સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાં VPPએ ભાજપ પાસેથી સત્તા છીનવી

16 Mar, 2021

સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢમાં VPPના પાર્ટીએ નગરપાલિકાની સત્તા સંભાળી છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સત્તા સંભાળતાની સાથે જ ભાજપમાં સોંપો પડી ગયો છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુલામાં આવેલી રાવલ નગરપાલિકાનું સુકાન સાંભળ્યું છે. આજે ઇન્ચાર્જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સવારે 11 કલાકે સામાન્યસભા મળી હતી. સામાન્યસભામાં રાવલ નગરપાલિકાના પ્રમુખ પદે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના મનોજ જાદવ અને ઉપ પ્રમુખ પદે લીલુ સોલંકીએ સત્તા સાંભળી છે. ભાજપના પ્રમુખ પદના દાવેદાર જશાઇ જમોદને 8 મત મળ્યા હતા અને ઉપપ્રમુખ પદના દાવેદાર લીલુ ગામીને 8 મત મળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના ચાર સભ્યોએ પણ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના દાવેદારને મત આપ્યો હતો.

મહત્ત્વની વાત છે કે, આજે દ્વારકાની ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની સામાન્યસભા મળી હતી. જેમાં ખંભાળિયા નગરપાલિકામાં ભાજપના દાવેદારો બિનહરીફ ચૂંટાયા હતા. બીજી મહત્ત્વની વાત છે કે, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ રાવલ નગરપાલિકાના વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલી પાર્ટી છે. રાવલ નગરપાલિકામાં વ્યસ્થા પરિવર્તન પાર્ટીની સત્તા આવતા હવે જોવાનું એ રહે છે કે, આગામી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ કેવી કામગીરી કરે છે.

ઉલ્લેખનીય છે કે, આજે ભાજપ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખોના નામ નક્કી કર્યા છે. એક પછી એક નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી રહી છે. 5 નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, 5 નગરપાલિકામાંથી 4 નગરપાલિકાઓમાં મહિલા પ્રમુખના શિરે સત્તા આવી છે. અમરેલી, બાબરા, સવારકુંડલા અને દામનગર નગરપાલિકામાં મહિલાઓના હાથમાં સત્તા સોંપવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પછી ભાજપના કાર્યકર્તાઓએ નિયમોને નેવે મૂકીને ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

અમરેલી નગરપાલિકામાં 3 મહિલાઓને સ્થાન મળ્યું છે. પ્રમુખ તરીકે મનીષા રામાણી, ઉપ પ્રમુખ તરીકે રમા મહેતા અને પક્ષના નેતા તરીકે બીના વણજારાની નિમણૂક થઇ છે. દામનગરમાં પ્રમુખ તરીકે ચાંદની નારોલા, ઉપપ્રમુખ તરીકે ગોબર નારોલાની વરણી થઇ છે. બાબરામાં પ્રમુખ તરીકે રેખા આંબલીયા અને ઉપપ્રમુખ તરીકે આશા તેરૈયાની વરણી થઇ છે. સવારકુંડાલામાં પ્રમુખ તરીકે તૃપ્તિ દોષી અને ઉપપ્રમુખ તરીકે જયસુખ નાકરાણીની વરણી થઇ છે. બગસરામાં પ્રમુખ તરીકે ઇન્દુકુમાર ખીમસૂરીયા અને ઉપપ્રમુખ તરીકે રાજુ ગોડાની વરણી થઇ છે.