ગુજરાતમાં રવિ સિઝનમાં વિલંબથી શરૂઆત, માત્ર 15.60 ટકાનું વાવેતર

કે ન્યૂઝ, ગાંધીનગર, તા. 25.

ગુજરાતમાં રવિ સિઝનની શરૂઆત વિલંબથી થઇ છે, કારણ કે આ વર્ષે વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતોએ વાવેતર વિસ્તાર મોડો શરૂ કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 15.60 ટકા વાવેતર થયું છે. રાજ્યમાં પિયત અને બિન પિયત ઘઉંનું વાવેતર ખૂબ ધીમું છે.

રાજ્યનો સામાન્ય વાવેતરનો વિસ્તાર 31,19,413 હેક્ટર છે, જે પૈકી આ વર્ષે અત્યાર સુધીમાં 4,86,741 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જે સામાન્ય રીતે ગયા નવેમ્બર મહિનામાં 7,88,538 હેક્ટર જેટલું થયું હતું. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં રવિ સિઝનનું વાવેતર ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં 70 ટકાથી વધુ થવાની ધારણા છે. આ વર્ષે ખેડૂતોએ મોડી વાવણી શરૂ કરી છે, કારણ કે હજી ઠંડીની સિઝન બરાબર શરૂ થઇ નથી.

ગુજરાતમાં પિયતના ઘઉંનું વાવેતર 9.15 લાખ હેક્ટરમાં અને બિન પિયત ઘઉંનું વાવેતર 37713 હેક્ટર વિસ્તારમાં થાય છે પરંતુ અત્યારે અનુક્રમે 39802 હેક્ટર અને 1265 હેક્ટર વિસ્તારમાં થયું છે. એવી જ રીતે અન્ય ધાન્ય પાકો જેવાં કે જુવાર, મકાઇ અને અન્યનું વાવેતર સામાન્ય રીતે 11.05 લાખ હેક્ટર વિસ્તારમાં થતું હોય છે પરંતુ અત્યારે 91,521 હેક્ટર વિસ્તારમાં થયું છે. કુલ ધાન્ય પાકોનું વાવેતર 6.47 ટકા છે.

આવી જ રીતે ચણા અને અન્ય કઠોળનો વાવેતર વિસ્તાર સામાન્ય રીતે 2.38 લાખ હેક્ટરમાં હોય છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 47,348 હેક્ટરમાં થયું છે. તેલીબિયાં પાકોમાં મુખ્યત્વે રાઇ અને અન્ય તૈલી હોય છે જેનું વાવેતર સરેરાશ 2.14 લાખ હેક્ટર હોય છે પરંતુ 1.19 લાખ હેક્ટરમાં થયું છે.

રાજ્યમાં અન્ય પાકો જેવાં કે શેરડી, તમાકુ, જીરૂ, ધાણા, લસણ, સવા, ઇસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાટા, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર 2 ટકા થી 22 ટકા સુધી થયું છે. શેરડીનું વાવેતર 22.19 ટકા છે, જે 35,311 હેક્ટરનો વાવેતર વિસ્તાર દર્શાવે છે, જે સામાન્ય રીતે 1.59 લાખ હેક્ટર વિસ્તારમાં હોય છે. રાજ્યમાં તમાકુનું વાવેતર 1.23 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે પરંતુ અત્યારે 25,419 હેક્ટરમાં જોવા મળે છે.

રવિ સિઝનમાં શાકભાજીનો વિસ્તાર 4.56 લાખ હેક્ટર હોય છે પરંતુ ખેડૂતોએ 94,067 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. રાજ્યમાં 38,108 હેક્ટર પૈકી 2,913 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. રાજ્યમાં જીરૂ રોકડિયો પાક છે, જેથી તેનું વાવેતર 3.36 લાખ હેક્ટરમાં થાય છે, જો કે અત્યારે માત્ર 19,723 હેક્ટરમાં જ વાવેતર થયું છે.

નવેમ્બરમાં આ સમયમાં વાવેતર 

સામાન્ય વાવેતરની સરેરાશ —– 31,19,413 હેક્ટર

ગયા વર્ષે થયેલું વાવેતર —– 7,88,538 હેક્ટર

આ વર્ષે થયેલું વાવેતર —–4,86,741 હેક્ટર