[:gj]કાંકરીયા રાઈડ દુર્ઘટનાના બે મહિના પૂર્ણ: હજુ એફએસએલ કે પોલીસ રીપોર્ટ કેમ જાહેર નહી?[:]

[:gj]અમદાવાદ,તા.૧૫
કાંકરીયા લેઈક પરીસરમાં ૧૪ જુલાઈના રોજ રાઈડ દુર્ઘટના બની હતી.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.૨૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાને બે મહીના પુરા થઈ ગયા.હજુ સુધી એફએસએલનો રિપોર્ટ કે આર એન્ડબી અને પોલીસનો રિપોર્ટ જાહેર કરવામા ન આવતા કાંકરીયા લેઈક પરીસરમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા પરીસર સુમસામ ભાસી રહ્યુ છે.અહીં નિયમિત આવતા મુલાકાતીઓ પણ જે પ્રમાણે બે મહીના વીતવા છતાં એકપણ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યા એને લઈને અમપા અને પોલીસની નિયત ઉપર શક કરી રહ્યા છે.

ઘટના બાદ રાજય સરકાર તરફથી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ હતુ,આ ઘટનામાં કોઈ પણ કસુરવારને છોડવામાં નહીં આવે પરંતુ રાઈડ સંચાલક અને ઓપરેટરોની ધરપકડ કર્યા સિવાય આ મામલે પોલીસે નવુ કાઈ કર્યુ નથી.આ તરફ શહેરના મેયર બિજલ રૂપેશભાઈ પટેલે ઘટના સમયે અમપાના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી ન હોવાનો રાગ આલાપ્યો હતો.પણ જા સંડોવણી ન હતી.તો અમપા દ્વારા કયા એગ્રીમેન્ટના આધારે રાઈડ સંચાલકને આપવામાં આવી હતી.ખુદ અમપાના હોદ્દેદારોએ  અનેક વખત જાહેરમાં કહ્યુ છે ,રાઈડમાં અમપાનો દસ ટકા પ્રોફિટ માર્જીન છે.તો જવાબદારી લેવાના બદલે મેયર કે સ્થાયી સમિતિના ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટ કે મ્યુનિસિપલ કમિશનર કેમ હાથ ખંખેરી રહ્યા છે.આર એન્ડ બી વિભાગે ઘટના સમયે કહ્યુ હતુ,મંજુરી અમે આપતા નથી,અમે માત્ર ઈન્સપેકશન કરીએ છીએ.તો રાઈડમાં બધુ બરોબર હોવા અંગે આગળ કરાયેલો ૬ જુલાઈનો રિપોર્ટ સાચો હતો કે ઉભો કરેલો એ મામલે આર એન્ડ બી કેમ કોઈ નિવેદન કરતી નથી.આ તમામ પ્રશ્નોના જવાબ લેઈકફ્રન્ટની મુલાકાતે આવતા મુલાકાતીઓ.માંગે છે. હાલ રાઈડ પ્રવૃત્તિ અને ટ્રેઈન એકટિવિટી બે મહીનાથી સ્થગિત થઈ જતા મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડાની સાથે અમપાની આવકમાં પણ ઘટાડો થવા પામ્યો છે.

૧૦૦ કરોડની જમીન ૨૮ કરોડમાં પધરાવવાની દરખાસ્ત અનિર્ણિત

જે સમયે આ ઘટના બની એના થોડા સમય અગાઉ ઘનશ્યામ પટેલને એમ્યુઝમેન્ટપાર્કના નામે રૂપિયા સો કરોડની જમીન માત્ર ૨૮ કરોડમાં પધરાવવાની એક દરખાસ્ત સ્થાયી સમિતિની મંજુરી માટે શાસકપક્ષ તરફથી મુકવામાં આવી હતી.પરંતુ આ ઘટના બાદ આ દરખાસ્ત હાલ અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષનેતા દીનેશ શર્માએ એક વાતચીતમાં કર્યો છે

ઘનશ્યામ પટેલ નવરાત્રીમાં ગરબાના પાસની લહાણી કરતો

રાઈડ સંચાલક ઘન્શ્યામ પટેલ એક સમયે હાલ બંધ એવા જલધારા વોટર પાર્કમાં પણ દબદબો ધરાવતો હતો.અમપા દ્વારા કોમર્શિયલ એકટિવીટી ન કરવાનો એગ્રીમેન્ટ હોવા છતાં તે દર વર્ષે  નવરાત્રીમાં ગરબા અને અન્ય પાર્ટીઓના આયોજન કરી રાજકારણીઓ,પક્ષના કાર્યકરોથી લઈને અધિકારીઓ અને પોલીસ સુધીના સૌ કોઈને સાચવી લેતો હોવાની પણ અમપા વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

ગ્લાઈડર રાઈડસમાં અમપાની વીસ ટકા ભાગીદારી

સત્તાવારસૂત્રોના કહેવા પ્રમાણે ગલાઈડર રાઈડમાં અમપાની વીસ ટકા પ્રોફિટ શેરીંગ પાર્ટનર્શીપ છે.બે મહીના પુરા થયા આમ છતાં આ મામલે પણ અમપા તરફથી કોઈ બોલવા તૈયાર નથી.

હાલ શું કાર્યરત છે

હાલ પરીસરમાં આવેલા ઝૂ,બાલવાટીકા,નોકટરનલ ઝૂ અને વન ટ્રી હીલ ગાર્ડન પર આવેલા બટરફલાયપાર્કમાં નાની રાઈડ કાર્યરત છે.બાકી તમામપ્રકારની રાઈડસ,ટ્રેનની એકટિવિટી સ્થગિત કરી દેવામાં આવી છે.

૫૦ લાખનુ નુકસાન

સૂત્રોના કહેવા મુજબ,બે મહીનામાં ઝૂ,બાલવાટીકા,નોકટરનલની થઈ અનુક્રમે રૂપિયા ૫૭ લાખ અને ૫૦ લાખ(૧૪ સપ્ટે.સુધી)આવક થવા પામી છે,બીજી તરફ લેકફ્રન્ટ ખાતે આવતા મુલાકાતીઓની સંખ્યા ઘટતા એન્ટ્રી ફીની આવક ઘટી છે.કુલ મળીને બે મહીનામાં અમપાને રૂપિયા ૫૦ લાખની આવક ગુમાવવી પડી છે.

ત્રણ યુનિટોને નાની રાઈડની પરમીશન અપાઈ

પરીસરમાં બનેલી ઘટનાના બે મહીના બાદ ત્રણ એકમો પૈકી બેને નાની રાઈડ અને એકને બોટીંગ માટે આર.એન્ડ બી.દ્વારા પરમીશન અપાઈ છે.આ ત્રણે દ્વારા મણિનગર પોલીસમાં એનઓસી માંગવામાં આવી છે.એનઓસી આવ્યા બાદ તેઓ પ્રવૃત્તિ કરી શકશે.[:]