિગમની બસમાં પ્રવાસીઓને ફેરવવામાં આવે તે પ્રમાણેની અવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાર્કિંગ તથા અન્ય કેટલાક સ્થળો માટે રોકડ રકમથી ફી લેવામાં આવે છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટિમાં પ્રવેશ ફીની વસૂલાત માટે કેટલીક એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. પાર્કિંગ સહિતની અન્ય ફી લેવા માટે કેટલીક એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ફીના લાખો રૂપિયા અન્ય એક એજન્સીને સોંપી તે એજન્સી રોજના લાખો રૂપિયા વડોદરાની એચ.ડી.એફ.સી. બેંકમાં જમા કરાવતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે.

નાણાં વસૂલેલી સ્લીપ બુક ગુમ કરી દેવામાં આવી છે. ખર્ચના ખોટા હિસાબો રજૂ કરવામાં આવ્યા છે. કૌભાંડની તપાસ થાય તો બીજા કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે.