ગુજરાતમાં 50 હજાર ઘરના છાપરા પર સૂર્ય ઊર્જા, દેશમાં સૌથી વધું

Solar energy on the roof of 50 thousand houses in Gujarat, the largest in the country

‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજનામાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકો આવરી લેવાશે

ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ- ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં ૫૦૯૧૫ ઘરવપરાશની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને ૧૭૭.૬૭  મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.

સંસદમાં ઊર્જા મંત્રી આર. કે. સિંઘે આ અંગેની વિગતો આપી હતી.

સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સિસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે તેમાં ૬૪ ટકા એટલે કે બે તૃતીયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે.

દેશભરમાં સોલાર રૂફટોપ માટે ૭૯૯૫૦ ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમ્યાન કુલ ૩૨૨  મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકીય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે. ગુજરાત પછીના ક્રમે ૫૫૩૧ સોલાર રૂફટોપ સિસ્ટમ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.

દેશમાં ૨૦૨૨ સુધીમાં ૧ લાખ ૭પ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે.

૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજનામાં આવરી લેવાનો લક્ષ્યાંક છે.

આ યોજનાની સબસિડી રકમમાં 3 કિલોવોટ સુધી નિયત કિંમતના ૪૦ ટકા તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસિડી સરકાર આપે છે. રાજ્યના ૨૦૨૦-૨૧ના તાજેતરના બજેટમાં પણ ૯૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

આવી સોલાર રૂફટોપ સિસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. ૨.૨૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદી કરે છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓમાં સોલાર રૂફટોપ માટે ૧.૧૮ લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.