[:gj]ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે પાંચ દાવેદારો[:]

[:gj]ફાઇનલ પસંદગી અમિત શાહ કરશે

સરકારમાંથી એક, સંગઠનમાંથી ચાર નામોની ચાલતી વિચારણા, જીતુ વાઘાણીને વધુ એક તક મળે તેવી સંભાવના નથી

ગાંધીનગર:

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ડિસેમ્બરના અંત સુધીમાં નક્કી થઇ જાય તેવી સંભાવના છે. હાલ આ પદ માટે કુલ પાંચ નવા નામ સપાટી પર આવ્યા છે. નવા પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. જિલ્લાના પ્રમુખો તેમજ હોદ્દેદારોની વરણી કર્યા પછી નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ દિલ્હીથી થશે.

ગુજરાત ભાજપે નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જિલ્લા પ્રમુખોની વરણની પ્રક્રિયા મધ્યભાગમાં થઇ જાય તેમ છે પરંતુ પ્રદેશના પ્રમુખ માટે ત્રણ નામની પેનલ બનાવવા માટે કુલ છ નામોની વિચારણા શરૂ કરવામાં આવી છે જેમાં એક નામ હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાનું છે પરંતુ તેમને વધુ ચાન્સ આપવામાં આવે તેવી કોઇ સંભાવના નથી.

પ્રદેશ પ્રમુખ માટે ઉભરાઇ રહેલા નામોમાં કેન્દ્રીય શિપીંગ મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ ધારાસભ્ય રજનીકાન્ત પટેલ, પાર્ટીના ઉપપ્રમુખ આઇકે જાડેજા, પ્રદેશના નેતા ગોરધન ઝડફિયા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મોવડીમંડળે પ્રમુખની પસંદગી માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહને ગુજરાત મોકલ્યા છે. તેઓ વિવિધ નામોની ચર્ચા કર્યા પછી કેન્દ્રીય મોવડીમંડળને રિપોર્ટ આપશે. આ નિરીક્ષકો મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેબિનેટના અન્ય સભ્યોને પણ મળશે.

ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે નવા પ્રદેશ પ્રમુખ માટે અમે નિરીક્ષકોની નિયુક્તિ કરી દીધી છે. આ નિરીક્ષકો પ્રદેશના નેતાઓને મળી રહ્યાં છે. ભાજપના જિલ્લા પ્રમુખોની નિયુક્તિ ડિસેમ્બરના મધ્યભાગમાં કરવામાં આવશે જ્યારે નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ દિલ્હીથી કરવામાં આવશે.

હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજ્ય ભાજપના પ્રમુખપદનો તાજ 2016માં પહેર્યો હતો. તેમના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ગયા ઓગષ્ટ મહિનામાં પૂર્ણ થયો છે છતાં તેમને ચાલુ રાખવામાં આવ્યા છે. તેઓ પાટીદાર હોવાથી પાર્ટીએ તેમને તક આપી હતી પરંતુ તેઓ તેમની કાર્યપદ્ધતિથી પાર્ટીમાં અળખામણા થઇ ગયા છે.

બીજી તરફ આઇકે જાડેજા અને ગોરધન ઝડફિયા સંગઠનના ચહેરા છે. ગોરધન ઝડફિયાએ 2014માં ફરી ભાજપ જોઇન્ટ કર્યું હતું અને તેમને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની જવાબદારી સંભાળવા આદેશ કરવામાં આવ્યો હતો. આઇકે જાડેજા ક્ષત્રિય ચહેરો છે અને ઝડફિયા પાટીદાર ચહેરો છે.

કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી રહેલા મનસુખ માંડવિયાનું નામ મુખ્યમંત્રી તરીકે ઉપસ્યું હતું પરંતુ હવે તેમનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઇ રહ્યું છે. એ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીકાન્ત પટેલનું નામ પણ સપાટી પર આવ્યું છે. સરકારમાંથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ ટોચ પર છે, કારણ કે ધોળકાની બેઠકમાં થયેલી ગેરરિતીઓને કારણે અદાલતી આદેશમાં તેમને મુશ્કેલી થાય તેમ છે તેથી તેમને કેબિનેટમાંથી વિદાય કરવા પડે તે પહેલાં પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી પણ સંભાવના છે.

એવું કહેવાય છે કે રજનીકાન્ત પટેલ ઉત્તર ગુજરાતના નેતા છે અને તેઓ અમિત શાહ અને આનંદીબહેન પટેલની પસંદ છે. વિજય રૂપાણી પહેલાની સરકારમાં તેઓ રાજ્યના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હતા. મુખ્યમંત્રી સૌરાષ્ટ્ના છે ત્યારે પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતના આવે તેવી અટકળો પાર્ટીમાં તેજ બની છે. જો કે આ નામો પૈકી એક નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ નક્કી કરશે.[:]