[:gj]આજથી 2 ટકા ટીડીએસના વિરોધમાં ઊંઝા, મહેસાણા, વિસનગર, ઉનાવા યાર્ડ બંધ[:]

[:gj]મહેસાણા, તા.૦૩ 

વાર્ષિક એક કરોડ રૂપિયાના રોકડ વ્યવહાર ઉપર 2 ટકા ટીડીએસ કાપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં 1લી સપ્ટેમ્બરથી રાજ્ય ભરના માર્કેટયાર્ડોના વેપારીઓ દ્વારા બંધની જાહેરાત કરાઇ હતી. પરંતુ 1લીએ રવિવાર અને તા. 2જીને સોમવારે ગણેશ ચતુર્થીનો તહેવાર હોઇ યાર્ડ બંધ જ હતા. પરંતુ મંગળવારથી મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા, વિસનગર અને ઉનાવા માર્કેટયાર્ડના વેપારીઓ તમામ લેવડ-દેવડ બંધ રાખી વિરોધ નોંધાવશે. સાબરકાંઠા જિલ્લાના તમામ યાર્ડ પણ 3 દિવસ બંધ રાખવાની, તો પાટણ યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.કેન્દ્ર સરકાર દ્વારા રૂ.એક કરોડના રોકડ વ્યવહારમાં બે ટકા ટીડીએસ કાપવાનો નિર્ણય લેવાતાં તેના પડઘા માર્કેટયાર્ડના વેપારીઓમાં પડ્યા છે. વેપારીઓએ વિરોધ દર્શાવી આ નિર્ણય પરત લેવાની માંગણી કરી છે. જેમાં કોઇ ફેરફાર ન કરાતાં અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાનું નક્કી કરાયું છે. મહેસાણા માર્કેટયાર્ડના સેક્રેટરી પ્રવિણભાઇ પટેલના જણાવ્યા મુજબ, 2 ટકા ટીડીએસ વિરોધમાં યાર્ડ મંગળવારથી બંધ રહેનાર છે.

વિસનગર ગંજ બજાર વેપારી મહામંડળના પ્રમુખ કરશનભાઇ પટેલે જણાવ્યું કે, 350 જેટલી પેઢીઓના વેપારીઓ દ્વારા હડતાળ ઉપર જવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, ઊંઝા, મહેસાણા, ઉનાવા અને વિસનગર માર્કેટયાર્ડ બંધ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. તો કડી યાર્ડ હાલના તબક્કે બંધમાં જોડાયું નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે પાટણ માર્કેટ યાર્ડના વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પાડી ખરીદી બંધ કરી દેતા અંદાજે બે કરોડનો વેપાર અટકી પડ્યો છે આ હડતાલમાં મંગળવારથી હારિજ સમી રાધનપુર સહિતના માર્કેટયાર્ડના વેપારીઓ પણ જોડાવાના છે.

વેપારીઓની દલીલ છે કે, ખેડૂતો રોકડમાં જ નાણાં માગતા હોય છે. આ નિર્ણયથી ખેડૂતોને ચેકથી બે-ત્રણ દિવસે નાણાં મળશે. એટલે ખેડૂતોએ જ હેરાનગતિ ભોગવવી પડશે. વળી ચેક વટાવ સહિતનો ખર્ચ સરવાળે ખેડૂતો ઉપર જ જવાનો છે. જેથી નાના અને મધ્યમ ખેડૂતોને 2 ટકા ટીડીએસ ભોગવવાનો વારો આવતાં નુકસાન સહન કરવું પડશે.[:]